શહેરમાં ફરીથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. છેલ્લા 5થી 6 દિવસ કાપોદ્રા વિસ્તારમાં હત્યાના બે બનાવો બની ગયા હતા. જયારે ગઈકાલે રાત્રે ડુમસ ખાતે સગીર સહીત છ જેટલા આરોપીઓએ ચાર જેટલા મિત્રો સાથે મારામારી કરી હતી અને તેઓ પૈકી સગીર આરોપી દ્વારા એક યુવકના ગળામાં ચપ્પુનો ઊંડો ઘા મારી તેની હત્યા કરવામાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી જયારે હત્યાના બનાવને પગલે મૃતકના પરિવાર સહીત સમાજના લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે.
ડુમસ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી ડુમસ ગામ ખાતે આવેલ દરી ફળિયામાં રહેતા 26 વર્ષીય સ્ટીવન સંજય ઘંટીવાળા અને તેના મિત્રો દેવ ખલાસી તેમજ અન્ય બે ગત રાત્રે 10.50 વાગ્યે ડુમસ લંગર સર્કલ પાસે હતા જયા 16 વર્ષના સગીર આરોપી અને તેના અન્ય ચારથી પાંચ મિત્રો વચ્ચે સ્ટીવન અને તેના મિત્રો વચ્ચે ઝગડો થયો હતો અને હાથાપાઈ થવા લાગી હતી ત્યારે સગીર અને તેના મિત્રો દ્વારા સ્ટીવન અને તેના મિત્રો સાથે મારામારી કરી ચપ્પુ મારી દેવામાં આવ્યું હતું જ્યારે સગીર દ્વારા સ્ટિવનને ગળાના ભાગે ચપ્પુનો ઊંડો ઘા કરાયો હતો.
લંગર સર્કલ પર બનેલા હત્યાના બનાવને પગલે આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલા યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં સ્ટીવનનું મોત નીપજયું હતું. હત્યાના આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, સમાજમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો.
યુવકના ગળામાં બે ઇંચ જેટલા ઉંડા
ડુમસ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે છ આરોપીઓ પૈકી સગીર આરોપીની 16 થી 17 વર્ષ છે. તેને સ્ટીવનને ગળાના ભાગે ચપ્પુનો એટલો ઊંડો ઘા કર્યો હતો કે તેના ગળામાં 2 ઇંચ જેટલો અંદર ઘુસી ગયો હતો. ઊંડો ઘા થવાથી તે લોહીલુહાણ અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું મોત નિપજ્યુ હતું.
શું કામ હત્યા કરાઈ?
આ આખી બબાલ એવી હતી કે સ્ટીવનના મિત્ર દેવ ખલાસી અને ડુમસ ગામમાં રહેતી એક યુવતી વચ્ચે પ્રેમસંબંધો હતા. આરોપીઓના એક મિત્રએ તે યુવતીને મેસેજ કર્યો હતો. તે મામલે દેવ અને તેની વચ્ચે ફોન પર બબાલ થઈ હતી. ત્યારે દેવને ઈન્સ્ટાગ્રામ પર અભદ્ર મેસેજ કરવા આવ્યો હતો, આ મુદ્દે તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. અને આરોપીઓએ દેવને મળવા માટે ડુમસ લંગર પાસે બોલાવ્યા હતા, જેથી દેવ તથા સ્ટીવન અને અન્ય મિત્રો ત્યાં ગયા હતા. ત્યારે આરોપીઓ અને દેવ વચ્ચે ઝગડો થયો મામલો હાથપાઈ સુધી પહોંચી ગયો હતો અને મારમારી શરૂ કરી ચપ્પુ કાઢી મારવા લાગ્યા હતા ત્યારે દેવા સાથે ગયેલ નિર્દોષ સ્ટીવનના ગળામાં સગીર આરોપીએ ચપ્પુનો ઊડો થા મારતા તેનું મોત નીપજયું હતું.
