SURAT

સુરતમાં 13 વર્ષના કિશોરે આટલા નજીવા કારણ માટે 9 વર્ષના બાળકને ફટકા મારીને પતાવી દીધો

સુરત (Surat): ભેસ્તાનમાં ગુરુવારે સવારે 9 વર્ષના બાળકની સાથે રમી રહેલા કિશોરે લાકડાના બે ફટકા મારી હત્યા કરી હોવાની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. બાળકનો મૃતદેહ ઝાડી-ઝાંખરામાંથી મળી આવતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસ દરમિયાન 13 વર્ષના કિશોરના નાના ભાઈને અંશુએ અઠવાડિયા પહેલાં માર માર્યો હોવાથી તેનો બદલો લેવા લાકડાના ફટકા મારતાં બાળકનું મોત થયું હતું.

શહેરના ભેસ્તાન ખાતે સરસ્વતી આવાસમાં રહેતા શ્રીલાલ યાદવ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના એકના એક પુત્ર અંશુ (ઉં.વ.9)ની લાશ ગુરુવારે બપોરે ઘર નજીક ઝાડી-ઝાંખરામાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. અંશુ સવારે ઘરમાંથી નીકળ્યા બાદ પરત નહીં આવતાં તેની માતાએ શોધખોળ કરી હતી. દરમિયાન માતાએ તેના પુત્ર અંશુને ઝાડી-ઝાંખરામાં લોહીના ખાબોચિયામાં મૃત પડેલો જોઈ બૂમાબૂમ કરી હતી. મહિલાનો અવાજ સાંભળીને આસપાસના રહીશો દોડી ગયા હતા. આ ઘટના અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.


પોલીસને તપાસ દરમિયાન બાળકના માથામાં લાકડાના ફટકા મારી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરતાં બાળકની હત્યા તેની સાથે રમી રહેલા 13 વર્ષીય કિશોરે કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કિશોરની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, અઠવાડિયા પહેલાં અંશુએ તેના નાના ભાઈને માર માર્યો હતો. જેનો બદલો લેવા માટે તેને માથામાં લાકડાના બે ફટકા માર્યા હતા.

અંશુ ઉત્તરપ્રદેશના અલાહાબાદ ખાતે તેના દાદા સાથે રહેતો હતો. અંશુ વતનમાં ધો.4માં અભ્યાસ કરતો હતો. એક મહિના પહેલાં જ શ્રીલાલ પુત્રને સુરત લઈ આવ્યા હતા. બાળકની માતાનું તે 3 વર્ષનો હતો ત્યારે જ કમળામાં નિધન થયું હતું. બાળકના પિતાએ પાંચ મહિના પહેલાં જ બીજા લગ્ન કર્યાં હોવાથી પુત્રને મહિના પહેલા જ સુરત લાવ્યો હતો.

ફટકા માર્યા પછી કિશોર ત્યાં જ ઊભો હતો:

પોલીસને પૂછપરછ દરમિયાન કિશોરે જણાવ્યું હતું કે, અંસુને માથામાં ફટકા માર્યા પછી પણ તે ત્યાં જ ઊભો હતો. અંશુ કંઈ બોલવાનો પ્રયાસ કરતો હતો, પણ તે સમજી નહીં શક્યો. અંશુને માથામાંથી લોહી નીકળતાં તે ડરીને ત્યાંથી ભાગી ગયો હતો.

પિતાએ ઘરની બહાર ન નીકળવા કહ્યુ હતુ

શ્રીલાલ યાદવ ટેમ્પો ડ્રાઈવર છે. ગુરુવારે સવારે 8 વાગે નાસ્તો કરીને કામે જવા નીકળ્યા હતા. દરમિયાન પુત્ર તોફાની હોવાથી ઘરની બહાર બીજા છોકરાઓ સાથે ઝઘડો કરતો હોવાથી બહાર નીકળવા ના પાડી ગયા હતા. પિતા કામે જતાં માતાની નજર ચૂકવી અંશુ બહાર રમવા નીકળી ગયો હતો. માતાનું ધ્યાન જતાં તે બહાર શોધખોળ કરવા નીકળી ત્યારે તેની લાશ મળી આવી હતી.

ખોપડી તૂટી ગઈ એટલો બળપૂર્વક વાર કર્યો:

અંશુની લાશ મળતાં પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલમાં ખસેડ્યો હતો. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાનું હોવાથી મોડી સાંજ સુધી પીએમ થઈ શક્યું ન હતું. જો કે, પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બાળકની લાશ પાસે લાકડાનો લોહી લાગેલો ફટકો પડેલો હતો. આ ફટકો બળપૂર્વક માર્યો હોવાથી ખોપડી તૂટી ગઈ હતી. જો કે, પોસ્ટમોર્ટમ થાય પછી વધારે જાણી શકાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top