SURAT

સુરતમાં હવે બસમાં આવતા મુસાફરોની આપોઆપ ગણતરી કરતી બસ દોડશે

સુરત (Surat) : સુરતમાં સામુહિક પરિવહનની સુવિધા વધુમાં વધુ સુદ્રઢ અને આરામદાયક બનાવવા માટે મનપા દ્વારા અદ્યતન ટેકોનોલોજી સાથેની બીઆરટીએસ (BRTS) બસો વસાવવામાં આવી રહી છે. જેમાં અગાઉ 150 બીઆરટીએસ બસોનો ઓર્ડર અપાયો હતો તે પૈકીની 75 બસ આ મહિનાના અંત સુધીમાં સુરતના રસ્તાઓ પર દોડતી દેખાશે. જ્યારે અન્ય 75 બસ માર્ચ મહિનાથી દોડતી થાય તેવી શકયતા પણ છે.

આ બસોની વિષેશતા એ છે કે તેની લંબાઇ 12 મીટરની છે અને તેમાં અત્યાધુનિક ટેકનોલોજી સાથેના ફંકશન સામેલ કરાયા છે. બસમાં આગ જેવી કોઇ દુર્ઘટનામાં યાત્રીઓને હાલાકી નહી થાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. ફાયર સેફ્ટી માટેના તમામ માપદંડોને આવરી લેવામા આવ્યા છે. આગ લાગે ત્યારે મુસાફરોને નુકસાન નહીં પહોંચે અને ઝડપથી તેના પર કંટ્રોલ કરી શકાય તે માટેનું પૂર્વ આયોજન કરવામાં આવ્યુ છે.

તેની સાથે જ બસમાં ફ્રન્ટ કેમેરા અને બ્લાઇન્ડ વિસ્તારમાં ડ્રાઇવર જોઇ શકે તે રીતે ઓઆરવીએમ સાઇડ સાઇડ મીરર મૂકવામાં આવશે. શહેરમાં તમામ રુટ પર દોડી રહેલી બસોને ટ્રેસ કરી શકાય તે માટેની જીપીએસ સિસ્ટમ પણ બસમાં રહેશે. જીપીએસ સિસ્ટમ હોવાથી બસ ક્યા સમયે, ક્યા વિસ્તારમાંથી પસાર થઇ રહી છે.

વિસ્તૃત વિગતો મુજબ સુરત મનપાની બસ સેવામાં સામેલ થવા જઇ રહેલી આ નવી બસોને સુરતની જરૂરીયાતને ધ્યાનમાં રાખી ડિઝાઈન કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા સાથે બસોમાં ટિકિટ નહીં લેનારાઓને પણ ટ્રેસ કરી શકાય તે માટેની ગોઠવણ કરવામાં આવી છે. તેમજ કેટલા મુસાફરો ચડયા તેની ગણતરી પણ આપોઆપ થશે.

કુલ કેટલા યાત્રીઓ બસમાં યાત્રા કરી રહ્યા છે તેની માહિતી ઉપલબ્ધ રહેશે. બસમાં ઉતરનારા મુસાફરો પણ રેકર્ડ થઈ જશે તે પ્રકારના કેમેરા અને સેન્સર એન્ટ્રી ગેટ પર ગોઠવવામાં આવ્યા છે. આ રીતની વ્યવસ્થાથી ટિકિટ નહીં લેનારા પેસેન્જર પણ સરળતાની ટ્રેસ થઇ જશે અને ટિકિટમાં થતા કોઠા કબાડા પર નિયંત્રણ આવશે. આ બસોમાં એરકન્ડીશન અને જીપીએસ સહિતની સુવિધાઓ પણ મુસાફરોને મળશે.

અકસ્માતો અટકાવવા ડ્રાઇવરોને સિમ્યુલેટર મશીન પર ટ્રેનિંગ અપાશે
હાલ અકસ્માત ટાળી શકાય તે માટે તમામ એજન્સીઓને ડ્રાઇવરો માટે સિમ્યુલેટર મશીન પર ટ્રેનિંગ આપવાની સૂચના આપવામાં આવી છે. સિમ્યુલેટર મશીન એટલે કે આ ટેક્નોલોજીમાં એક મોટો સ્ક્રીન મૂકવામાં આવેલો હોય છે તેને જોતા ટ્રેનિંગ લેનાર પોતે રોડ પર ગાડી ચલાવતો હોય તેવો આભાસ થશે. આ ટેક્નોલોજીથી ડ્રાઇવરોને મોટો ફાયદો થઇ શકે છે. રેસ જેવી પ્રતિસ્પર્ધામાં સામેલ થનારા ડ્રાઈવરો પણ આ રીતની ટ્રેનિંગ લેતા હોય છે. અલથાણ ડેપો પર આવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

મનપા જાળવણી નહીં કરે તો નવી બસો પણ ભંગાર બની જશે
સુરત મહાપાલિકા દ્વારા હાલમાં 150 જેટલી નવી બીઆરટીએસની બસો લાવવા માટે આયોજનો કરવામાં આવ્યું છે. જેમાંથી 75 બસને 22મીથી દોડાવવાની શરૂઆત પણ કરી દેવાશે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, મનપા તંત્રનેઆ બસોની જાળવણીની સ્હેજેય પડી નથી.

અગાઉ પણ જાળવણીના અભાવને કારણે બીઆરટીએસની બસોમાં એસી બંધ થઈ ગયા છે, તો અનેક બસોના દરવાજા પણ બંધ થતાં નથી. બેસવાની સીટથી માંડીને ઈન્ટિરિયર પણ કોઈજ ધ્યાન રાખવામાં આવતું નથી. ‘આરંભે શૂરા’ની જેમ મનપા તંત્ર કામ કરતું હોવાથી હવે જો તંત્ર નહીં સુધરે તો આ નવી બસો પણ ભંગાર થઈ જશે. ઉચ્ચ અધિકારીઓએ બીઆરટીએસની આ નવી બસો પર ધ્યાન આપવું જરૂરી રહેશે.

Most Popular

To Top