Columns

ઈશ્વર કોની નજીક

એક દિવસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી વાતો કરતા બેઠા હોય છે ત્યાં નારદજી પધારે છે બરાબર તે જ ક્ષણે લક્ષ્મીજી ભગવાનને પૂછે છે કે , ‘પ્રભુ તમારા કેટલા ભક્તો છે આ પૃથ્વી પર દરેક માણસ ઓછી કે વધારે તમારી ભક્તિ કોઈ ને કોઈ સ્વરૂપે કરે જ છે તો પછી તમે કેવા માણસ અને ભક્તને વધુ પસંદ કરો છો?’ લક્ષ્મીજીનો પ્રશ્ન સાંભળીને નારદજી નારાયણ નારાયણ બોલ્યા વિના ભગવાનનો જવાબ સાંભળવા ચુપ ચાપ ઉભા રહી ગયા અને મન માં વિચારવા લાગ્યા કે હમણાં મારા પ્રભુ કહેશે કે, ‘હું તો નારદજીની જેમ સતત મારું નામ લેતા ભક્તની નજીક રહું છું.’ નારદજી ભગવાનનો જવાબ સાંભળવા આતુર હતા.ભગવાન હસ્યા અને બોલ્યા, ‘નારદજી આવો અંદર પધારો પછીજ જવાબ આપું.’ નારદજી ધીમેથી અંદર આવ્યા અને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને નમન કર્યા.લક્ષ્મીજી એ કહ્યું, ‘પ્રભુ મારા પ્રશ્નનો જવાબ …’ ભગવાન બોલ્યા, ‘દેવી મારે મન મારા બધા જ ભક્તો એકસમાન છે.

હું બધાના દિલમાં રહું છું અને મુશ્કેલીના સમયે તો ખાસ તેમની સાથે રહું છું ભલે દુઃખના ભરમાં તેઓ મને ભૂલી જાય કે યાદ રાખે હું ત્યારે તેમની સાથે જ હોઉં છું.મારે મન મારો દરેક ભક્ત ખાસ છે પછી તે સતત મારું નામ જપતો હોય કે પછી દિવસમાં એક જ વાર મારું નામ લેતો હોય.’ લક્ષ્મીજી બોલ્યા, ‘સ્વામી, આ તો બરાબર છે તમે બધાની નજીક છો.પણ મારે એ જાણવું છે કે તમારી નજીક કોણ આવી શકે છે???’ નારદજી ચુપ નારહી શક્યા તેઓ બોલ્યા, ‘પ્રભુ મારી જેમ જેઓ સતત તમારું  નામ સ્મરણ કરતા રહે છે તેવ ભક્ત તમારી નજીક આવી શકે છે ખરુંને …’ ભગવાન હસ્યા અને બોલ્યા, ‘નારદ તમે તો આખી સૃષ્ટિમાં બધાની નજીક છો પળવારમાં જયાં ઈચ્છો ત્યાં પહોંચી જાવ છો.તમારો કે તમારા જેવા ભક્તો મારા દિલમાં જ રહે છે.પણ મારી સૌથી નજીક જે માણસ આવી શકે છે તેનામાં એક ખાસ ખૂબી હોવી જરૂરી છે.’

લક્ષ્મીજી અને નારદજી બન્ને સાથે પૂછી બેઠા, ‘ભગવન , કઈ ખૂબી??’ ભગવાને કહ્યું, ‘મારી નજીક એવો માણસ આવી શકે છે જે ક્ષમાશીલ છે ..જેણે વેરનો બદલો લેવાની તાકાત અને શક્તિ હોવા છતાં બદલો લેવાને સ્થાને સઘળું ભૂલી જઈને આગળ વધી વેરનું શમન કરે છે.સજા આપવાની તાકાત હોવા છતાં માફ કરી દે છે.આવા માણસ ભલે સતત મારું નામ સ્મરણ ન કરતા હોય તો પણ મારી ખુબ જ નજીક હોય છે.’ વેરની ભાવના ભૂલી જઈને બદલો લેવાની બદલે બધાને દિલથી માફ કરી દઈએ.અને જરૂર હોય ત્યાં માફી માંગી લઈએ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top