SURAT

પાર્લેપોઈન્ટ છત્રી વાળા ફ્લાયઓવર ખાતે મેયરે રાઉન્ડ માર્યો, સાંજે ફરી સ્થિતિ ‘જૈસે થે’

સુરત: (Surat) અઢી કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરીને મનપા દ્વારા પાર્લેપોઈન્ટ ખાતે ફ્લાય ઓવર બ્રિજની (Parlepoint Flyover Bridge) નીચે તૈયાર કરાયેલા બ્યુટિફિકેશન (Beautification) તેમજ મલ્ટિપર્પઝ એક્ટિવિટી ઝોનની જાળવણી જ થતી નહીં હોવાનો ‘ગુજરાતમિત્ર’ના અહેવાલને પગલે આજે મેયર દોડતા થઈ ગયા હતા. મેયરે સ્થળ મુલાકાત લેવાની સાથે સફાઈ કરાવી સિક્યુરિટી ગાર્ડ મુકાવ્યા પરંતુ ‘શેઠની શિખામણ ઝાંપા સુધી’ની જેમ મેયર રવાના થયા બાદ ફરી સાંજે સ્થિતિ ‘જૈસે થે’ થઈ ગઈ હતી. સાંજે સિક્યુરિટી ગાર્ડ ગાયબ થઈ ગયા હતા અને ફેરિયાઓ ઘૂસી ગયા હતા. ખુદ મેયર દ્વારા અપાયેલી સૂચનાની તંત્ર દ્વારા અવહેલના કરવામાં આવી હતી.

  • પાર્લેપોઈન્ટ ફ્લાય ઓવર બ્રિજ નીચેના બ્યુટિફિકેશનની જાળવણી નહીં કરવાની અધિકારીઓની બેદરકારી
  • મેયર આવ્યા તો સિક્યુરિટી સ્ટાફ પણ આવ્યા પરંતુ સાંજે ગાર્ડ ગાયબ થઈ ગયા
  • ચોરાયેલી 25 છત્રી મુકી દેવામાં આવી પરંતુ સાંજે ફેરિયાઓ પણ ઘૂસી ગયા

મેયર હેમાલી બોઘાવાલાએ આ બ્યુટિફિકેશનની બગડી રહેલી હાલતને પગલે તાબડતોબ રાઉન્ડ લીધો હતો. આશરે 25 જેટલી છત્રીઓ ચોરાઈ ગઈ હતી તેને મુકાવવામાં આવી હતી. છત્રીઓને સરખી રીતે ગોઠવવામાં પણ આવી હતી પરંતુ 24 કલાક સિક્યુરિટી મુકવામાં તંત્ર વામણું સાબિત થયું છે. કરોડોનો ખર્ચ કર્યા પછી તેની જાળવણીમાં મનપાનું તંત્ર બેદરકાર સાબિત થયું છે. પ્રોજેકટ ખુલ્લો મુકી દીધો પરંતુ હજુ સુધી તેના માટે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવાની કામગીરી કરવામાં આવી નથી.

તંત્ર દ્વારા હજુ સિક્યુરિટી ગાર્ડ મુકવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. જેને કારણે અસામાજિક તત્વોને આ બ્યુટિફિકેશનને બગાડવા માટે છુટ્ટો દૌર મળી ગયો છે. મનપાના ચીફ સીક્યુરીટી ઓફિસર જાગૃત નાયકને પણ અહી સિક્યુરિટી સ્ટાફ ફાળવવા સુચના આપી હોવાનું જાણવામાં આવ્યું છે. પરંતુ મેયરની સૂચનાને પણ અધિકારીઓ જાણે ઘોળીને પી ગયા હતા. સાંજ થતા જ સિક્યુરીટી સ્ટાફ છે કે કેમ તેની દરકાર અધિકારીઓએ રાખી ન હતી.

Most Popular

To Top