સુરત: (Surat) સુરત અને ગુજરાતમાં ટેલરિંગ ઇન્ડસ્ટ્રીના અગ્રણી ટીનએજર્સના (Teenagers) નટુભાઈ હરકિશનદાસ ટેલરનું (Tailor) આજે 70 વર્ષની વયે વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું.સુરત સહિત દક્ષિણ ગુજરાતના સાધન સંપન્ન પરિવારો અને ઉદ્યોગકારો, વ્યવસાયીઓના ટેલર તરીકે તેઓ વિખ્યાત હતા. શહેરના નિયોરિચ પરિવારોના કાર્યક્રમોમાં તેમની હંમેશા હાજરી રહેતી હતી. સંવેદનશીલ, મૃદુ, હસમુખા સ્વભાવને લઈને પણ તેઓ જાણીતા હતા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મોર-ભગવા ગામના વતની નટુભાઈએ મોર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. તેઓ પ્રિ-સાયન્સ સુધી ભણ્યા હતા.
સુરતના ગીચ વિસ્તાર સોની ફળિયામાં 1964માં ટીનએજર્સ ટેલર્સ તેમના મોટા ભાઈ બાબુભાઈ તથા અન્ય ભાઇઓએ શરૂ કર્યું હતું. 2016માં ‘ગુજરાતમિત્ર’ સાથેની એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે મોટાભાઈ બાબુભાઇના ટેલરિંગ પ્રત્યેના સમર્પણભાવથી પ્રેરાઈ 1968માં તેઓ ટીનએજર્સમાં જોડાયા હતા. તેમના ઘડતરમાં ભાઈઓ સાકરલાલ, બાબુભાઇ અને સુરેશભાઈનું પણ યોગદાન રહ્યું હતું. નટુભાઈ ટેલરે ટેલરિંગની સ્કીલથી જાણીતી ટેક્સટાઇલ કંપનીને જોડાણ કરવા પ્રેરી હતી. રેમન્ડ ગ્રુપ સાથે જોડાણ કરી શુટિંગ-શર્ટિન્ગ અને ટેલરિંગ (Shooting-Shirting and Tailoring) એકજ સ્ટુડિયોમાં કરવાનો કન્સેપ્ટ સુરતમાં નટુભાઈ લાવ્યા હતા. ટેક્સટાઇલની વિખ્યાત કંપનીઓએ સુરતમાં પહેલી ફ્રેન્ચાઇઝી નટુભાઈને આપી હતી. કર્મચારીઓને, વેપારીઓને તેઓ એક પરિવાર તરીકે સાચવતા હતા. મોટા ગજાના રાજકારણી, ઉદ્યોગકારો તેમના ગ્રાહકો હતા. શહેરના એલિટવર્ગમાં તેઓ જાણીતો ચહેરો હતા.જે તેમના પ્રસંગો ફેબ્રિક્સની ડિલિવરી ઇનટાઈમના સૂત્ર સાથે સાચવતા હતા.
સંજીવકુમારથી લઈ વિજયપત સિંઘાનિયાના કપડાં પણ નટુકાકાએ સિવ્યા હતા
નટુભાઈ ટીનએજર્સવાલા તરીકે જાણીતા બનેલા નટુભાઈ ડાઉન ટુ અર્થ વ્યક્તિ હતા. મોટાભાગે પ્રસિદ્ધિથી તેઓ દૂર રહેતા હતા. 80ના દાયકામાં તેમણે વિખ્યાત સુરતી અભિનેતા સંજીવકુમાર માટે કપડાં સિવ્યા હતા. એવી જ રીતે રેમન્ડ ગ્રુપના માલિક વિજયપત સિંઘાનિયાએ કપડાં સિવડાવવા, માપ લેવા માટે નટુભાઈને છેક મુંબઇ સુધી તેડાવ્યા હતા. જોકે તેઓ જાહેરમાં ક્યારેય તેની ચર્ચા કરવાનું અને નોંધ લેવડાવવાનું ટાળતા હતા.
વિખ્યાત ઇમેજિસ મેગેઝીને ભારતના ટોપ 10 ટેલર્સમાં નટુભાઈને સ્થાન આપ્યું હતું
શૂટિંગ-શર્ટિન્ગ અને ટેલરિંગમાં ડિઝાઇનિંગ અને ફેશનેબલ વસ્ત્રો બનાવવા માટે વિખ્યાત ઇમેજિસ મેગેઝીને દેશના ટોપ 50 ટેલર્સની યાદી જાહેર કરી હતી. તેમાં ટોપ-10 કેટેગરીમાં નટુભાઈ ટેલરને સ્થાન આપી તેમની સફળતા પર બે પાનાનો લેખ પણ પ્રસિદ્ધ કર્યો હતો. સુરત અને ગુજરાતના દરજી સમાજનું તેઓ ગૌરવ હતા. તેઓ છૂપું દાન કરવા માટે સમાજમાં જાણીતા હતા.
રિશી કપૂર-ડિમ્પલ કાપડીયાની બોબી ફિલ્મની ટેગલાઈનમાંથી ટીનએજર્સ ટેલર્સ નામકરણ થયું હતું
2016માં ‘ગુજરાતમિત્ર’ સાથેના વાર્તાલાપમાં નટુભાઈ ટેલરે કહ્યું હતું કે, ટીનએજર્સ ટેલર્સ નામ તેમના મોટાભાઈ બાબુભાઇ મિત્ર સુરેશ બારોટે આપ્યું હતું. સ્વ.રાજકપુરે પોતાના પુત્ર રિશી કપૂરને પ્રમોટ કરવા માટે ડિમ્પલ કાપડિયા સાથે બનાવેલી ફિલ્મ બોબીના પોસ્ટરની ટેગલાઈન ‘અ ટીનએજર્સ લવસ્ટોરી’માંથી ટીનએજર્સ શબ્દ લઈ ફર્મનું નામ આપવામાં આવ્યું હતું.