SURAT

સુરતનું “ટીનએજર્સ” રાજકારણી, ઉદ્યોગપતિઓની પહેલી પસંદગી હતું, જાણો શા માટે..

સુરત: (Surat) સુરત અને ગુજરાતમાં ટેલરિંગ ઇન્ડસ્ટ્રીના અગ્રણી ટીનએજર્સના (Teenagers) નટુભાઈ હરકિશનદાસ ટેલરનું (Natu Bhai Tailor) બુધવારે 70 વર્ષની વયે વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સુરત સહિત દક્ષિણ ગુજરાતના સાધન સંપન્ન પરિવારો અને ઉદ્યોગકારો, વ્યવસાયીઓના ટેલર તરીકે તેઓ વિખ્યાત હતા. શહેરના નિયોરિચ પરિવારોના કાર્યક્રમોમાં તેમની હંમેશા હાજરી રહેતી હતી. સંવેદનશીલ, મૃદુ, હસમુખા સ્વભાવને લઈને પણ તેઓ જાણીતા હતા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મોર-ભગવા ગામના વતની નટુભાઈએ મોર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. તેઓ પ્રિ-સાયન્સ સુધી ભણ્યા હતા.

નટુકાકાએ વર્ષ 1964 માં શહેરમાં સૌપ્રથમ વખત એક જ જગ્યાએ કપડા ખરીદવા અને સીલાઈ કરી આપવાનો કન્સેપ્ટ શરૂ કર્યો હતો. ચાર ભાઈઓએ શરૂ કરેલી પેઢી જોત જોતમાં સુરતની સૌથી પ્રખ્યાત શોપ બની હતી. ટીનએજર્સ અને બીજી કૈલાસ નગર ખાતે રેમન્ડની શોપ તેમની હતી. શહેરમાં રેમન્ડના ઓથેન્ટીક ડિલર બનનાર તેમની પ્રથમ પેઢી હતી. ટીનએજર્સ વર્ષોથી શહેરના રાજકારણી, ઉદ્યોગપતિ અને સેલીબ્રીટીઓ માટે કપડા લેવા અને સિવડાવવા માટેની પહેલી પસંદગી છે.

ભલભલા ફેશન ડિઝાઈનરોને પણ ઝાંખા પાડી દે તેવી કળા હતી
નટુકાકાના હુલામણા નામે શહેરના અલ્ટ્રા રીચ ક્લાસ લોકોમાં ઓળખાતા નટુભાઈએ આજથી 6 દાયકા પહેલા જાતે સિલાઈ કામથી કામગીરી શરૂ કરી હતી. સિવણકામમાં તેમની કળા એક પોતાની બ્રાન્ડ બની ગઈ હતી. સુરતમાં સેંકડો લોકોના કપડા તેમને સિવ્યા હતા. ટિનેજર્સ નામની બ્રાન્ડ શોપ શરૂ થયા પછી પણ નટુકાકા ગળામાં માપ પટ્ટી લટકાવી દુકાનમાં ફરતા જોવા મળતા હતા. તેમને સંતોષ ન પડે તો જાતે માપ લેવામાં પણ નાનમ લાગતી નહોતી.

નટુભાઈ સુરતમાં ટેલરિંગની દુકાનની ચેઈન શરૂ કરનાર પ્રથમ વ્યક્તિ હતા
અકસ્માતે જ જીવ ગુમાવનાર નટુકાકા સુરતના ઉચ્ચ મધ્યમ અને ધનિક વર્ગમાં ભારે પ્રિય હતાં. સુરતના અનેક મોટાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ તેમને ત્યાં જ કપડા સીવડાવતાં હતાં. છેલ્લા પાંચ દાયકાથી ટેલરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા નટુભાઈ ‘ટીનએજર્સ’ના તેમજ અન્ય નામોથી સુરતમાં ટેલરિંગની ઉપરાંત કાપડ અને રેડિમેડ કપડાંની દુકાનો શરૂ કરનાર પ્રથમ વ્યક્તિ હતાં.

રિશી કપૂર-ડિમ્પલ કાપડીયાની બોબી ફિલ્મની ટેગલાઈનમાંથી ટીનએજર્સ ટેલર્સ નામકરણ થયું હતું

2016માં ‘ગુજરાતમિત્ર’ સાથેના વાર્તાલાપમાં નટુભાઈ ટેલરે કહ્યું હતું કે, ટીનએજર્સ ટેલર્સ નામ તેમના મોટાભાઈ બાબુભાઇ મિત્ર સુરેશ બારોટે આપ્યું હતું. સ્વ.રાજકપુરે પોતાના પુત્ર રિશી કપૂરને પ્રમોટ કરવા માટે ડિમ્પલ કાપડિયા સાથે બનાવેલી ફિલ્મ બોબીના પોસ્ટરની ટેગલાઈન ‘અ ટીનએજર્સ લવસ્ટોરી’માંથી ટીનએજર્સ શબ્દ લઈ ફર્મનું નામ આપવામાં આવ્યું હતું.

Most Popular

To Top