ચેન્નાઈ: બંગાળની ખાડી (Bangal Bay) પરનું દબાણ આજે (ગુરૂવારે) સાંજે ઉત્તર તમિલનાડુ (Tamilnadu) અને દક્ષિણ આંધ્રપ્રદેશ (Andhrapradesh) વચ્ચેના દરિયાકાંઠાને ઓળંગી જશે અને 45 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો શહેર પર ત્રાટકશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે.
આજે 40-45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી
હવામાન (Weather) વિજ્ઞાનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એસ બાલાચંદ્રને જણાવ્યું છે કે ચેન્નાઈ(Chennai), કાંચીપુરમ અને વિલપુરમ સહિત ઉત્તરી તમિલનાડુના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની (Heavy Rain) આશંકા છે, જ્યારે શહેર અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ પડ્યો છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તામિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને પરિસ્થિતિની સમીક્ષા કરી અને સંબંધિત પ્રધાનો અને અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પ્રવૃત્તિઓ ઝડપી બનાવવા વિનંતી કરી છે.
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ઉભું થયેલું દબાણ પાછલા 6 કલાક દરમિયાન 21 કિ.મી. પ્રતિ કલાકની ઝડપ સાથે પશ્ચિમ/ઉત્તર-પશ્ચિમની તરફ આગળ વધ્યું છે અને ગુરુવારે સવારે 5.30 કલાકે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી, ચેન્નાઈથી લગભગ 170 કિ.મી. પૂર્વ-દક્ષિણ પૂર્વ તરફ અને પૌંડીચેરીથી 170 કિ.મી. પૂર્વમાં કેન્દ્રીત થયું હતું.
આજે ગુરુવારે સાંજે પશ્ચિમ/ઉત્તર-પશ્ચિમની તરફ આગળ વધતા અને ચેન્નાઈની આસપાસ ઉત્તર તમિલનાડુ અને તેની નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયા કિનારાઓને પાર કરે તેવી સંભાવના છે. બાલચંદ્રને વધુમાં કહ્યું કે, તેના પરિણામ સ્વરૂપ ચેન્નાઈમાં 40-45 કિ.મી.ની ઝડપથી જોરદાર પવન ફૂંકાશે. લોકોએ જરૂરી કામ નહીં હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
તાંબરમ (ચેંગલપેટ ડીટી)માં 232.9 મીમી, ત્યારબાદ ચોલાવરમ (220 મીમી) અને એન્નોર 205 મીમી વરસાદ નોંધાયો છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગુરુવારે શહેરના વિવિધ ભાગોમાં અને તેના ઉપનગરોમાં વરસાદ ચાલુ રહ્યો છે, કેકે નગર જેવા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે મેટ્રોના કેટલાક ભાગોમાં કેટલાક સબવે અને રસ્તાઓ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યા. પોલીસે જણાવ્યું હતું કે એગ્મોર અને પેરામ્બુર જેવા સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. બૃહદ ચેન્નાઈ કોર્પોરેશન, પોલીસ, અગ્નિશમન અને બચાવ સેવાઓના કર્મચારીઓ સ્થિર પાણીને બહાર કાઢવા સહિત વિવિધ રાહત અને બચાવ કામગીરીમાં સામેલ છે.