Charchapatra

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રોજેરોજ થતા ભાવવધારાથી પ્રજા પરેશાન થઈ રહી હતી. તેવામાં સરકારે પેટ્રોલના ભાવમાં ૫ રૂ. નો અને ડિઝલના ભાવમાં ૧૦ રૂ. ના ઘટાડાની જાહેરાત કરીને સાચા અર્થમાં દિવાળીની ભેટ આપી. તેમાં ગુજરાત સરકારે વેટમાં રૂ.૭ નો ઘટાડો જાહેર કરીને ખરેખર પ્રજાને રાહતના સમાચાર આપ્યા. હવે જો થોડું વિસ્તારપૂર્વક વિચારીએ તો પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રોજેરોજ ૩૫ પૈસાનો વધારો થતો રહેતો હતો. તે પ્રમાણે જોઈએ તો કેન્દ્ર સરકારે એકસાથે ૧૪ દિવસનો ભાવવધારો નાબૂદ કરી દીધો જયારે ગુજરાત સરકારે ૩૪ દિવસનો ભાવવધારો નાબૂદ કરી દીધો.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આ પગલાને પ્રજાએ વધાવી લીધો છે. હવે જો હજુ બીજા રૂ.૫ નો કેન્દ્ર સરકાર અને રૂ.૭ નો રાજ્ય સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવે તો તે પ્રજાના હિતમાં તો હશે જ, પણ સાથે સાથે મોંઘવારી માટે હવે પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાને જવાબદાર ગણવાનું બંધ કરવું પડશે ? હકીકતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવને આધારિત હોય છે એટલે આંતરરાષ્ટ્રિય બજારમાં જો ભાવ વધે તો આ બન્ને ઇંધણના ભાવમાં વધારો થાય જ, પણ તેમાં એક્સાઈઝ અને વેટ અનુક્રમે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉમેરાતા ભાવ એકદમ વધી જતો હતો. હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનુક્રમે એકસાઈઝ અને વેટ ( વેલ્યુએડેડ ટેક્ષ ) માં ઘટાડો કરવામાં આવ્યો જે જરૂરી હતું. હજુ થોડા ભાવઘટાડાને અવકાશ છે અને આશા રાખીએ કે તેવો ભાવ ઘટાડો થશે.
સુરત     – સુરેન્દ્ર દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top