જમાનો જેમ જેમ બદલાય છે તેમ તેમ દરેક બાબતમાં પરિવર્તન આવવા લાગ્યું છે. અગાઉ દિવાળીમાં ગૃહિણીઓ ઘરમાં જ દિવાળીના નાસ્તા જેવા કે સુંવાળી પૂરી, ઝીણી સેવ, તીખી સેવ, ગાંઠિયા, ચેવડો વિગેરે બનાવતી હતી અને મિઠાઈમાં મગસ, મોહનથાળ, મૈસૂર, ઘૂઘરા, ઘેબરાં, દહીંથરાં જેવી મિઠાઈઓ બનાવતી હતી. ત્યાર પછી બજારની મિઠાઈની બોલબાલા વધવા માંડી. સરકારી અમલદારોને પણ ઉદ્યોગપતિઓ તેમજ મોટા ગજાના વેપારીઓ તરફથી મિઠાઈના પેકેટસ ભેટ તરીકે મોકલવાનો રિવાજ હતો.
પરંતુ છેલ્લાં દસેક વર્ષથી મિઠાઈ આપવાનો સિનારિયો બદલાઈ ગયો છે અને મિઠાઈને બદલે ડ્રાયફ્રૂટ્સના પેકેટસ, વિવિધ બ્રાન્ડની ચોકલેટ્સ તથા દેશી વિદેશી બિસ્કિટસના પેકેટસ વ્યવસ્થિત રીતે પેક કરીને સગાં વ્હાલાં, દોસ્ત બિરાદર તથા સરકારી અધિકારીઓને મોકલવાની પ્રથા શરૂ થઈ ગઈ છે. આનું કારણ એ પણ છે કે હવેની મિઠાઈઓમાં નકરી ભેળસેળ જોવા મળે છે. શુદ્ધ માવો મળવો હવે દુર્લભ છે અને મેંદાના લોટ કે અન્ય લોટની મિઠાઈઓ બનાવવામાં આવે છે, જે માણસના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. બીજું, લોકોને ડાયાબિટીસ, હાઈ બી.પી., કાકડા અને થાઈરોઈડ જેવી બિમારીઓ થવા માંડી છે.
અન્ય કારણ એ પણ છે કે મિઠાઈ અમુક દિવસો બાદ બગડી જાય છે. જ્યારે ડ્રાયફ્રૂટસ અને ચોકલેટસ, બિસ્કિટસ લાંબા સમય સુધી બગડતા નથી. મિઠાઈમાં ખાંડના બદલે સેકેરીન, ખાંડસરી અને અન્ય પ્રકારના ગળપણને કારણે પણ લોકો મિઠાઈથી વિમુખ થવા લાગ્યા છે. આ બધાં પરિબળોને કારણે ધીમે ધીમે લોકો મિઠાઈ ભૂલીને ડ્રાયફ્રૂટસ તરફ વળવા લાગ્યાં છે અને ગૃહિણીઓ પણ ઘરમાં નાસ્તા બનાવવાની પળોજણમાંથી છૂટવા માટે તૈયાર નાસ્તાના પેકેટસ લઈ આવે છે. આમ જમાનામાં બદલાવ આવવાથી બધું જ બદલાવા લાગ્યું છે.
હાલોલ – યોગેશ આર. જોષી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.