Charchapatra

સુરત શહેરના રસ્તાઓ

સુરતનાં  શહેરીજનોને શહેરમાંથી પસાર થતી વખતે જે ખાબડખૂબડ રસ્તાઓનો અનુભવ થાય છે તેનાથી કોઇ અજાણ નથી. ઘણી વાર તો એવું બને કે આજે રસ્તો બને અને બીજે દિવસે પાછો હતો એવો ને એવો થઈ જાય અથવા આજે રસ્તો બને અને એકબીજા ડિપાર્ટમેન્ટ વચ્ચેના સંકલનને અભાવે બનેલો રસ્તો મ્યુનિસિપલ કોર્પોરેશનનું જ બીજું કોઈ ખાતું પોતાના કામ માટે તે બનેલા રસ્તાને પાછો ખોદી કાઢે અને પછી તે રસ્તો પાછો ક્યારે રિપેર થાય તેનો કોઈ અંદાજ જ આવે નહીં. સુરત શહેરની પ્રજાને આ બધું કોઠે પડી ગયું હોય એવું લાગ્યા વગર રહેતું નથી. પણ આ બધી બાબતોની સામે એક વાતનો સ્વીકાર કરવો પડે એમ છે કે જે કોન્ટ્રેકટરે સરદાર બ્રીજનો રસ્તો બનાવ્યો છે તેને ધન્યવાદ આપવા જ જોઇએ.

સરદાર બ્રીજનો રસ્તો બન્યાને હવે ઘણો સમય વીતી ચૂક્યો છે અને તે રસ્તા પરથી પસાર થાવ તો સુખદ અનુભવ થયા વગર રહે નહીં. અત્યંત સરળતાથી તમે તમારું વાહન ચલાવી શકો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન આવા કોન્ટ્રેકટરને કામ સોંપે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એકબીજા ખાતા સાથે વ્યવસ્થિત સંકલન કેળવાય તો શહેરની જનતાને રસ્તા બાબતમાં જે તકલીફ પડી રહી છે તેમાં સારી જેવી રાહત થાય. આશા રાખીએ આવી અગત્યની બાબત પર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું ધ્યાન કેન્દ્રિત થશે અને તો શહેરની પ્રજા જ્યાં સુધી રસ્તાને લાગેવળગે છે ત્યાં સુધી રાહતનો અનુભવ કરી શકશે.
સુરત     – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top