આપણા વડા પ્રધાન શ્રી મોદી રાજનેતા ઉપરાંત એક સારા કવિ પણ છે એની જાણ તો મને હતી જ. પણ ગત વર્ષના એક મેગેઝીનમાં એમની પહેલા પાને કવિતા જોઇ એથી જાણ થઇ કે એમનામાં એક સાહિત્યકાર પણ છે.એમ તો સ્વ.અટલબિહારી વાજપેયી પણ કવિ હતા. પરંતુ એનાથી આગળ એ વધ્યા નહોતા.જયારે મોદી પાસે નવાં સૂત્રો પણ આપણને મળે છે. જેમ કે ‘સૌનો સાથ સૌનો વિકાસ ‘ એક ભારત શ્રેષ્ઠ ભારત’ , ‘આત્મનિર્ભર ભારત’ વગેરે. ધીમે ધીમે ઘણી બાબતોમાં આનાં સારાં પરિણામો પણ દેખાવા માંડયાં છે. આ બધી બાબતોનો ઉલ્લેખ અહીં શકય નથી. પણ માત્ર શાકભાજીના પાસા તરફ નજર કરીએ તો ભાવની બાબતમાં કાંદા,બટાકા ,રીંગણ, કોબી ,પાપડી,તુવેર વગેરે વચ્ચે ભાવમાં સ્વાવલંબી એટલે કે ઊંચે જવાની હરીફાઈમાં ટામેટાં બધાથી આગળ નીકળી ગયા છે.
એકાદ માસ પહેલાં ત્રણ કે ચાર રૂપિયા કિલો મળતાં ટામેટાં ત્રાણુ રૂપિયા સુધી પહોંચી ગયા છે. એ તો ઠીક, પણ યોગ્ય ભાવ ન મળતાં આ જ ટામેટાં ખેડૂતોએ થોડા વખત પહેલાં રોડ ઉપર લાવી દીધા હતા. ટામેટાંને ભાઇ માનતી પાપડી,દૂધી,વાલોડ અને તુવેર જેવી બહેનો પણ રોજ નવા ભાવની ઓઢણી પહેરીને બજારમાં આવે છે.દર વર્ષે કૈંક નવું કરવામાં માનનારા મારા એક દુકાનદાર મિત્રે દિવાળીમાં એમના ગ્રાહકોને સરપ્રાઈઝ ગીફટ તરીકે મીઠાઇના બોક્સમાં પેક કરીને ટામેટાં મોકલી આપ્યાં છે. આટલી આત્મનિર્ભરતા ભાવમાં પ્રાપ્ત કરવા છતાં પેટ્રોલની જેમ ટામેટાં સદી ફટકારી શકયાં નથી એની સખેદ નોંધ લેવી ઘટે.
સુરત – પ્રભાકર ધોળકિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.