પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ ભારત ટી-20 વિશ્વકપમાંથી બહાર થઈ ગયા બાદ ખેલાડીઓ થાકનું બહાનું કાઢી રહ્યાં છે. ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ, કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ અરૂણે ખેલાડીઓ બાયોબબલ અને વ્યસ્ત ક્રિકેટ શિડ્યૂલના લીધે થાકી ગયા હોવાનું ગાણું ગાઈ રહ્યાં છે ત્યારે આજે BCCI એ આ ખેલાડી અને કોચને સણસણતો જવાબ આપ્યો છે.
BCCI ના એક અધિકારીએ કહ્યું કે, જે ખેલાડીઓ માટે ટી-20 વિશ્વકપ વધુ મહત્ત્વનો હોય તેઓ પોતાનું નામ IPLમાંથી પાછું ખેંચી શકતા હતા. IPLમાં રમવા માટે કોઈ ખેલાડી પર દબાણ કરાયું નહોતું. તેઓ પોતાની મરજીથી IPLમાં રમ્યા છે.
ટી-20 વિશ્વકપમાં ભારત ગ્રુપ સ્ટેજમાંથી જ આઉટ થઈ ગયું છે. જેના લીધે ભારતીય ક્રિકેટ ટીમને ઘણી આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વકપ દરમિયાન બોલર જસપ્રીત બૂમરાહ અને બોલિંગ કોચ ભરત અરૂણે એક પ્રેસ કોન્ફરન્સમાં ખેલાડીઓને આરામ આપવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. બૂમરાહ અને અરૂણની આ વાત BCCI ને પસંદ પડી નથી. BCCIના એક અધિકારીએ કહ્યું કે, IPL 2021 રમવા માટે કોઈ ખેલાડી પર દબાણ કરાયું નહોતું. જે ખેલાડી આરામ કરવા માંગતા હતા તે આરામ કરી શકતા હતા.
બુમરાહ અને અરૂણે શું કહ્યું હતું?
ભરત અરૂણે કહ્યું હતું કે, ભારતીય ખેલાડીઓ છેલ્લાં 6 મહિનાથી સતત પ્રવાસ કરી રહ્યાં છે. તેઓને એક બાયોબબલમાંથી બીજા બાયોબબલમાં પ્રવેશવું પડી રહ્યું છે. જો IPL 2021 અને ટી-20 વિશ્વકપ વચ્ચે થોડો સમય ખેલાડીઓને આરામ માટે મળ્યો હોત તો પરિણામ અલગ જ રહ્યું હોત. બીજી તરફ બુમરાહએ કહ્યું હતું કે, ક્રિકેટ મેચ વચ્ચે ચોક્કસપણે થોડો બ્રેક હોવો જોઈએ. ખેલાડીઓ પરિવારથી દૂર રહીને થાકી ગયા છે. શારીરિક અને માનિસક થાક ખેલાડીઓ અનુભવી રહ્યાં છે.
BCCI એ આપ્યો આ જવાબ
BCCI ના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, IPL રમવા માટે કોઈ પર દબાણ કરવામાં આવ્યું નથી. જે ખેલાડીઓને લાગે છે કે ટી-20 વિશ્વકપ વધુ જરૂરી છે તેઓ IPLમાંથી પોતાનું નામ પાછું ખેંચી શકતા હતા. અમે ખેલાડીઓને તમામ સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવીએ છીએ. ખેલાડીઓને પરિવારને સાથે રાખવાની પણ છૂટ આપવામાં આવી છે. આખી દુનિયા કોરોનાના મુશ્કેલ સમયમાંથી પસાર થઈ છે. અધિકારીએ કહ્યું કે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હાર માટે થાક જવાબદાર નથી. પાકિસ્તાન સામે મેચ રમવા પહેલાં ખેલાડીઓને 1 અઠવાડિયાનો આરામ મળ્યો હતો. 15 ઓક્ટોબરે IPL ફાઈનલ રમાય તેમાં કેટલાંક જ ભારતીય ખેલાડી રમ્યા હતા. અનેક ખેલાડીઓ તે પહેલાં જ IPL માંથી બહાર થઈ ચૂક્યા હતા. તમામ ખેલાડીને ઘણો સમય મળ્યો હતો. તેથી થાકની વાત ખોટી છે. એટલું જ નહીં પાકિસ્તાન બાદ ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલાં પણ 7 દિવસનો આરામ મળ્યો હતો. થાકનું બહાનું બિલકુલ ખોટું છે.