દમણ: (Daman) દમણમાં દિવાળી વેકેશનને (Diwali Vacation) લઈને પર્યટકોનું (Tourists) ઘોડાપુર જોવા મળી રહ્યું છે. પ્રદેશનાં જામપોર અને દેવકા બીચ દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટતા પ્રદેશનાં રસ્તાઓ પર ટ્રાફીક જામનાં દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીને લઈને પ્રશાસન પ્રદેશનાં હરવા ફરવા લાયક સ્થળોની સાથે દમણનાં બહુ જાણીતા અને પ્રચલીત એવા મોટી દમણ જામપોર દરિયા કિનારો અને નાની દમણ દેવકા દરિયા કિનારો (Devka Beach) પર્યટકોની અવર જવર માટે બંધ કરી દીધો હતો. જ્યાં પ્રદેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયા બાદ દમણ કોરોના મુક્ત થતાં જ પ્રશાસને કોવિડની જરૂરી ગાઈડલાઈન સાથે પુનઃ હરવા ફરવા લાયક સ્થળોને પર્યટકો માટે ખુલ્લા મુકતા પર્યટકો દમણની મુલાકાતે આવી રહ્યા છે.
હાલમાં ચાલી રહેલા દિવાળી વેકેશનમાં મોટી સંખ્યામાં સુરત, નવસારી, ભરૂચ, બરોડા, અમદાવાદ તથા આસપાસનાં શહેરોની સાથે મહારાષ્ટ્રનાં મુંબઈથી મોટી સંખ્યામાં પર્યટકો દમણની સહેલગાહે આવ્યા હતા. જ્યાં રવિવારનાં રોજ દમણમાં હજ્જારોની સંખ્યામાં પર્યટકો આવતાં મોટી દમણ જામપોર અને દેવકા દરિયા કિનારે પર્યટકોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. જ્યાં લોકોએ પણ જાણે કોરોના હવે છે જ નહીં એવી રીતે બિન્દાસ્ત પણે વગર માસ્ક અને શોશ્યલ ડિસ્ટન્સ રાખ્યા વિના નવા વર્ષની ઉજવણીઓ ખાણીપીણી સાથે મોજશોખથી કરી હતી. આ તરફ છેલ્લા 2 વર્ષથી મૃતપાય અવસ્થામાં પહોંચેલો હોટલ ઉદ્યોગ પણ ફરી પર્યટકોનાં ધસારાને લઈને જીવીત થઈ જતાં હોટલ સંચાલકો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. દમણની મોટાભાગની તમામ હોટલો હાલના દિવાળી વેકેશનને લઈને હાઉસ ફૂલ જોવા મળી રહી છે. ત્યારે રવિવારે મોટી સંખ્યામાં ઉમટેલા પર્યટકોને લઈ પ્રદેશનાં રસ્તાઓ પર વાહનોનો ખડકલો જોવા મળ્યો હતો. સાથે પાર્કીંગની સમસ્યા પણ ઉદભવી હતી. શહેરનાં મુખ્ય રસ્તાઓ પર ટ્રાફીક જામ થતાં મોટી દમણથી નાની દમણ તરફ જતાં રાજીવ ગાંધી સેતુ પૂલ પર 2 કિલો મીટર જેટલી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. જે ટ્રાફીક વ્યવસ્થાને દુરુસ્ત કરવા દમણ ટ્રાફીક પોલીસનાં જવાનોએ ઘણી મેહનત કરી ટ્રાફીક વ્યવસ્થાને સુચારૂ રૂપથી કાર્યરત કરી હતી.
તિથલ બીચ પર સહેલાણીઓ ઉમટી પડ્યાં
છેલ્લા દોઢ-બે વર્ષથી કોરોનાને લઈને સમગ્ર ભારતભરમાં પ્રવાસન સ્થળો બંધ રાખવામાં આવ્યા હતા. જોકે, હવે વૈશ્વિક બિમારી કોરોનાના કેસમાં થોડો ઘટાડો થતાં ગુજરાતમાં પણ દિવાળી તહેવારોને લઈને સરકાર દ્વારા પ્રવાસન સ્થળો ખુલ્લા મુક્યા છે. ગુજરાતનું જાણીતું પર્યટન સ્થળ તિથલ બીચને પણ ખૂલ્લો મૂકી દેવાતાં દૂર દૂરથી આવેલા સહેલાણી ઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.