સુરતઃ (Surat) દેશની સેના તેમજ શહીદ જવાનોના સન્માન તથા સૈન્ય બાબતે લોકોમાં વધુમાં વધુ જાણકારી થાય તેના માટે સુરતમાં શહીદ સ્મારકનું નિર્માણ કરવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શહીદ સ્મારક બનાવવાની તૈયારીમાં છે. શહીદ સ્મારક સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનના વેસુ-આભવા (Vesu Abhva) મેઈન રોડ પર સિદ્ધિ વિનાયક મંદિરની પાછળ ડ્રા. ટી.પી. સ્કીમ નં.29 પર આ પ્રોજેક્ટ (Project) સાકાર થઈ રહ્યો છે.
- વેસુ-આભવા મેઈન રોડ પર સિદ્ધિ વિનાયક મંદિરની પાછળ શહીદ સ્મારક બનાવવામાં આવશે
- આ સ્મારકમાં સેનાનો ઇતિહાસથી માંડીને બટાલિયનની માહિતી, હથિયાર, તોપ, બંદુક, ટેન્ક સહિતની પણ માહિતી મુકાશે
કુલ 83,560 ચો.મી. જગ્યામાં આ પ્રોજેક્ટ કુલ રૂ.51.63 કરોડના ખર્ચે સાકાર થઈ રહ્યો છે. નવા વર્ષમાં શહેરીજનો માટે વધુ એક હરવા ફરવા માટેનું સ્થળ તૈયાર થઈ જશે. શહીદ સ્મારકમાં ભારતીય સેનાનો પરિચય તેમજ ઈતિહાસ લખાવી અને સંગ્રહાલય બનાવી સેનાની સંપૂર્ણ માહિતી લોકોને પ્રદાન કરવામાં આવશે. જેમાં સેનાનો ઈતિહાસ, બટાલીયનની માહિતી, સેનાની ત્રણેય પાંખ વિશેની જાણકારી, હથિયાર, તોપો, બંદૂકો, ટેન્કો, બોમ્બ તથા કારતૂસો, લડાકુ વિમાનો, યુદ્ધ પોત, સબમરીન, રડાર, હેલિકોપ્ટર વગેરેની માહિતી હશે.
સ્મારકમાં ઓડિયો-વિડીયો રૂમની સાથે શહીદો પરની ફિલ્મો પણ રજૂ થશે
આ શહીદ સ્મારકમાં ઓડિયો-વિડીયો રૂમની વ્યવસ્થા, ઓડિટોરિયમની વ્યવસ્થા કરીને દેશભક્તિની તેમજ શહીદ જવાનોની વીરગાથાઓ પર બનેલી ફિલ્મો અથવા ચલચિત્રનું પ્રદર્શન કરવામાં આવશે. સેના તથા દેશની સુરક્ષાના વિષયો પર સેમીનાર, સંમેલન તેમજ સ્પર્ધાઓનું આયોજન કરાશે. ઉપરાંત ભારતીય સેનાના જવાનોની જાણકારી, પ્રદર્શની, સંગ્રહાલય તેમજ વગેરેથી શહેરના યુવા વર્ગમાં આ બાબતે જાગૃતિ ફેલાશે. સાથે જ શહીદ સ્મારકમાં ઓડિટોરિયમના સેનામાં ભરતીની પરીક્ષાની માહિતી તથા તે બાબતને લગતી તૈયારી કરવામા પણ મદદરૂપ થશે. અને સેના દ્વારા લડવામાં આવેલા અત્યાર સુધીનાં તમામ યુદ્ધોની માહિતી બ્લોક બનાવીને મુકાય. જેથી યુવા વર્ગને સેનાના પરાક્રમનો પરિચય કરાવવામાં આવશે.
સુરત મનપાને રાજ્ય સરકારની દિવાળી ભેટ : રસ્તાના કામો માટે 84 કરોડ ફાળવ્યા
સુરત: શહેરમાં આ વર્ષે ચોમાસા બાદ રસ્તાઓની હાલત બદ્દતર થઈ ગઈ હતી. શહેરના મોટા ભાગના રસ્તાઓ ખખડધજ થઈ ગયા હતા અને જેને કારણે શાસકો પર ચોમેરથી માછલા ધોવાયા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા તાકીદે રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને હવે સુરત મહાનગરને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂ. 84.71 કરોડના શહેરી સડક યોજનાના કામોને મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા રોડ રિ-કાર્પેટ માર્ગો પહોળા કરવા-સી.સી રોડ સહિતના 302 વિવિધ કામો માટે રૂ. 84 કરોડ વાપરવામાં આવશે. આ કામોમાં રસ્તા કારપેટના 16, રિ-કાર્પેટના 210, હયાત માર્ગો પહોળા કરવાના કે નવા રસ્તા બનાવવાના 44, ફૂટપાથ બનાવવાના 4 તેમજ સી.સી. રોડના 28 કામોનો સમાવેશ કરાયો છે.