SURAT

દિવાળીની રંગચંગે ઉજવણી: મંદિરોમાં લક્ષ્મી પૂજન, વેપારીઓએ ચોપડાની સાથે લેપટોપની પૂજા કરી

ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર ગુરૂવારે દિવાળીના પરમ પવિત્ર દિવસે લક્ષ્મી પૂજન, ચોપડા પૂજન કરવામાં આવે છે. વર્ષ દરમિયાન કરવામાં આવતા કાર્યો નિમિતે આર્થિક રૂપિયાની લેવડ દેવડનો હિસાબ રાખે તો જ નફા નુકસાનની ખબર પડે, એ અર્થ ધંધા રોજગારમાં તેમજ ઘર વ્યવહારના બજેટની નોંધ રાખવી જરૂરી છે. સુરતીઓએ ગુરુવારે રંગેચંગે દિવાળીના પર્વની ઉજવણી કરી હતી. સવારે લોકોએ વેપાર ધંધાના સ્થળઓએ દિવાળીની પૂજા કર્યા બાદ એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી. બીજી તરફ દિવસ દરમ્યાન શહેરના બજારોમાં ખરીદી કરનારાઓની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને લોકો ફટાકડા ખરીદવા ઉમટી પડ્યા હતાં.

વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે ચોપડા પૂજન કરવામાં આવ્યું હતું. સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર પ્રભુ સ્વામી, ભક્તિ તનયદાસજી સ્વામીએ ચોપડા પૂજન કર્યું હતું. પ્રારંભમાં ગણપતિ પૂજન લક્ષ્મી પૂજન તથા શારદા પૂજન બાદ સંતોએ ચોપડાઓમાં કંકુથી ચાંદલા કર્યા હતાં. હવે ચોપડાઓ પણ ડીજીટલ થઈ જતા યુગાનુસાર હાર્ડકોપીની સાથે સોફ્ટ કોપી- લેપટોપ કમ્પ્યુટરમાં હિસાબ કિતાબ લખાતા હોવાથી તેનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રભસ્વામીએ કહ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે 200 વર્ષ પૂર્વ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે, ગૃહસ્થ એ પોતાના ઉપજ ખર્ચનું નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે નામું લખવું. ઉપરાંત તેઓએ કહેલુ કે ઉપજને અનુસારે ખર્ચ કરવો. અન્યથા મોટું દુખ થાય છે. ત્રણ પ્રકારની લક્ષ્મી છે. સાત્વિક, રાજસી અને તામસી. પ્રમાણિકતાથી કમાયેલી સંપતિ સુખ આપે છે. બીજાને દુઃખવીને લાંચ રૂશ્વત આદિથી મળેલ લક્ષ્મી સુખદાઈ કે શાંતિદાઇ નથી હોતી. એ વ્યસન ફેશન જેવા બરબાદીના માર્ગે જ વેડફાય છે. દિવાળી અમાસના દિવસે સ્નાન, અન્નદાન, ગરમવસ્ત્રનું દાન’ તેમજ દીપદાનને વિશેષ ફળ આપનારું કહ્યું છે. વધુ પ્રમાણમાં ફટાકડા ફોડીને પ્રદૂષણનું દૂષણ ન વધારીએ, પશુપક્ષીઓની તથા વૃદ્ધોની પરેશાની ન વધારીએ તો લક્ષ્મીજી વિશેષ પ્રસન્ન થશે.

Most Popular

To Top