સરકારના આદેશ છતાં અધિકારીઓ અને એજન્સીઓની છેલ્લી લાલિયાવાડીના કારણે ભરૂચ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા આઉટ સોર્સિંગના 300 કર્મચારીનો ત્રણ મહિનાનો પગાર ન થતાં દિવાળી બગડી છે. અને તહેવારોમાં પણ દેવું કરવાની નોબત આવતાં રોષે ભરાયેલા કર્મચારીઓ જિલ્લા પંચાયત, રક્તપિત્ત કચેરી અને ક્ષય કચેરીએ ઉગ્ર વાતાવરણે હંગામો મચાવી પગારની જલદ માંગણી કરી દેતાં ભારે ફફડાટ મચી ગયો હતો.
જો કે, તે સમયે સીડીએચઓ અને રક્તપિત્ત અધિકારીએ પગાર કરવાની ખાતરી આપી હતી. પરંતુ જિલ્લા ક્ષય અધિકારીએ પોતાની જવાબદારી ન હોવાથી હાથ અધ્ધર કરી દેતાં બુધવારે કર્મચારીઓએ જિલ્લા ક્ષય કચેરીમાં જ દિવાળીનો તહેવાર ઉજવવાની તૈયારીઓ સાથે ભૂખ હડતાળનો પર બેસીને વિરોધ નોંધાવ્યો છે. પરંતુ દિવાળીના તહેવારના સમયે ભૂખ હડતાળ પર બેઠેલા કર્મચારીઓની તરફેણમાં પોલીસે મધ્યસ્થી કરીને સોમવાર સુધી કર્મચારીઓના બાકી પડતો પગાર મળી જવાની બાંયધરી અધિકારીઓ પાસે લેવડાવતાં હાલ પૂરતા કર્મચારીઓ હડતાળ સમેટી લીધી છે.