સોનગઢના આમલી ગામે અચાનક આગ ભભૂકી ઊઠતાં કાચું મકાન બળીને રાખ થઈ ગયું હતું. ઘરના સભ્યો પોતાના દીકરાને લેવા ગયા હોવાથી આગ લાગી તે સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી આ પરિવારનો બચાવ થયો હતો. હાલ તો મોટી નુકસાની ટળી છે, પણ આ આગવું ચોક્કસ કારણ હાલ જાણી શકાયું નથી.
સોનગઢના આમલી ગામે નિશાળ ફળિયામાં રહેતા પાઉલભાઈ મણિલાલ ગામીતનું કાચું નળિયાવાળું ઘરમાં દિવાળી ટાણે જ તા.4/11/2021ના સવારે 6:45 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી. ગામમાં કોઈ ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનોએ ડેગરા-ડોલ ભરી આ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કાચું ઘર હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કોઈ જાનહાનિ થઇ ન હોવાથી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘરમાં ભરેલું અનાજ તેમજ લાકડાં, નળિયાં, કપડાં, ગાદલાં, ઘરઘંટી, ફ્રીઝ વગેરે ઘરવખરીની વસ્તુઓ સળગી ગઈ હતી.
સમગ્ર ઘટના દરમિયાન ઘરના લોકો તેમના છોકરાને લેવા માટે થૂટી દેવલપાડા ગયા હતા. એ દરમિયાન ઘરે પાઉલભાઈની મમ્મી એકલાં હતાં. તેઓ કોઈ કામ અર્થે બહાર નીકળ્યાં હતાં. ઘરે પરત આવ્યા તો આગની આ જ્વાળા જોઈ તેમણે બૂમાબૂમ કરી હતી. જેથી ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ કાબૂમાં લીધી હતી. આ સમગ્ર ઘટનાની જાણ તલાટીને કરી હતી. પરંતુ તલાટી ‘હું 3 દિવસની રજા પર છું’ કહી જવાબદારીમાંથી છટકી ગયા હતા. ગામના સરપંચને પણ જાણ કરતાં તેમણે ભોગ બનનાર પરિવારને જણાવ્યું હતું કે, ફોટા અને ઘરવેરાની પાવતી મોકલી આપજો. હાલ કોઈ મદદ અર્થે આગળ આવ્યું ન હોવાથી ગરીબ પરિવારની હાલત દયનીય બની છે.