Columns

ભગવાન શોધવા છે

એક દિવસ ગુરુજી પાસે એક યુવાન આવ્યો. તેણે કહ્યું, ‘ગુરુજી, તમે કહેશો તે બધું જ કરવા તૈયાર છું, પણ મારે ભગવાનને શોધવા છે.ભગવાનને જાણવા છે. તેમની અનુભૂતિ કરવી છે.’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, ભગવાન ગહન છે. તેમને શોધવા કંઈ સરળ નથી, પરંતુ જો…..’ હજી ગુરુજી આગળ કંઇક કહે તે પહેલાં યુવાન બોલ્યો, ‘ગુરુજી, ભલે ભગવાન ગહન હોય, તેમનો પાર પામવો અને સમજવો અઘરો હોય, પણ હું તમે કહેશો તે  બધું જ કરવા તૈયાર છું.મને જણાવો, હું બધું કરીશ, કારણ મારે ભગવાનને શોધવા જ છે.’

ગુરુજીને થયું, આ યુવાન સમજાવવાથી નહિ સમજે.ગુરુજીએ વ્રત, પ્રાર્થના, ધ્યાન, પૂજા, અર્ચનાના અઘરા નિયમો સમજાવ્યા અને પાલન કરવા કહ્યું.’ યુવાન ગુરુજીએ કહ્યું તેમ કરવા લાગ્યો.ઘણો સમય વીતી ગયો, પણ ભગવાનની કોઈ અનુભૂતિ થઇ નહિ.આખરે તેની ધીરજ ખૂટી. ફરી એક દિવસ યુવાન ગુરુજીની પાસે ગયો અને પૂછ્યું, ‘ગુરુજી, આપે કહ્યું છે તે બધી રીતે ભગવાનને ભજવાની અને ભગવાનનું નામ લેવાની,ધ્યાન કરવાના નિયમોનું પાલન કરું છું…ક્યારેય ચૂકતો નથી. કોઈ નિયમ તોડતો નથી તેમ છતાં મને તો ભગવાન ક્યાં છે, કેવા છે ,ક્યારેય સમજાતા નથી,કયારેય કોઈ અનુભૂતિ થતી નથી.આવું કેમ થાય છે?’

ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘ચલ, યુવાન, આજે મારી સાથે તળાવને કિનારે.તું પહેલા દિવસે આવ્યો ત્યારે હું તને તળાવના કિનારે લઈ જવાનો હતો, પણ હજુ હું આગળ બોલું તે પહેલાં જ તેં મારી વાત કાપી નાખી હતી;યાદ છે. ચાલ, આજે તને સમજાવું.’ ગુરુજી યુવાનની સાથે તળાવને કિનારે આવ્યા. થોડી લટાર મારી પછી માછલીઓને લોટની લાડુડી ખવડાવવા લાગ્યા.કિનારે માછલીઓનું ઝુંડ લોટ ખાવા આવતું અને વળી તળાવમાં અંદર જતું રહેતું.ગુરુજીએ યુવાનને કહ્યું, ‘યુવાન, આ લોટની લાડુડી ખાધા બાદ માછલીઓને તરસ લાગે તો તે તેઓ પાણી કેવી રીતે શોધે?’ યુવાન હસ્યો અને બોલ્યો, ‘ગુરુજી, માછલીની તો આજુબાજુ બધે જ પાણી છે.

તેણે પાણી શોધવા જવાની ક્યાં જરૂર છે?’ હવે ગુરુજી બોલ્યા, ‘યુવાન સાંભળ; મારી વાત પૂરી સમજજે, વચ્ચેથી ન કાપતો.આપને ભગવાનને શોધવા તે તરસી માછલી પાણી શોધવા નીકળે તેવું કામ છે.તરસી માછલીને પાણી જોઈએ છે જે તેની ચારે બાજુ છે તેને શોધવા જવાની જરૂર જ નથી;પણ તેની તેને ખબર નથી.બરાબર આ માછલીની જેમ ભગવાનને શોધવાની ,ભગવાનને મેળવવાની તરસ આપણામાં છે પણ ભગવાન આપણી ચારે બાજુ સતત છે તેની આપણને ખબર નથી એટલે આપણે ભગવાનને શોધતા ફરીએ છીએ; જાણતાં નથી… સમજતા નથી કે તે તો આપણી અંદર,આપણી આજુબાજુ બધે જ છે.’ ગુરુજીએ યુવાનને સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top