Comments

આપણને દંભમાં જીવવાની ટેવ પડી ગઈ છેઃ ગાંધીજન તો ગરીબ અને સાદો જ હોવો જોઈએ તેવું આપણે માનીએ છીએ

આપણને સરળ ચાલતી જિંદગી ગમતી જ નથી. પહેલાં આપણે સરળ ચાલતી જિંદગીને રગદોળી નાખીએ છીએ પછી તેને સરળ બનાવવાના પ્રયત્ન કરીએ છીએ. આવું આપણે કેમ કરીએ છીએ તેનું કારણ  એવું છે આપણી અંદર સ્પષ્ટતા નથી. સ્પષ્ટતાનો અભાવ આપણને બેવડી જિંદગી જીવવાની ફરજ પાડે છે. આપણે જેવા છીએ તેવા દેખાવાને બદલે જેવા નથી અથવા તો જેટલાં છીએ તેના કરતાં વધારે સારા દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે કેવા છીએ તેના માટે આપણને બીજાના પ્રમાણપત્રની જરૂર પડે છે અને કોઈને પણ પ્રમાણપત્ર આપવામાં ખૂબ ઉત્સાહી હોઈએ છીએ, જાણે ભારત સરકારને આપણને પ્રમાણપત્ર આપવા માટે પ્રમાણિત કર્યા હોય, આવું જ હમણાં ગાંધી આશ્રમની વસાહતમાં બન્યું. આમ તો ગાંધી આશ્રમના નવીનીકરણ માટે 1200 કરોડનો ખર્ચ કરવો જોઈએ કે નહીં તે એક અલગ ચર્ચાનો વિષય છે, પરંતુ આ નવીનીકરણ પ્રોજેકટ માટે ગુજરાત સરકારે ગાંધી આશ્રમ સામે આવેલી વસાહત ખાલી કરાવવાની શરૂઆત કરી છે, જેના માટે સરકાર પરિવાર દીઢ 60 લાખ રૂપિયા આપે છે.

ગાંધી આશ્રમ સામે રહેતા વસાહતીઓ હવે ગાંધી વિચાર સાથે સંમત છે કે નહીં, પણ તે પણ અલગ મુદ્દો છે. આમ છતાં હાલમાં રહેતા પરિવારના વડાઓ ગાંધી આશ્રમમાં ગાંધી સાથે હતા અને ગાંધીએ તેમને અહિંયા વસાવ્યા હતા. હવે વસાહતની સરકારને નવીનીકરણ પ્રોજેકટ માટે જરૂર છે, અનેકો આ સરકાર દ્વારા આપવામાં આવેલા રૂપિયા 60 લાખ લઈ પોતાનું ઘર ખાલી કર્યું, અનેક પરિવાર તેના વિરોધમાં છે, જયારે જાહેરમાં વિરોધ કરનારને સૈધ્ધાંતિક નહીં, પણ રકમ સામે વાંધો છે. જો કે જાહેરમાં તો તેઓ પણ સિધ્ધાંતની વાત કરે  છે, પણ તાજેતરમાં ગાંધીવાદી સ્વર્ગસ્થ ચુનીકાકાનાં દીકરી નિતાબહેન અને જમાઈ મહાદેવ વિદ્રોહીની તસવીર સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઈ જેમાં નીતાબહેન અને મહાદેવભાઈ 60-60 લાખના ચેક લેતાં નજરે પડે છે. આ તસવીર અને મિત્રોએ તેમની ભારે ટીકા કરી. આ ઘટનાને શરમજનક ગણાવી હતી. જો કે વિદ્રોહી પરિવારની ટીકા કરતા આ પ્રશ્નને સમજવાની જરૂર છે.

સરકારના નવીનીકરણ પ્રોજકેટનો જેઓ વિરોધ કરી રહ્યા છે, તેમની પાસે સંખ્યાબળ નથી અને પ્રોજેકટનો વિરોધ કરવા માટે માત્ર સૈધ્ધાંતિક વિરોધ સિવાય કંઈ નથી. ખરેખર સમગ્ર પ્રોજેકટમાં તાકાતવર કોઈ હોય તો વસાહતીઓ છે, પણ આટલાં વર્ષ સુધી આ આશ્રમવાસીઓને ખુદ ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓ સ્વીકાર્યા નહીં, વસાહતીઓ બદમાશ અને ખોટી ફરિયાદ કરનારા છે તેવો આરોપ મૂકી તેમની સાથે અછૂત જેવો  વ્યવહાર કર્યો, રૂપિયા 1-2-5 અને 10 ના માસિક ભાડે રહે છે. આ વસાહતીઓને આશ્રમના સંચાલકો સામે પણ સો વાંધા છે. રોજબરોજની તેમની ફરિયાદ આશ્રમ સાંભળતું ન્હોતું અને સરકારી તંત્ર તમે ભાડુઆત તેમ જણાવી તેમની ફરિયાદનો નિકાલ કરતું ન્હોતું. ખરેખર તો ટ્રસ્ટીશીપના સિધ્ધાંતમાં વિશ્વાસ કરનાર ટ્રસ્ટે તેમની પાસેથી રૂપિયા બે રૂપિયા ભાડું લેવાને બદલે તેમને મકાનમાલિક બનાવી દેવાની જરૂર હતી, પણ તેવું થયું નહીં. વસાહતીઓનો પેઢીઓથી દરજ્જો ભાડુઆતનો જ રહ્યો.

સરકારે આ તક ઝડપી લીધી, સરકાર જાણતી હતી કે પ્રોજેકટને વસાહતીઓ ઘોંચમાં નાખી શકે તેમ છે. સરકારને પ્રસ્તાવ આપ્યો કે તમે આખી જિંદગી ભાડુઆત રહેવાના છો. અમે તમને ઘરની સામે સારું ઘર અથવા ઘરની સામે 60 લાખ રૂપિયા આપીએ છીએ. આ પ્રસ્તાવને અનેકોએ સ્વીકારી લીધો, જેમાં ઘણા ખરા સ્વભાવ અને વ્યવહારથી ગાંધીવાદી છે, પણ જેવો તેમણે સરકારના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો તેની સાથે તેમની ઉપર પસ્તાળ પડી. ગાંધીવાદી થઈ કેવી રીતે પૈસા સ્વીકારી શકો, જેનો અર્થ એવો થયો કે ગાંધીવાદી આખી જિંદગી ગરીબ અને ભાંગેલા તૂટેલા મકાનમાં જ રહેવાનું. ગાંધીવાદીને સારા ઘરનું સ્વપ્ન પણ આવે તો મહાપાપ છે.

પહેલો પ્રશ્ન એવો છે કે જેઓ હાલમાં પ્રોજેકટની સામે છે અને વસાહતીઓના મસીહા બની આવ્યા છે, તેઓ હમણાં સુધી વસાહતીઓને કયારેય પૂછવા ગયા ન્હોતા કે તમને આશ્રમ પજવે છે તો અમે તમારી મદદ કેવી રીતે કરીએ. આ વસાહતીઓ અનેક વખત તુષાર ગાંધી સહિતના અનેક મહાનુભાવોને મળ્યા હતા, પણ ત્યારે તેમનો હાથ કોઈએ  પકડયો નહીં. હવે વસાહતીઓ પોતાની જિંદગી બદલવાનો નિર્ણય કર્યો ત્યારે શરમજનક ઘટના છે તેમ કહી તેમની ઉપર પસ્તાળ પાડે છે, આપણે એવું નક્કી કરી લીધું છે ગાંધીવાદી શ્રીમંત હોઈ શકે નહીં તે પણ ખોટું છે, માની લઈએ કે વર્ષો સુધી ગાંધીના રસ્તે ચાલ્યા પછી કોઈને થાક લાગ્યો અને તે હવે તે રસ્તે ચાલવા માંગતો નથી તો તેનો તે વ્યકિતગત નિર્ણય છે, ગાંધીના માર્ગે થોડાં વર્ષો ચાલી જાણે તેમણે ભૂલ કરી હોય અને હવે કેમ તમે માર્ગ બદલ્યો તેવું પૂછવાનો અને તેમને આરોપી બનાવવાનો આપણને અધિકાર નથી.

ગાંધીનો રસ્તો અને ગાંધીનું જીવન એકદમ વ્યકિતગત બાબત છે, તેમાં આપણે કોઈને ફરજ પાડી શકીએ નહીં. વિકાસ માટે તો ઘર તો તૂટે જ તેવી દલીલ કરનાર રોડ લાઈનમાં જયારે  પોતાના કપાઉન્ડ વોલની દિવાલ તૂટે ત્યારે તરત વિકાસનો વિરોધ કરે છે. આમ આપણે બેવડી જિંદગી જીવીએ છીએ. આશ્રમના વસાહતીઓ કેવી રીતે પૈસા લઈ શકે તેવી ટીકા કરવી સહેલી છે, કારણ ટીકા કરનારને ટીકા કરવા માટે પોતાનો સમય આપવા સિવાય કંઈ આપવાનું નથી, જયારે જેઓ પેઢીઓથી ભાડુઆત છે તેમનો મકાન માલિક બનવું કે નહીં તે નિર્ણય પણ તેમનો જ હોવો જોઈએ તેવું મને લાગે છે અને છેલ્લે આશ્રમના નવીનીકરણ સામે વિરોધ કરનારની યાદી બહુ લાંબી હતી, પણ બીજી ઓકટોબરે વર્ધાથી યાત્રા આશ્રમ પહોંચી ત્યારે વિરોધના પત્રમાં સહી કરનારાઓ પૈકી માત્ર બે-ચાર આશ્રમમાં નજરે પડયા હતા. બસ આવો જ આપણો ગાંધીવાદ છે.          
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top