નવસારી: (Navsari) નવસારી રેલવે ફાટક (Railway gate) ૫ દિવસ બંધ રાખી રેલવે તંત્રએ કામગીરી શરૂ કરી છે. પરંતુ ૫ દિવસ સુધી રેલવે ફાટક બંધ રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. નવસારી રેલવે સ્ટેશનની પશ્ચિમ ભાગે જલાલપોર વિસ્તાર અને કેટલાક ગામડાઓ આવ્યા છે. જેથી જલાલપોર વિસ્તાર અને ગામડાઓની પ્રજા નવસારી શહેરમાં આવવા માટે રેલવે ફાટક અથવા રેલવે ગરનાળામાંથી પસાર થવું પડે છે. ત્યારે હાલ દિવાળીનો (Diwali) માહોલ હોવાથી લોકો ખરીદી કરવા માટે નવસારી શહેરમાં આવતા હોય છે. ત્યારે રેલવે તંત્રએ નવસારી રેલવે ફાટક ગત ૧લી નવેમ્બરથી આગામી ૫મી નવેમ્બર સુધી ૫ દિવસ માટે રેલવે ફાટક બંધ રાખ્યું હોવાથી લોકોની જાણ માટે નોટીસ બોર્ડ ફાટક ઉપર લગાવ્યું છે. જેને પગલે પશ્ચિમ વિભાગમાં રહેતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે.
નવસારીમાં તહેવાર નજીક આવતાં જ શાકભાજીના ભાવોમાં વધારાથી મધ્યમ વર્ગ નારાજ
નવસારી: તહેવાર નજીક આવતા જ નવસારીના શાકભાજી માર્કેટમાં શાકભાજીમાં ભાવવધારો થતાં ગૃહિણીઓના બજેટ ઉપર મોટી અસર પડી હતી. સાથે જ પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના બાટલા ઉપર સરકારે કરેલા ભાવવધારાને પગલે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં સરકાર સામે રોષ જોવા મળ્યો હતો.
હાલમાં કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ એકહથ્થુ શાસન ચલાવી રહ્યો છે. કોરોનાની મહામારીને પગલે વેપાર-ધંધાઓ બંધ થતાં દેશના અર્થતંત્રની ગાડી પાટા પરથી ઊતરી પડી હતી. જો કે, હાલમાં દેશમાં કોરોના થોડો કાબૂમાં આવ્યો છે. જેથી વેપાર-ધંધાઓ પણ સારી રીતે ચાલતા થયા છે. પરંતુ કેન્દ્ર સરકારે દેશના અર્થતંત્રની ગાડી પાટે લાવવા માટે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવવધારો કરી દીધો છે. એક તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના બાટલા ઉપર ભાવવધારો સરકારે કર્યો છે. તો બીજી તરફ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર ભાવવધારો થયો છે.
પેટ્રોલ-ડીઝલ તો સમજ્યા, પણ જીવન જરૂરિયાતની સૌથી મહત્ત્વની વસ્તુ રાંધણ ગેસ ઉપર પણ ભાવવધારો થયો છે. ત્યારે હવે દિવાળીનો તહેવાર નજીક આવતાં ખાદ્ય તેલ સહિત શાકભાજીના ભાવમાં વધારો થયો છે. નવસારીના શાકભાજી માર્કેટમાં શાકભાજીના ભાવોમાં ત્રણગણો જેટલો વધારો થયો છે. જે ભાવવધારાને પગલે ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. દિવાળીનો તહેવાર નજીક જ છે. ત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપર ભાવવધારો થાય તેની અસર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઉપર વધુ પડે છે.