Sports

શારજાહમાં આજે ઇંગ્લેન્ડના પ્રભુત્વને અટકાવવા માટે શ્રીલંકાએ કંઇક વિશેષ કરવાની જરૂર પડશે

શારજાહ: (Sharjah) જોરદાર રિધમમાં ચાલી રહેલી ઇંગ્લેન્ડની ટીમ આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં (T 20 World Cup) ગ્રુપ એકની મેચમાં સોમવારે અહીં જ્યારે શ્રીલંકા સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેનો પ્રયાસ સેમી ફાઇનલમાં (Semi final) પોતાનું સ્થાન પાકું કરવા પર હશે, જ્યારે શ્રીલંકાની ટીમ જીતના માર્ગે પરત ફરવા માગશે. જો કે ઇંગ્લેન્ડના પ્રભુત્વને અટકાવવા માટે શ્રીલંકાએ કંઇક વિશેષ કરવાની જરૂર પડશે.

  • ચેમ્પિયનના દાવેદારોમાંથી એક એવા ઇંગ્લેન્ડે પોતાની શરૂઆતની ત્રણેય મેચ એ રીતે જ રમી છે
  • શારજાહમાં ઇંગ્લેન્ડના પ્રભુત્વને અટકાવવા માટે શ્રીલંકાએ કંઇક વિશેષ કરવાની જરૂર પડશે

ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડને પહેલાથી જ ટાઇટલનું પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યું છે અને તેમણે પોતાની શરૂઆતની ત્રણ મેચ એ અંદાજમાં જ રમી છે. તેમાં શનિવારે પોતાના પરંપરાગત હરીફ ઓસ્ટ્રેલિયા સામે મેળવેલી પ્રભાવશાળી જીત પણ સામેલ છે. ઇયોન મોર્ગનની આગેવાની હેઠળની ટીમ તમામ નબળાઇઓને સુધારીને અહીં સુધી પહોંચી છે. તેમની પાસે ખેલાડીઓનો વિકલ્પ પણ છે પરંતુ હજુ સુધી તેનો ઉપયોગ કરવાની જરૂર પડી નથી.

ઇંગ્લેન્ડનું મિડલ ઓર્ડર રિધમમાં નથી એ જ તેમની ચિંતા છે. જો કે ટોપ ઓર્ડરમાં જોસ બટલર જોરદાર લયમાં છે અને તેના કારણે મિડલ ઓર્ડર સામે હજુ એ પરીક્ષાની ઘડી આવી નથી. કેપ્ટન મોર્ગનને આશા છે કે જરૂર પડ્યે મિડલ ઓર્ડર પણ જોરદાર પ્રદર્શન કરશે. આ તરફ શ્રીલંકાને પોતાના ખેલાડીઓનો ઓછો અનુભવ નડી રહ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની મેચ અંતિમ ઓવરમાં ગુમાવાનાર શ્રીલંકાએ ત્રણમાંથી બે મેચ હારી છે અને અંતિમ ચારમાં સ્થાન મેળવવા આવતીકાલની મેચ જીતવી જરૂરી છે.

ભારતીય ટીમ કેમ હારી રહી છે?

ટીમ ઈન્ડિયાની સતત હારનું કારણ તેના ખેલાડીઓમાં પોતાની જગ્યાને લઈને થઈ રહેલી દુવિધાને માનવામાં આવી શકે છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાની ટીમમાં પ્રત્યેક મેચમાં ફેરફાર જોવા મળી રહ્યાં છે. વિરાટ કોહલીની આગેવાનીમાં એક હાર બાદ ટીમમાં જે ફેરફાર થયો હોય છે તેના કારણે ખેલાડીઓના મનમાં ડર પેદા થાય છે. ટી20 વિશ્વકપ 2021માં પાકિસ્તાન વિરુદ્ધ એક હાર બાદ સૂર્યકુમાર યાદવ અને ભુવનેશ્વર કુમારને બહાર કરી દેવામાં આવ્યા, તેનાથી બાકી ખેલાડીઓમાં પણ પોતાની જગ્યાને લઈને ડર પેદા થઈ ગયો. તેના કારણે ખેલાડીઓ પોતાની ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા ન હોવાનું સામે આવી રહ્યું છે. બીજી તરફ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી વચ્ચેનો ખટરાગ પણ એક કારણ માનવામાં આવી રહ્યું છે. જેની અસર મેચ દરમ્યાન મેદાન પર જોવા મળે છે.

Most Popular

To Top