SURAT

દેશમાં સૌથી નાની વયના સુરતના બાળકના બંને હાથનું દાન કરાયું…

સુરતઃ શહેરમાં (Surat) પહેલી વખત દેશના સૌથી નાની ઉમરના બ્રેઈનડેડ (Brain dead) બાળકના (Child) બંને હાથોનું દાન (Hand Transplant) કરાયું હતું. ૧૪ વર્ષીય બાળકના અંગદાનથી 6 વ્યક્તિઓના જીવનમાં ઉજાસ રેલાયો છે. લેઉવા પટેલ સમાજના ૧૪ વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફસાં, લિવર, ચક્ષુઓ સહિત બંને હાથોનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન આપી માનવતાના દિવા પ્રગટાવ્યાં છે.

  • કતારગામના ધાર્મિક માલવીયાના મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હતો
  • હ્રદય અને લિવર અમદાવાદ જ્યારે ફેંફ્સા ચેન્નાઇ મોકલાયા
  • બલ્ડ ગ્રુપ મેચ નહીં થવાના કારણે આંતરડાનું દાન શક્ય નહીં બન્યું
  • દિવાળીમાં માનવતાનો દીપ પ્રગટાવતો ડભોલીનો કાકડિયા પરિવાર

કતારગામ ડભોલી ચાર રસ્તા પાસે રામપાર્ક સોસાયટી ખાતે રહેતા અજયભાઈ કાકડિયાના બ્રિલીયન્ટ વિદ્યાલયમાં ધો.-૧૦માં અભ્યાસ કરતા પુત્ર ધાર્મિકને તા.૨૭ ઓક્ટો.ના રોજ અચાનક ઉલટીઓ થતા અને બ્લડ પ્રેશર વધી જવાને કારણે ખોનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ન્યુરોફિજીશિયને સારવાર દરમિયાન સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જને ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દૂર કર્યોહતો. પણ ગંભીર હાલતમાં રહેલાં ધાર્મિક સ્વસ્થ થાય એમ ન હોવાથી હોસ્પિટલના ડોક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.

માતાપિતાએ કાળજે પત્થર મૂકી અંગદાનનો બહાદુરીભર્યો નિર્ણય લીધો

ડોનેટ લાઈફ સંસ્થાએ બાળકના માતા-પિતાને સમજાવતા તેમને બાળકના અંગોનું દાન કર્યું હતું. સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગ દ્વારા બાળકનું લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલને, ROTTO દ્વારા હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને, NOTTO દ્વારા ફેફસા ચેન્નાઈની MGM હોસ્પિટલમાં ફાળવવામાં આવ્યા. NOTTO દ્વારા આંતરડાના ટ્રાન્સપ્લાન્ટ માટે દેશભરમાં એલર્ટ મુકવામાં આવ્યું હતું. પરંતુ દેશામાં B+ve બ્લડગ્રુપના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાથી આંતરડાનું દાન થઈ શક્યું નહોતું.

બાળકની કિડની ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા પણ ચાલતી હતી

ધાર્મિકના માતા-પિતા લલિતાબેન અને અજયભાઈએ જણાવ્યું કે, અમારા બાળકને છેલ્લા પાંચ વર્ષથી કિડનીની સમસ્યા હતી, અને છેલ્લા એક વર્ષથી સપ્તાહમાં ત્રણ વખત ડાયાલિસીસ કરાવવું પડતું હતું. ડાયાલિસીસની પીડા શું હોય તે અમે સારી રીતે જાણીએ છીએ. ધાર્મિકને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેની પ્રક્રિયા પણ ચાલતી હતી. આજે જયારે અમારો વ્હાલો ધાર્મિક બ્રેઈનડેડ છે ત્યારે તેના અંગોના દાન થકી તેના જેવા બીજા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે સહર્ષ આગળ વધવા સંમતિ આપી હતી.

પ્રથમ વખત ત્રણ ગ્રીન કોરિડોર બનાવ્યા

અંગોને સમયસર મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા સુરત પોલીસે સૌપ્રથમ વાર એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરિડોર બનાવ્યા હતા. સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું ૨૯૨ કિ.મી.નું અંતર ૧૦૫ મિનિટમાં કાપીને ધાર્મિકના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.

Most Popular

To Top