બેન્કોએ ઉદ્યોગપતિઓને ખોળે બેસાડીને ધીરેલી પ્રચંડ લોનની રકમ પાછી ફરી રહી નથી. એસ્સાર જેવા જૂથે 95 ટકા રકમ બેન્કોને ચૂકતે કરી ત્યારે સમજાય છે કે આ જૂથ વેપારમાં જે ખરેખર ચડતીપડતી થાય તેની લપેટમાં આવી ગયું હતું. એસ્સાર જૂથે ધંધામાં કદકાઠી આંતરરાષ્ટ્રીય ફલક પર વિસ્તાર્યા હતા. પરંતુ બાકીનાં એવાં લોકો છે, જેમણે બેન્કોના પૈસા ખાઇ જવાની શુધ્ધ દાનત સાથે લોનો લીધી હતી. ‘નોન પરફોર્મિંગ એસેટસ’ અર્થાત્ બેન્કોની નહીં ચૂકવાતી એસેટસ મનમોહનસિંહના સમયથી એક કોયડો બન્યો છે. છોડ એમના શાસનમાં રોપાયો હતો. બાદમાં કેન્દ્રની ભાજપ સરકારે તેનો ઉપાય શોધવા માટે નવા નિયમો લાવી દેખીતા એટલે કે લોકો જોઇ શકે એવા પ્રયત્નો કર્યા હતા. ખૂબ સક્રિયતા દર્શાવી હતી, પણ દાખવી નથી. ઘણી વખત ખૂની પોતે પોલીસના ખૂનીને શોધવાના પ્રયત્નોમાં ચડી ચડીને મદદ કરવા લાગે છે. બેન્કોની લોનો પરત મેળવવાની દિશામાં પણ એવું જ થયું છે.
એનપીએનો કિસ્સો એટલો ચેરાઇ ગયો છે કે લોકોને રસ નથી. રસ હોય તો પણ સાચી સ્થિતિ સમજી શકાતી નથી. કોણ કેટલી રકમ પાછી વાળશે? વાળી શકે તેમ છે? વગેરે વિગતો એટલી ડહોળાયેલી હોય છે કે ફરીથી તેમાં હાથ નાખીને પારકો માલ પચાવી પાડવાની લાલચ સરકારી અધિકારીઓ, બેન્ક અધિકારી અને કરજદારોની ત્રિપુટી રોકી શકતી નથી. ચંડાળ ચોકડીમાં ચોથા પક્ષકાર તરીકે સરકાર હોય છે. આજથી છ સાત વરસ અગાઉ એનપીએનું દૂષણ મૂળમાંથી ડામી દેવાની વાત શરૂ થઇ હતી. ત્યાર બાદ બે બેન્કો ડૂબી ગઇ. અમુક અગ્રણી નોન-બેન્કિંગ ફાઇનાન્સ કોર્પોરેશનો પડી ભાંગ્યાં. બેન્ક ઓફ બરોડા વગેરે મરણશય્યા પર જતી રહી. વિજય, નિરવ, મેહુલ વિદેશોમાં પહોંચી ગયા. ધન્ય હો માતા લક્ષ્મી દેવી.
કહે છે કે રિઝર્વ બેન્ક અને ભારત સરકારે એનપીએની સમસ્યાના નિરાકરણ માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ કોઇ સફળતા મળી નથી. પાંચ વરસ અગાઉ ‘ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કિંગ કોડ’ લાગુ પાડવામાં આવ્યો હતો, તેમાં પ્રારંભમાં થોડી સફળતા મળી. પણ બાદમાં ફરી એ જ લચરકવેડા અને લબાડગીરી શરૂ થઇ. હવે સરકાર ‘બેડ બેન્ક’ નામનો ઉપાય લઇ આવી છે. બેન્ક શબ્દનો એક અર્થ ‘વિશ્વાસ’ એવો થાય છે. હવે બેડ બેન્ક કેવી રીતે હોઇ શકે? પણ છે. વાસ્તવમાં કોકડાને વધુ ગૂંચવી તેને ખોલવાનું છે. કોઇ સમજી શકે તો સવાલ પૂછે ને? આ બેડ બેન્ક શું છે? હકીકતમાં ઉદ્યોગપતિઓએ જે રકમ ચૂકવવાની છે તેની કાર્યવાહી તેઓએ જામીનગીરી (સ્યોરિટી) તરીકે આપેલી મિલ્કતો વગેરેનો હિસ્સો અનેક બેન્કો પાસેથી આ બેડબેન્ક કરશે.
મળવાપાત્ર રકમના આધારે જ બેડ બેન્ક અન્ય બેન્કો અને નાણાં સંસ્થાઓને નાણાં ચૂકવશે અને જવાબદારીઓ ખરીદશે. આમ આ બેડબેન્ક અનેક બેન્કોની જવાબદારી, કાનૂની વિધિઓ વગેરે પોતાના પર લેશે, જેથી ખાનગી અને સરકારી બેન્કો પોતાના કામકાજમાં ધ્યાન આપી શકે. પોતાનું કામકાજ એટલે? ફરીથી ઉદ્યોગોને લોન આપવાનું. બેન્કોની મોટી આવક તો ધિરાણ પર મળતું વ્યાજ જ હોય છે. ફરીથી એ ચક્ર શરૂ કરવાની તક. જેમાં આઇસીઆઇસીઆઇના વડા ચંદા કોચર, વિડિયોકોનના વેણુ ગોપાલ ધૂનને લોન આપે. અને ધૂન તેમાંનો એક મહત્ત્વનો હિસ્સો ચંદાના પતિ દીપકને પાછો વાળે. રૂશ્વતના રૂપમાં. હકીકતમાં મેઇનલાઇન બેન્કો બદનામીમાંથી બહાર આવવા બેડ બેન્ક ઊભી કરી રહી છે.
એક નેતાના બે ત્રણ ભાઇઓ સમાજમાં લૂંટપાટ, દાદાગીરી કરી ધાક જમાવે અને નેતાજી કાદવમાં જળકમળવત્ રહે. કોઇ લાંછન નહીં. ભલે બેડ બેન્ક કોઇ ગેરકાયદે કામ કરવાની નથી, પણ બેન્કોના અધિકારીઓનાં કાળાં કામોની નિષ્પત્તિ એટલે બેડ બેન્ક. જેને સત્તાવાર રીતે અસેટ રિકન્સ્ટ્રકશન કંપનીઝ અથવા એઆરસી તરીકે ઓળખાવાય છે. ખાનગી ક્ષેત્રમાં આ પ્રકારની એક જૂની અને પ્રાઇવેટ ચેનલોમાં ચાલતી વ્યવસ્થા હતી. જે સત્તાવાર એઆરસી શરૂ કરાઇ છે તેની સામે ઘણા પડકારો ઊભા થવાના છે. પડકારો જ તો ખરીદવાના છે, જેનું મૂલ્ય અગાઉ કરતાં સાવ ઘસાઇ ગયું છે તેવી ગિરવી મિલકતો ખરીદવા માટે જ બેડ બેન્કે ખૂબ મોટી રકમની વ્યવસ્થા કરવાની રહે છે.
સરકારી બેડ બેન્ક ઉર્ફે નેશનલ એસેટ રિકન્સ્ટ્રકશન કંપની લિમિટેડ. એનએઆરસીએલ બેન્કે, એનપીએ ખરીદવા માટે બે લાખ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવાની છે. માર્ચ 2021 સુધીમાં બેડ બેન્કોએ આનાથી પણ વધુ એનપીએ ખરીદી છે. બે લાખ કરોડ રૂપિયા તેની 45 ટકા રકમ થાય અને આખા ભારતની જીએસટીની બે મહિનાની આવક થાય. બાકીના પંચાવન ટકા પણ એકઠા કરવાના રહેશે. નવા એઆસી ઉદ્યોગ માટે આ રકમ ખૂબ પ્રચંડ ગણાય. શરૂઆતમાં એનએઆરસીએલને નેવું હજાર કરોડની એનપીએના હક્ક ટ્રાન્સફર કરવામાં આવશે.
આ સંસ્થા સિવાય, ઇન્ડિયાડેટ રિઝોલ્યુશન કંપની (આઇડીઆરસીએલ) તેમાં મહત્ત્વનો ભાગ ભજવશે. બેડ બેન્કોમાં સરકારી બેન્કોની માલિકી 51 ટકા અને ખાનગી બેન્કોની 49 ટકા છે. સ્યોરિટી તરીકે અપાયેલી અસ્કયામતો અને બીજી મળવાપાત્ર અસ્કયામતોની મૂળ કિંમતની પંદર ટકા રકમ બેડ બેન્કો હક્ક મેળવતી વખતે જ બેન્કોને ચૂકવી આપશે. આ રકમ મળવાથી બેન્કોની લિકવિડિટીમાં સુધારો થશે. ઘણી બેન્કો આ લાભ ઉઠાવવા તૈયાર થઇ જશે જેમાં 85 ટકા રકમ તો ખાનગી મગરમચ્છો ખાઇ ગયા હશે. કેટલીક એનપીએ તો વરસો જૂની છે અને તેનું કોઇ મૂલ્ય રહ્યું નથી. જેમ કે વિડિયોકોને ભરૂચ નજીક ટેલિવિઝનની ટયુબ માટેનું કારખાનું નાખ્યું ત્યાર બાદ તેની જગ્યાએ એલસીડી અને એલઇડી આવી ગઇ.
તે કારખાનું કોઇ મૂલ્ય નથી. વિડિયોકોન પાસેથી એ ક્ષેત્રમાં બેન્કોના 64838 (લગભગ 65 હજાર) કરોડ રૂપિયા લેવાના નીકળે છે. તેની સામે એ અસ્કયામતો ખરીદવા માટે ‘વેદાંત’ના માલિક અનિલ અગ્રવાલની કંપનીએ રૂપિયા 2962 (લગભગ ત્રણ હજાર) કરોડની ઓફર મૂકી છે. અસ્કયામતો, ખાસ કરીને મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં જેટલી જૂની થતી જાય એટલી કિંમત ઘસાતી જાય. સિવાય કે જમીન કંપનીની હોય તો કિંમત રહે. ઘણી જૂની ટેકનોલોજીની કંપનીઓને મુંબઇમાં તેમની જમીને બચાવી લીધી છે. જયાં જમીન ગિરવે હશે ત્યાં બેડ બેન્કને ફાયદો થશે. જો કે આજકાલ તેમાં પણ મંદી છે. ઘણાં માને છે કે બેડ બેન્કો, મેઇનલાઇન બેન્કોની બગડેલી ઇમેજ અને આર્થિક ગોટાળાઓનો કચરો જમા કરવાનું એક ગોદામ બની જશે.
-વિનોદ પંડયા
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.