National

ભારત કરતા પાકિસ્તાન સારું રમ્યું એટલે.. કપિલ દેવે 83’ની આ ટીમ સાથે કોહલી બ્રિગેડની કરી દીધી સરખામણી

સુરત: 1983ની વર્લ્ડ કપ (World Cup) વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવે (Kapil Dev) સુરતની મુલાકાત દરમિયાન યોજાયેલી પત્રકાર પરિષદમાં પત્રકારોના સવાલોના ઉત્તર આપતા જણાવ્યું હતું કે ક્રિકેટ (Cricket) એ જેન્ટલમેનની રમત છે તેમાં નિંદા, ગાળો અને હિંસાને કોઇ સ્થાન નથી. ટી-20 વર્લ્ડ કપની (T-20 World cup) મેચમાં પાકિસ્તાન (Pakistan) સામે ભારતીય (Indian cricket team) ટીમને મળેલા પરાજયનો ઉલ્લેખ કરતા કપિલ દેવે કહ્યું હતું કે એક મેચના પરફોર્મન્સ પર કોઇ પણ ટીમની ટીકા કે નિંદા ન થવી જોઇએ. કોઇ બીજી ટીમ આપણાથી સારું રમીને જીતે તો પ્રશંસા થવી જોઇએ. જે ટીમ 20 વર્ષ સારું રમીને જીતી છે તેની નોંધ પણ લેવાવી જોઇએ.

તે મેચને એ રીતે લેવી જોઇએ કે એક ટીમ સારી રમી અને તે જીતી તે પછીના લોકોના ઝનુનને હું યોગ્ય ગણતો નથી. આપણી ટીમ પાછલા 20 વર્ષ તેમનાથી (પાકિસ્તાન) સારું રમી મોટા ભાગની મેચો જીતી છે. તેની પણ નોંધ લેવી જોઇએ. હવે તેઓ આપણાથી સારું રમ્યા તો તેની તારીફ કરવી જોઇએ. ગાળો આપવી સરળ છે, ટીકા કરવી પણ સરળ છે. જેમણે આટલાં વર્ષો સારું રમી આપણને અનેક મેચો જીતાડી તેમના દ્વારા એક મેચ હારવાથી ભારતની ટીમ નબળી પડી હોય તેવું હું માનતો નથી.

વર્તમાન ટીમ ટી-20 ફોરમેટ માટે પરફેક્ટ ટીમ છે અને તે સારો દેખાવ કરશે તેવી દરેકને આશા છે. એક મેચ હારવાથી જે દર્દ લોકોને થયું છે તમે કલ્પના પણ ન કરી શકો કે જે લોકો મેચ રમ્યા તેમને સામાન્ય લોકોથી વધુ દુ:ખ થયું હશે. જો આ ટીમ જીતી ગઇ હોત તો લોકોના મોઢા બંધ હોત. આપણે જીત પર વાતો કરીએ છીએ પ્રોસેસ પર નહીં. બધું બરાબર હોય તો પણ સામી ટીમ ક્રિકેટમાં જીતી શકે છે. આ અનિશ્ચિતાઓની રમત છે.

1983ના વર્લ્ડ કપની ફાઇનલ વેસ્ટઇન્ડિઝ હારી ગઇ હતી તેનો અર્થ એ નથી કે તે ટીમ નબળી હતી: કપિલ દેવ

સુરતની મુલાકાતે આવેલા ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની કપિલ દેવે કહ્યું હતું કે ટી-20 વર્લ્ડ કપની એક મેચ હારી જવાથી લોકો જે પ્રતિક્રિયા આપી રહ્યા છે તે બન્ને તરફે યોગ્ય નથી. 1983ના વર્લ્ડ કપની ફાઇનલ વેસ્ટઇન્ડિઝ હારી ગઇ હતી તેનો અર્થ એ નથી કે તે ટીમ નબળી હતી. તે સમયની વેસ્ટઇન્ડિઝની ટીમ વિશ્વની શ્રેષ્ઠ ટીમ હતી પણ જે દિવસે ફાઇનલ મેચ હતી તે દિવસે ભારતીય ટીમ ખૂબ સારું રમી હતી. કોઇપણ ટીમ સતત 3 વર્ષ હારતી રહે તો ચોક્કસ વિચારવું પડે કે આ ટીમ યોગ્ય નથી.

ટેસ્ટ ક્રિકેટ કેટલી રમાડવી તે જવાબદારી આઇસીસી અને ક્રિકેટ બોર્ડની છે

કપિલ દેવે કહ્યું હતું કે જયાં સુધી લોકોને ટી-20 ફોરમેટ જોવાનું ગમશે ત્યાં સુધી આ રમતનું ભવિષ્ય છે જે દિવસે લોકો આ પ્રકારની મેચ જોવાનું બંધ કરશે તે દિવસે આ ફોરમેટ બંધ થઇ જશે. મારું માનવું છે કે લોકોને જે પસંદ હોઇ તે ફોર્મેટ રમાડવી જોઇએ. ક્રિકેટનો પ્રાણ 5 દિવસીય ટેસ્ટ મેચ છે જેમાં ખેલાડીના સ્ટેમિનાની કસોટી થતી હોઇ છે. ટેસ્ટ ક્રિકેટ કેટલી રમાડવી તે જવાબદારી આઇસીસી અને ક્રિકેટ બોર્ડની છે.

Most Popular

To Top