SURAT

અહીં રૂપિયા 10, 20ની નોટો પણ બ્લેકમાં વેચાય: દિવાળીના એક જ અઠવાડિયામાં સુરતીઓ આટલા કરોડની નવી નોટો વાપરી નાંખે છે…

નવા વર્ષના (New Year) દિવસે નવી નોટો (New Currency) બોની સ્વરૂપે આપવાનું ચલણ વર્ષો જૂનું છે. વેપારી શહેર સુરતમાં (Surat) કાપડ અને હીરાના કારખાનામાં શેઠિયાઓ દ્વારા કારીગરોને નવી નોટોમાં દિવાળીનો પગાર અને બોનસ ચૂકવવામાં આવતો રહ્યો છે. વડીલો બાળકોને નવી નોટો બોની રૂપે આપતા હોય છે. એટલે જ દર વર્ષે સુરતમાં ખૂબ મોટી માત્રામાં નવી નોટોનો ઉપાડ થતો હોય છે. દર વર્ષે સુરત શહેરમાં નવી નોટો બ્લેકમાં પણ વેચાતી હોય છે. કદાચ આ એકમાત્ર એવું શહેર છે જ્યાં ચલણી નોટના પણ બ્લેક થાય છે.

દર વર્ષે સુરતની બેન્કોમાં 400 કરોડની નવી નોટો ઠલવાય છે

એક અંદાજ અનુસાર દર વર્ષે સુરતમાં 400 કરોડ જેટલી મોટી રકમની નવી નોટો ઉપડે છે. શહેરમાં કુલ 7 ચેસ્ટ બેન્ક છે. જેમાં સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા, એચડીએફસી સહિતની મોટી બેન્કોનો સમાવેશ થાય છે. દર વર્ષે આ બેન્કો રિઝર્વ બેન્ક પાસેથી 15-20 દિવસ પહેલાં જ નવી નોટો માંગતી હોય છે. ખાસ કરીને ચલણમાં નાની નોટોની ડિમાન્ડ વધુ રહેતી હોય છે. એટલે બેન્કો દ્વારા 10, 20, 50, 100ની નોટો મંગાવવામાં આવે છે, પરંતુ તે પૂરતી મળતી નથી.

ખાસ કરીને 2017માં નોટબંધી લાગુ પડી ત્યાર બાદથી રોકડનો વ્યવહાર ઘટાડવાના હેતુથી રિઝર્વ બેન્ક દ્વારા ખૂબ ઓછી માત્રામાં નવી નોટો રિલીઝ કરવામાં આવે છે. તેમાંય નાની નોટો તો મળતી જ નથી. છેલ્લાં ત્રણ વર્ષથી શહેરમાં દિવાળી સમયે રૂપિયા 10ની નવી ચલણી નોટો મળી નથી. સૌથી વધુ 10ની નોટોની જ ડિમાન્ડ હોય છે. પરંતુ તે મળતી જ નથી.

બેન્કોએ આ વર્ષે છેક ઈન્દોરથી 100ની નવી નોટો મંગાવવી પડી

ધી સુરત પીપલ્સ કો.ઓ. બેન્કના એમડી ડો. જતીન નાયક કહે છે કે, દર વર્ષે નવી નોટોની ડિમાન્ડ વધતી જ જાય છે. ખાતેદારો એકાઉન્ટ ધરાવતા હોય એટલે આશા રાખે છે. એક અઠવાડિયા પહેલાં જ ડિમાન્ડ શરૂ થઈ જાય છે. આ વર્ષે 10ની નોટો આવી નથી અને 100ના બંડલ પણ મળ્યા નથી. છેક ઈન્દોરથી 100 રૂપિયાની ચલણી નોટો મંગાવવામાં આવી છે. 400 કરોડની ડિમાન્ડ સામે અત્યારે માંડ 25 ટકા નવી નોટો બેન્કો પાસે આવી છે. બેન્કોએ ગ્રાહકોની સુવિધા સાચવવા માટે માથાકૂટ કરીને શહેર, રાજ્ય બહારથી નોટો મંગાવવી પડી રહી છે.

નેશનલાઈઝ્ડ બેન્કના એક અધિકારીએ કહ્યું કે, રિઝર્વ બેન્ક ખોટી રીતે હેરાન કરે છે. દર વર્ષે રાષ્ટ્રીયકૃત બેન્કોની સરખામણીએ ખાનગી બેન્કોને વધુ નોટો મોકલવામાં આવે છે, જેથી રાષ્ટ્રીયકૃત બેન્કોના ગ્રાહકો અટવાઈ જાય છે. સરકાર બધું જ ખાનગીકરણ કરી દેવા માંગે છે.

વરાછામાં નવી નોટો બ્લેકમાં વેચાય છે

દર વર્ષે સુરતમાં વરાછા વિસ્તારમાં 10, 20, 50, 100, 200ની નવી નોટના બંડલો બ્લેકમાં વેચાય છે. 2થી 5 ટકા ઊંચા પ્રિમીયમ ભાવ લઈ એક શખ્સ બ્લેકમાં નવી નોટો વેચતા હોય છે. અહીં પ્રશ્ન એ થાય છે કે બેન્કો પાસે નવી નોટો આવતી નથી તો આ શખ્સ ક્યાંથી લઈ આવે છે? કાળાબજાર થતા હોવાની આશંકા નકારી શકાય નહીં.

Most Popular

To Top