સુરત: છેલ્લા ચાર-પાંચ દિવસથી બિલ્ડર લોબીમાં ચર્ચાનો વિષય બનેલા હેપ્પી હોમ ગ્રુપના બિલ્ડર મુકેશ પટેલ તેમજ સુમુલ ડેરી રોડ ઉપર રહેતા બિલ્ડર મુકેશ સવાણી વચ્ચેનો વિવાદમાં હવે નવો વળાંક આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે ખંડણીના કેસમાં મુકેશ સવાણીની ધરપકડ નહીં કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ મુકેશ સવાણીએ મુકેશ પટેલની સામે ઉમરા પોલીસમાં અરજી કરી પોલીસ રક્ષણ તેમજ બાકી લેવાના નીકળતા રૂ.9.87 કરોડ અપાવવાની માંગણી કરી હતી.
- ગુજરાત હાઇકોર્ટે સુરતના ઉમરા પોલીસને આદેશ કરીને મુકેશ સવાણીની ધરપકડ નહીં કરવા આદેશ કર્યો
- મુકેશ સવાણીએ વળતામાં પોલીસમાં મુકેશ પટેલ સામે અરજી આપી પોતાના બાકી નીકળતા રૂ.9.87 કરોડ અપાવવાની માંગણી કરી
આ કેસની વિગત મુજબ, હેપ્પી હોમ ગ્રુપના બિલ્ડર મુકેશ પટેલે થોડા દિવસ પહેલાં જ સુમુલ ડેરી રોડ ઉપર વિશ્વકૃપા સોસાયટીમાં રહેતા મુકેશ છગનભાઇ સવાણીની સામે રૂ.12 કરોડની ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં પોલીસ પકડથી બચવા માટે મુકેશ સવાણીએ આગોતરા જામીન માંગ્યાં હતાં. પરંતુ તે સુરતની કોર્ટે નામંજૂર કર્યા હતા. ત્યારબાદ મુકેશ સવાણીએ સ્થાનિક વકીલ ઝકી શેખ તેમજ કેતન રેશમવાલા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં ક્વોસિગ પિટિશન કરી હતી.
આ અરજીની સુનાવણી થઇ હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે સુરતના ઉમરા પોલીસને આદેશ કરીને મુકેશ સવાણીની ધરપકડ નહીં કરવા જણાવ્યું હતું. ત્યારે મુકેશ પટેલે હેપ્પી હોમ ગ્રુપના બિલ્ડર મુકેશ પટેલ તેમજ તેના ભાગીદાર હિંમત બાબુ સોરઠિયાની સામે સુરતના પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ અરજી કરી હતી.
પોતાની આ અરજીમાં મુકેશ સવાણીએ જણાવ્યું હતું કે, તેમણે મુકેશ પટેલ અને હિંમત સોરઠિયાની પાસેથી સને-2014થી રૂ.9.87 કરોડ લેવાના બાકી નીકળે છે. 2014થી મુકેશ પટેલ વારંવાર વાયદા કરતો હતો અને રૂપિયા ચૂકવતો ન હતો. રૂપિયા ચૂકવવા ન પડે એ માટે મુકેશ પટેલે ખંડણીની ખોટી ફરિયાદ કરી હોવાનું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત મુકેશ પટેલ પોલીસ અધિકારીઓની મદદથી મુકેશ સવાણીની પાસેથી બળજબરીથી ખોટા લખાણો લખાવીને એન્કાઉન્ટર કરાવે તેવી પણ શક્યતા હોવાનું કહીને પોલીસ રક્ષણની પણ માંગણી કરવામાં આવી હતી.