સુરત : પાંડેસરામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના (State Bank Of India) એટીએમને (ATM) અજાણ્યાઓએ ટાર્ગેટ કરીને ગેસકટરથી એટીએમ તોડી નાંખ્યુ હતુ અને રૂા. 31 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ગુરૂવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં પોલીસ પેટ્રોલીંગ ઉપર પણ અનેક સવાલો ઊભા થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરાના ગણેશ નગર પાસે આવેલા આંબેડકર ચોકમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ આવ્યું છે. આ એટીએમને ગુરૂવારે મોડી રાત્રે કેટલાક તસ્કરોએ ગેસકટરથી કાપી અંદરથી રૂા. 31 લાખની ચોરી કરી નાસી ગયા હતા.
બીજા દિવસે બેંકના કર્મચારીઓને ચોરીની જાણ થતાં એટીએમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા પરંતુ તેમાં કશુ જોવા નહીં મળતા આખરે એટીએમનો રેકોર્ડ ચેક કરાયો હતો. જેમાં એટીએમમાં રૂા. 31 લાખની ચોરી થઇ હોવાની બહાર આવ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ ગુરૂવારે મોડી રાત્રે એટીએમમાંથી તસ્કરો મોટો હાથ મારી જતાં પોલીસ પેટ્રોલીંગ ઉપર પણ અનેક સવાલો ઉઠ્યા છે. આ કામ કોઇ બહારની ગેંગ હોવાનું પોલીસનું અનુમાન છે.
મુંબઇની મુખ્ય બ્રાન્ચથી એટીએમના સીસીટીવી ફૂટેજ તેમજ ઓડિયો રેકોડીંગ માંગાવી પોલીસે તપાસ આરંભી
મોડી રાત્રે બનેલી ઘટનામાં આરોપીઓએ ઓળખ ન થાય તે માટે એટીએમમાં આવતાની સાથે જ સીસીટીવી કેમેરા ઉપર બ્લેક સ્પ્રે મારી દીધો હતો અને કેમેરાને ઠાંકી દીધો હતો. ત્યારબાદ એટીએમમાં ગેસ કટરથી કટીંગ કરીને રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. રાત્રીના સમયે એટીએમ બહાર અંધારુ પણ હોવાથી કોઇ સ્પષ્ટ ચહેરા દેખાતા ન હોવાનું પોલીસે કહ્યું હતું. હાલ તો પોલીસે મુંબઇની મુખ્ય બ્રાન્ચથી એટીએમના સીસીટીવી કેમેરા તેમજ ઓડિયો રેકોડીંગ મંગાવીને વધુ તપાસ શરૂ કરી છે.