કોરોનાના (Corona) વાદળો હટી ગયા બાદ બે વર્ષે ગુજરાતીઓને મનમૂકીને દિવાળી (Diwali) ઉજવવાની તક મળી છે ત્યારે રાજ્ય સરકારે રંગમાં ભંગ નાંખવાનો મનસૂબો ઘડી કાઢ્યો છે. આજે ગુજરાત સરકારે (Gujarat Government ) એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેના લીધે ગુજરાતીઓના ભવાં ઉંચા ચઢી ગયા છે. રાજ્ય સરકારે ફટાકડા (Crackers) ફોડવા અંગે નિયમો જાહેર કર્યા છે, તે અનુસાર માત્ર બે કલાક જ ફટાકડા ફોડી શકાશે.
રાજ્ય સરકારે બહાર પાડેલા જાહેરનામા મુજબ ગુજરાતીઓ રાત્રિના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે. સુપ્રીમકોર્ટના (Supreme Court) આદેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા ફટાકડા ફોડવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર વિદેશથી ફટાકડાની આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ તથા ફટાકડા ફોડવાના સમય અંગે જાણકારી આપવામાં આવી છે.
રાજ્યમાં દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડા ફોડી શકાશે, એટલે કે બે કલાકના સમયગાળામાં જ ફટાકડા ફોડવાની મંજૂરી અપાઈ છે. જોકે બેસતા વર્ષના દિવસે રાત્રે 11.55 કલાકથી 12.30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.
આ અગાઉ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ એ.એસ. બોપન્નાની એક બેન્ચે તે સ્પષ્ટ કર્યું હતું કે તે તેના આદેશનું સંપૂર્ણ અમલીકરણ ઇચ્છે છે જેથી એવો સંદેશ આપી શકાય કે તે અહીં લોકોના અધિકારોના રક્ષણ માટે છે અને જે ફટાકડા ઉત્પાદકો બનાવટી ગ્રીન કેકર્સ વેચે છે તેમની બાબતમાં તે સીબીઆઇ તપાસનો પણ આદેશ આપી શકે છે. આનંદ ઉજવણીના ઓઠા હેઠળ તમે(ઉત્પાદકો) નાગરિકોના જીવન સાથે રમી શકો નહીં. અમે કોઇ ચોક્કસ કોમની વિરુદ્ધમાં નથી. અમે એક મજબૂત સંદેશો મોકલવા માગીએ છીએ કે અમે અહીં લોકોના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે બેઠા છીએ એમ બેન્ચે કહ્યું હતું.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે ફટાકડા પર પ્રતિબંધનો અગાઉનો વિગતવાર વાજબી કારણો આપ્યા પછી પસાર કરવામાં આવ્યો છે. તમામ ફટાકડાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. તે(પ્રતિબંધ) વ્યાપક પ્રજા હિતમાં છે…એવી રજૂઆત થવી જોઇએ નહીં કે આ પ્રતિબંધ એક ચોક્કસ હેતુ માટે મૂકવામાં આવી રહ્યો છે એમ બેન્ચે કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે કે ફટાકડાઓનું વેચાણ ફક્ત લાયસન્સધારી વેપારીઓ મારફત જ થવું જોઇએ, ફક્ત ગ્રીન ફટાકડાઓનું વેચાણ થવું જોઇએ. ફટાકડાઓના ઓનલાઇન વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.