Vadodara

ગ્રેડ-પે મામલે પોલીસ પરિવારોના દેખાવો, 30 જવાનની અટકાયત

વડોદરા : વડોદરા પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ પરિવારો દ્વારા  દેખાવો થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા અને સ્થિતિ થાળે પાડી હતી. ગ્રેડ પે તેમજ અન્ય માંગણીઓ સાથે શરૃ થયેલા આંદોલનમાં વડોદરા પોલીસ હેડક્વાટર્સ ખાતે પોલીસ પરિવારો પણ જોડાતાં રાજ્ય સરકાર અને રાજ્યના પોલીસ વડા સહિતના અધિકારીઓ દોડતા થયા હતા. બીજીતરફ વડોદરામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે રાતે પોલીસ પરિવારના મોટી સંખ્યામાં સદસ્યો એકઠા થઇ ગયા હતા અને તેમણે હમારી માંગે પુરી કરો..ના સૂત્રો પોકાર્યા હતા.આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ  પોલીસ અધિકારીઓ હેડક્વાર્ટર ખાતે દોડી ગયા હતા અને તેમણે સમજાવટથી સ્થિતિ થાળે પાડી હતી.

નોંધનીય છે કે,વડોદરામાં પણ નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ પણ સક્રિય બન્યું છે અને મંડળના આગેવાનોએ પોલીસની 23 માંગણીઓ સ્વીકારવા રાજ્ય સરકાર પાસે માંગણી કરી હતી.તેમણે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની પોલીસને અન્યાય થતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમજ પોલીસના ગ્રેડ પે આંદોલનને સોશ્યલ મીડિયા પર સમર્થન કરનારા વડોદરા શહેર ટ્રાફિક અને હેડ ક્વાર્ટરના બે લોકરક્ષક જવાનોને એસીપી પોલીસ કન્ટ્રોલ રૂમ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. સોશ્યલ મીડિયાની આચારસંહિતા અંગે રાજ્યના પોલીસ વડાએ બહાર પાડેલા પરિપત્રનો ભંગ કરી પોલીસના ગ્રેડ પે આંદોલનને સમર્થન કરનારા પોલીસ કર્મીઓ પર તવાઇ આવી છે.

વડોદરા શહેર પોલીસના બે કર્મચારીઓએ પોલીસના ગ્રેડ પે આંદોલનને સોશ્યલ મીડિયા પર સમર્થન આપ્યું હોવાની વિગતો બહાર આવતાં બંને સામે ખાતાકીય રાહે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે,ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા લોક રક્ષક ઇલેશ રામાભાઇ રાઠવા અને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા જિતેન્દ્ર અમૃતલાલ લોઢાને શો કોઝ નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યો છે.

બીજી તરફ ગુજરાત મોડેલની વાતો વચ્ચે પોલીસને વર્ષોથી અન્યાય કરવામાં આવતો હોવાના આક્ષેપ કરનાર વડોદરા શહેર-જિલ્લાના નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ દ્વારા પોલીસની કેટલીક માંગણીઓ અંગે લાગણી વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ પોલીસ કર્મચારી આગેવાનોએ આજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અકસ્માત,ગુનાખોરી,કુદરતી હોનારતો સહિતની કામગીરીમાં પોલીસ ૨૪ કલાક ખડેપગે ફરજ નિભાવે છે.પોલીસને વર્ગ-૩માં ગણવામાં આવે છે.પરંતુ અન્ય વિભાગોના વર્ગ-૩ના કર્મચારીઓ કરતા પોલીસનો પગાર ખૂબ ઓછો છે.

વર્ષોની પ્રથા મુજબ આજે પણ પોલીસને મહિને રૃ.20 સાઇકલ એલાઉન્સ અને રૃ25 વોશિંગ એલાઉન્સ આપવામાં આવે છે. જે કેટલે અંશે યોગ્ય છે? આ રકમ વધારીને રૃ.500 અને રૃ1200 કરવી જોઇએ.આ ઉપરાંત પોલીસને વીક્લી ઓફ પણ આપવો જોઇએ.આ ઉપરાંત ફિક્સ પગાર તાલીમ સુધી જ રહેવો જોઇએ અને પોલીસને યુનિયનનો અધિકાર પણ મળવો જોઇએ. મંડળના પ્રમુખ કિશોર કેસારકરે કહ્યું હતું કે,પોલીસને સાતમા પગાર પંચનો લાભ મળ્યો છે.પરંતુ રજા પગારની ગણતરી છઠ્ઠા પગાર પંચ મુજબ કરવામાં આવે છે.પોલીસના નોકરીના કલાકો પણ આઠ કલાક કરવા જોઇએ.

ત્યારે રાજ્યભરમાં ગ્રેડ પે મુદ્દે પોલીસ આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આંદોલનની આગ વડોદરા પોલીસ હેટ ક્વાર્ટર સુધી પહોંચી છે. જ્યાં મોડી સાંજે પોલીસ પરિવારો ગ્રેડ-પેની માગણી પૂર્ણ કરવા થાડી-વેલાણ વગાડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મોટી સંખ્યામાં પોલીસ પરિવારો  એકત્ર થતાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. તેમજ મોડી રાત્રે 30 જેટલા જવાનની મકરપુરા પોલીસે અટકાયત કરી હતી.

મોડી સાંજે પોલીસ પરિવારો સાથે પે-ગ્રેડની માગણી પૂર્ણ કરવા થાળી-વેલાણ વગાડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન આજે અકોટા પોલીસ લાઇનમા રહેતા પોલીસ જવાનોના પરિવારજનો દ્વારા દેખાવો અને સુત્રોચાર કરવામાં આવ્યા હતા.પોલીસ જવાનોના બાળકો અમારા પપ્પાનો પગાર વધારો તેવા પોષ્ટરો સાથે જોડાયા હતા. પિતાના પગાર વધારા માટે મેદાનમાં ઉતરેલા બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું.

Most Popular

To Top