સુરત: (Surat) સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં ઠંડી (Winter) અનુભવાઈ રહી છે. વહેલી સવારે અને સાંજે ઠંડા પવનો ફૂંકાતા હોવાનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે. વહેલી સવારે ઠંડક અનુભવાતા લોકોને પંખા બંધ કરવા પડી રહ્યા છે. જ્યારે દિવસ દરમ્યાન ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સુરતના વાતાવરણમાં રાત્રે (Night) પણ ઠંડક અનુભવાઈ રહી છે. લઘુત્તમ તાપમાન (Temperature) 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા અઠવાડિયા દસ દિવસથી ઉત્તરનો પવન શરૂ થતાં ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પરંતુ ઠંડી ધીમે ધીમે વધશે. હાલ તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. આજે મહત્તમ તાપમાનમાત્ર ફરી એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આજે મહત્તમ તાપમાન 33.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં અડધો ડિગ્રી વધારો જોવા મળ્યો છે. આજે લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. તે ઉપરાંત હવામાં ૩૯ ટકા ભેજની સાથે ૫ કીમીની ઝડપે ઉત્તર પૂર્વનો પવન ફુંકાયો હતો.
સામાન્ય રીતે શહેરમાં દિવાળીના પખવાડિયા પહેલા ઠંડીનો પ્રારંભ થઇ જતો હોય છે. અને દિવાળી સુધી ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થાય છે. આ વખતે ચોમાસુ લાંબો સમય સુધી હતું. જેને કારણે ઠંડી પણ વધારે રહેવાની સંભાવના છે. હાલ જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા પડવાનું શરૂ થયા બાદ આબોહવાકીય ફેરફાર શરૂ થયો છે. હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આગામી ત્રણ-ચાર દિવસમાં રાતનુ તાપમાન ધીમે ધીમે ઘટવાનું શરૂ થાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.