એક દસમાં ધોરણમાં ભણતી છોકરી નામ દિયા….ટીચરે દિવાળી વેકેશનમાં આપેલું તેનું હોમવર્ક બાકી હતું અને હવે કાલે વેકેશન પૂરું થતું હતું તો ટીચરને શું કહેવું અને શું કરવું તે વિચારી રહી હતી એટલો સમય ન હતો કે તે બધું હોમવર્ક પૂરું કરી શકે એટલે કોઈ રસ્તો વિચારવો પડે તેમ હતો. આમ તો છોકરી ડાહી અને મહેનતુ હતી પણ જો હોમવર્ક અધૂરું હશે તે ટીચરને ખબર પડશે તો મને ખીજાશે અને મારી છાપ બગડશે તેમ વિચારી તેણે ટીચર પાસે ખોટું બોલવાનું અને નોટબુક ન લઇ જવાનું નક્કી કર્યું અને ટીચરને જઈને નીચે મોં રાખી ધીમેથી થોથવાતા અવાજે કહ્યું, ‘ટીચર, મેં હોમવર્ક તો કર્યું હતું પણ મારા નાના ભાઈને બુક ખોવાડી નાખી છે શોધવી પડશે.’
અનુભવી ટીચર સમજી ગયા કે દિયા ખોટું બોલી રહી છે.તેમણે કહ્યું, ‘ભલે કાલે બુક શોધીને લઇ આવજે.’ દિયાને થયું બચી તો ગઈ.પણ પછી તેનું મન ડરવા લાગ્યું કે, ‘ઘણું હોમવર્ક બાકી છે કાલ સુધી કઈ રીતે પૂરું કરી શકીશ અને નહી કરી શકું તો વળી પાછું શું બહાનું બનાવીશ.’ બીજે દિવસે હોમવર્ક પૂરું કરવાની કોશિશ તો કરી પણ પૂરું થયું નહિ. એટલે ફરી ખોટું બોલી, ‘હજી બુક મળતી જ નથી.’ ટીચર સમજી ગયા કે તે ખોટું બોલે છે.ટીચરે તેને બોલાવી પાસે બેસાડી કહ્યું, ‘હોમવર્ક કેમ નથી કર્યું અને શા માટે ખોટું બોલે છે?? તું એક નહિ બે બે ભૂલો કરી રહી છે.’ દિયા રડવા લાગી.
ટીચર બોલ્યા, ‘બેટા તે હોમવર્ક રોજે રોજ ન કર્યું તે તારી ભૂલ થઇ ગઈ….પણ પછી તે ખોટું બોલી ભૂલ મોટી કરી છે.જો દીકરા જયારે પણ કોઈ ભૂલ થઈ જાય ત્યારે શું કરવું જોઈએ તે સમજી લે માણસ છીએ તો કોઈવાર જાણતા કે કોઈવાર અજાણતા ભૂલ થઈ જાય.પણ જયારે ભૂલ થઇ જાય ત્યાર બાદ સૌથી પહેલા હિંમત રાખી પોતાની ભૂલ થઇ ગઈ છે તે કબુલ કરી લેવું.સજા થાય તો સ્વીકારી લેવી.પછી એટલા હોશિયાર બનવું કે તે ભૂલમાંથી શીખી લેવું તારી ભૂલમાંથી તું શીખીલે કે રોજનું કામ રોજ કરવું. નિયમિત હોમવર્ક તે કર્યું હોત તો ખોટું બોલવું ન પડત અને ત્રીજું ભૂલ સુધારી લેવાની તાકાત રાખવી હવે કાલે તું મને બધું હોમવર્ક પૂરું કરી બતાવજે અને ખોટું બોલી તેની સજા રૂપે આ દસ પાનાનું હોમવર્ક વધારાનું કરજે અને આજે જ બધું પૂરું કરી મને કાલે બતાવજે.’ ભૂલ થઈ જાય પછી શું કરવું તે ટીચરે જે સમજાવ્યું તે આપણા કોઈનાથી પણ થતી કોઈપણ ભૂલને લાગુ પડે છે યાદ રાખજો ભૂલ થઈ જાય ત્યારે તે સ્વીકારી લેજો …તેમાંથી શીખી લેજો અને તે સુધરી લેજો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.