Entertainment

આર્યન ખાન દિવાળી જેલમાં મનાવશે કે ઘરે? આજે હાઈકોર્ટે નહીં આપ્યો ચૂકાદો, હવે આવતીકાલે ફરી દલીલો સાંભળશે

બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આ વર્ષે ઘરે દિવાળી મનાવશે કે પછી જેલની અંધારી કોટડીમાં જ તેની દિવાળી વીતશે તેનો ફૈંસલો આવતીકાલ પર ટળી ગયો છે. આજે મુંબઈ હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી છે, પરંતુ સાંજે 6 વાગ્યે કોર્ટનો સમય પૂરો થયો હોય હવે આવતીકાલે ફરી એકવાર મુંબઈ હાઈકોર્ટ આ કેસમાં દલીલો સાંભળશે અને સંભવત: આવતીકાલે આર્યન ખાનની જામીન અરજી પર પોતાનો ફેંસલો સંભળાવશે.

આર્યને ડ્રગ્સ લીધું હતું કે નહીં તેના પુરાવા NCB પાસે નથી, 23 દિવસથી આર્યન જેલમાં છે NCBએ શું કર્યું?

મુંબઈ હાઈકોર્ટમાં (Mumbai Highcourt) શાહરૂખ ખાનના (ShahRukh Khan Son) પુત્ર આર્યન ખાનની (Aryan Khan Bail) જામીન અરજી પર મોડી સાંજે 4.30 કલાકે સુનાવણી શરૂ થઈ હતી. આર્યન તરફથી તેના વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી. મુકુલ રોહતગીએ કહ્યું કે, આર્યનનો મેડીકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો નથી. આર્યને ડ્રગ્સ લીધું હતું કે નહીં તેના પુરાવા એનસીબી પાસે નથી. વળી, આર્યન પાસે ડ્રગ્સ મળી આવ્યું નથી. તેના મિત્ર અરબાઝ મર્ચન્ટ પાસે ડ્રગ્સ મળ્યું છે, જેનાથી અમને કોઈ લેવા દેવા નથી. ક્રુઝ પાર્ટીમાં આર્યન ગેસ્ટ તરીકે ગયો હતો, તેથી તેની ધરપકડ NCBએ કયા કારણોસર કરી તે મને સમજાતું નથી. આર્યનની ધરપકડ માટેના કોઈ કારણો મને જણાતા નથી.

આર્યન માત્ર 23 વર્ષનો છોકરો છે, તેને સુધરવાની તક મળવી જોઈએ

મુકુલ રોહતગીએ કહ્યું કે, આર્યન એક 23 વર્ષનો છોકરો છે, જે અમેરિકાના કેલિફોર્નિયામાં ભણ્યો છે. 2 ઓક્ટોબરની રાત્રે મુંબઈથી ગોવા જઈ રહેલાં ક્રુઝમાં તે પ્રદીપ ગાબાના ઈન્વિટેશન પર ગયો હતો. આર્યન અને અરબાઝ પાસે ક્રુઝની ટિકીટ પણ નહોતી. આર્યન પાસે ડ્રગ્સ મળ્યું નથી, તેથી તેની ધરપકડનો કોઈ આધાર નથી. રોહતગીએ કહ્યું કે, કાયદો કહે છે કે જો કોઈ ડ્રગ્સનું સેવન કરતા પકડાય તો તેને જેલમાં નહીં પરંતુ રિહેબમાં મોકલવા જોઈએ. આવા લોકોને જેલમાં ધકેલી દેવાનો કોઈ ઈરાદો હોવો જોઈએ નહીં. સામાજિક ન્યાય મંત્રાલય સુધારની વાતો કરે છે ત્યારે આર્યનના કેસમાં વિપરીત કાર્યવાહી થઈ રહી છે. જો આર્યન ખાને ડ્રગ્સનું સેવન કર્યું હોય તો તેને સુધરવા માટે એક તક મળવી જોઈએ અને તેને રિહેબમાં મોકલવો જોઈએ. જેલમાં નહીં. વળી, કોર્ટની બહાર એવી વાતો થઈ રહી છે કે આર્યન ખાનના કનેક્શન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ્સ સાથે છે. તો આ વાતો ક્યાંથી આવે છે. કોર્ટે નક્કી કરવાનું છે કે શું સચ્ચાઈ છે.

આર્યનને ક્રૂઝ પર જતા પહેલાં ટર્મિનલ પરથી જ કેમ પકડી લેવાયો?, અનન્યા સાથેના ચેટ્સ તો જૂના છે, આ કેસ સાથે શું સંબંધ?

મુંબઈ હાઈકોર્ટમાં બંને પક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. NCBના વકીલે કોર્ટને કહ્યું હતું કે, જો આર્યન ખાનને જામીન આપવામાં આવશે તો તે દેશ છોડીને ભાગી શકે છે. જ્યારે સામા પક્ષે આર્યનના વકીલ મુકુલ રોહતગીએ NCBની કામગીરી પર જ પ્રશ્નો ઉભા કરી દીધા હતા. રોહતગીએ કહ્યું કે, મહેમાન તરીકે ક્રુઝ પર જઈ રહેલાં આર્યન ખાનની ટર્મિનલ પરથી જ અટકાયત કરી લેવામાં આવી હતી. NCBના કેટલાંક માણસો પહેલેથી જ ટર્મિનલ પર હાજર હતા.

તેમને સૂચના હતી કે આર્યન અને અરબાઝ ક્રૂઝ પર આવે તે પહેલાં જ પકડી લેવામાં આવે. આર્યન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી અને NCB દ્વારા તેનું મેડીકલ કરાવાયું નથી, જેથી આર્યને ડ્રગ્સ લીધું હોવાના કોઈ પુરાવા નથી. આ ઉપરાંત આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચેની વોટ્સએપ ચેટ વિશે કોર્ટને મુકુલ રોહગીએ કહ્યું કે, આ ચેટ્સ જૂના છે. તેને ક્રૂઝ કેસ સાથે કોઈ લેવા દેવા નથી.

આર્યન ડ્રગ્સ સ્મગલીંગ કરે છે, NCBએ મુક્યો સનસનીખેજ આરોપ

આ તરફ એનસીબીએ હાઈકોર્ટમાં આર્યનને જામીન નહીં મળે તે માટે આર્યન પર ડ્રગ્સ સ્મગલીંગનો આરોપ મુક્યો છે તેમજ એનસીબીની અરજીમાં શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીનું નામ લેવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, પૂજા દદલાની દ્વારા તપાસને આડે પાટે ચઢાવવાનો પ્રયાસ કરાયો છે. સાક્ષીઓને પ્રભાવિત કરવાના પ્રયત્ન થયા છે. આર્યનની જામીન નામંજૂર કરવા માટે આ આધાર હોવો જોઈએ.

હાઈકોર્ટના જ્જે કહ્યું હું કેસ સાંભળીશ નહીં

સુનાવણી શરૂ થાય તે પહેલા જસ્ટિસ સાંબ્રે ભીડને જોઈને ગુસ્સે થઈ ગયા હતા. અહેવાલો અનુસાર, તેમણે કહ્યું કે જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં નહીં આવે તો તેઓ કેસની સુનાવણી નહીં કરે. આ પછી, ફાલતૂ લોકોને કોર્ટ રૂમની બહાર કાઢવામાં આવ્યા હતા. આજે સવારથી જ મુંબઈ હાઈકોર્ટની બહાર આર્યન ખાનના કેસને લઈને ભારે ઉત્કંઠા વ્યાપેલી હતી. મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થઈ હતી. સુપરસ્ટાર શાહરૂખ ખાન હાઈકોર્ટ આવશે તે અપેક્ષા સાથે લોકો જમા થયા હતા.

શાહરૂખે વકીલોની ફોજ ઊભી કરી દીધી

આર્યન ખાનને છોડાવવા માટે બોલિવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાને એડીચોટીનું જોર લગાવી દીધું છે. તેણે વકીલોની ફોજ ઉભી કરી દીધી છે. ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી અને વકીલ સતીશ માનશિંદે આર્યનનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. મુકુલ રોહતગી, કરંજાવાલા એન્ડ કંપની સાથે, વરિષ્ઠ ભાગીદારો રૂબી સિંહ આહુજા અને સંદીપ કપૂર પણ આર્યનનો પક્ષ લેનાર ટીમમાં જોડાયા છે. અમિત દેસાઈ, સતીશ માનશિંદે, આનંદિની ફર્નાન્ડિસ, રુસ્તમ મુલ્લા પહેલેથી જ આર્યનના કેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જસ્ટિસ નીતિન સાંબ્રે આ મામલાની સુનાવણી કરી રહ્યા છે. આર્યન ખાન માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે શુક્રવાર પછી દિવાળીની રજાઓ હશે.

Most Popular

To Top