Dakshin Gujarat

આદિવાસી યુવતીની છેડતી પ્રકરણમાં બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જિતેન્દ્રસિંહ વાંસિયા સસ્પેન્ડ

બારડોલી: (Bardoli) બારડોલી ખાતે આવેલી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના (BJP) મધ્યસ્થ કાર્યાલયમાં આદિવાસી યુવતીની (Tribal Girl) છેડતી પ્રકરણમાં બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જિતેન્દ્રસિંહ વાંસિયાને પ્રમુખ પદેથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ મોડી સાંજે મીડિયાને આ અંગે માહિતી આપી હતી.

સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ડિરેક્ટર અને બારડોલી તાલુકા ભાજપના પ્રમુખ ઉપરાંત અનેક સહકારી સંસ્થા સાથે જોડાયેલા જિતેન્દ્રસિંહ વાંસિયાએ આજથી થોડા દિવસ અગાઉ સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલયમાં એક આદિવાસી યુવતીની (Teasing Girl) છેડતી કરી હોવાની ફરિયાદ જિલ્લા સંગઠન સહિત પ્રદેશ ભાજપને કરવામાં આવી હતી. પરંતુ આ અંગે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યાં ન હતાં. દરમિયાન સમગ્ર ઘટના અંગે મીડિયામાં અહેવાલ પ્રગટ થયા બાદ કાશ્મીરથી પરત ફરેલા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ હરકતમાં આવ્યા હતા. અને પક્ષની છબી ખરડાઈ રહી હોય, જેની સામે આક્ષેપ થયા હતા એ જિતેન્દ્રસિંહ વાંસિયાને બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ પદેથી અને પ્રાથમિક સભ્ય પદેથી તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.

સંદીપ દેસાઈ કાશ્મીરથી આવે તે પહેલાં આ મામલાને રફેડદે કરવા માટે કેટલાક નેતાઓએ રીતસરના ધમપછાડા કર્યા હતા. પરંતુ સંદીપ દેસાઈએ તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવી પક્ષની છબીને ધ્યાનમાં રાખી કડક કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સંદીપ દેસાઈએ આ અગાઉ બારડોલીના નગરસેવકનો બીભત્સ વિડીયો વાયરલ થવાના પ્રકરણમાં તેમજ બાબેનમાં બારડોલી તાલુકા પંચાયતની સભ્યનો દારૂ વેચતો વિડીયો વાયરલ થવાના પ્રકરણમાં પણ બંનેને સસ્પેન્ડ કરી કડક કાર્યવાહીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જિતેન્દ્રસિંહ સામે લેવામાં આવેલાં કડક પગલાંને લઈ અન્ય કાર્યકરો અને હોદ્દેદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
જિતેન્દ્ર વાંસિયા સુરત ડિસ્ટ્રિક્ટ બેન્ક, મહુવા સુગર ફેક્ટરી ઉપરાંત અનેક સહકારી સંસ્થા સાથે સંકળાયેલા છે. ત્યારે આ સંસ્થાઓ પણ તેમની સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ એ જોવું રહ્યું. ખાસ કરીને સુરત ડિસ્ટ્રિક્ટ બેન્ક જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં એક પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે ત્યારે સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના પ્રમુખ નરેશ પટેલ કાર્યવાહી કરે છે કે પછી તેમને બચાવવાના મૂડમાં રહેશે તેના પર લોકોની મીટ મંડાયેલી છે.

શિષ્ટ સાથે કોઈ બાંધછોડ નહીં: સંદીપ દેસાઈ
આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એ શિષ્ટને વળેલી છે. તેમાં કોઈ બાંધછોડ ચાલી શકે નહીં. આથી જ જિતેન્દ્રસિંહ વાંસિયાએ યુવતીની છેડતી કરી હોવાના આરોપને લઈને તેમને તાત્કાલિક અસરથી પ્રમુખ પદ પરથી અને પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા છે.

Most Popular

To Top