વડોદરા: વડોદરા સરદાર ધામ ખાતે વિશ્વ પાટીદાર સમાજ 2026 અંતર્ગત વિઝન અને પાંચ લક્ષ બિંદુઓ સિદ્ધ કરવા ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે આયોજિત પ્રમોશનલ પ્રોગ્રામ પાંચમાં ભાજપના પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલે જાહેર મંચ પરથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કેયૂર રોકડિયા ની ઝાટકણી કાઢી હતી. પ્રદેશ પ્રમુખે મેયર ને ઉદ્દેશીને જણાવ્યું હતું કે તમે યુવાન છો અને સફળ કામગીરી કરશો તેવા ઉદ્દેશથી તમને મેયર બનાવ્યા હતા પરંતુ તમે હવે ધીમી ગતિથી કામ કરી રહ્યા છો વડોદરા શહેરમાં રખડતા ઢોરો અને ચાર રસ્તા પર ભિક્ષુકો નો પ્રશ્ન ઉકેલી શકતા નથી
રખડતા ઢોરનો પ્રશ્ન હોય કે ભિક્ષુકો નો પ્રશ્ન હોય કે પછી પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં મીટીંગો બંધ કરો અને સફળતાપૂર્વક કામગીરી કરીને દેખાડો તે જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે સુરતમાં રખડતા ઢોરનો પ્રશ્ન હોય કે ભિક્ષુકોનો પ્રશ્ન હોય તેને ઉકેલવામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ને સફળતા મેળવી છે સુરતમાં ભિક્ષુકો માટે રેન બસેરા બનાવ્યા છે ત્યાં રાખવામાં આવે છે વડોદરામાં રેન બસેરા બનાવ્યા હોવા છતાં ત્યાં તેઓને રાખવામાં આવતા નથી અને ચાર રસ્તા પર ભિક્ષુકો ભીખ માંગતા દેખાય છે. પ્રદેશ પ્રમુખે ટીકા કરતા જણાવ્યું કે વડોદરામાં રખડતા ઢોરના મુદ્દે મને પણ કેટલાક લોકો ફોન કરતા હોય છે હવે ફરી મારે જ્યારે વડોદરામાં આવવાનું થાય તે પહેલા આવા પ્રશ્નોનો ઉકેલ લાવશો એવી આશા રાખું છું.
ટેકનોક્રેટ મેયરનું પાણી મપાઈ ગયુ..!!
વડોદરા શહેરમાં રખડતા ઢોરની જટિલ સમસ્યાને પંદર દિવસમાં જ દૂર કરવાના દાવો કરનાર મેયર નું પાણી મપાઈ ગયું છે પંદર દિવસથી પણ વધુ સમય વિત્યા છતાં રખડતા ઢોરોની સમસ્યા યથાવત છે વડોદરામાં રસ્તાઓ પર હજુ પણ રખડતા ઢોરનો અડ્ડો જોવા મળે છે તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ મેયરના દાવાઓ પોકળ હોવાનું અને કામગીરી નબળી હોવા અંગે ટકોર કરી હતી 15 દિવસમાં શહેરને રખડતા ઢોર મુક્ત કરવાની ગુલબાંગો પોકારતા મેયર ને પક્ષના જ ટોચ ના નેતા એ મેયર ને જગ્યા બતાવી દીધી હતી જે ને પગલે વડોદરાના યુવા અને ટેકનોક્રેટ મેયર નું પાણી જાહેરમાં જ મપાઈ ગયું હોવાનો ગણગણાટ શરૂ થયો હતો.
પાટીલના ઠપકા બાદ મેયર પણ ફ્રન્ટ ફૂટ પર…સૌથી સારી કામગીરી કરી હોવાનો દાવો
વડોદરામાં રખડતા ઢોરની સમસ્યાને હલ કરવાની દિશામાં ભાજપ પ્રદેશ પ્રમુખના નિર્દેશ બાદ મેયર પણ એક્શનમાં આવ્યા હતા અને પાલિકા સંકુલમાં બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો મેયરે રખડતા ઢોર મુદ્દે પાટીલના નિવેદન બાદ ફ્રન્ટ ફૂટ પર આવી ગુજરાતના અન્ય શહેરોની સરખામણીમાં વડોદરા મહાનગર પાલિકાની કામગીરી શ્રેષ્ઠ હોવાનું જણાવતા વડોદરા મહાનગરપાલિકા એ ટેગીંગ, શિફ્ટિંગ, કેચીગ, એફ આઈ આર અને જાહેરનામા ના ભંગ ની નોટીસની કામગીરી માં પણ તમામ શહેરો થી સારી કામગીરી કરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પાલિકાની પાંચ ટીમો એ અત્યાર સુધી 690 જેટલા રખડતા ઢોરો પકડ્યા છે અને તે માટે 1, 97,100 જેટલો દંડ પણ વસુલ કર્યો છે જ્યારે 623 જેટલા રખડતા ઢોરોને જાંબુઘોડા કરજણ અને વ્યારાના પાંજરાપોળ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે તેમજ આગામી ૨૭ ઓક્ટોબર થી પાંચને બદલે નવ ટીમો રખડતા ઢોરોને દૂર કરવા કામે લાગશે જેમાં એસઆરપીની પણ જોડાશે અને રખડતા ઢોરોની સમસ્યા કાયમી ઉકેલ માટે પાલિકા વધુ મજબૂતાઈ થી કામ કરશે તેમ જણાવ્યું છે
આંતરિક જૂથબંધી : મેયરને ટપારતા કાર્યકરો રાજી થયા
વડોદરા આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે રખડતા ઢોર મુદ્દે મેયરની કામગીરી અંગે ટકોર કરતા કાર્યક્રમમાં હાજર ભાજપના કેટલાક કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ ની વાતને તાળીઓ પાડી વધાવી લીધી હતી જાણવા મળ્યા મુજબ વડોદરામાં મેયરના સામે અનેક કાર્યકરો અને હોદ્દેદારોમાં નારાજગી છે અને તેની ફરિયાદ પ્રદેશ પ્રમુખ પાટીલને પણ કરાઇ છે ત્યારે જાહેરમાં પાટીલે કાર્યકરો નો અવાજ બની તેમની લાગણી ઓ રજૂ કરતા અનેક કાર્યકરો રાજીના રેડ થઈ ગયા હતા જોકે આની પાછળ ભાજપનું આંતરિક રાજકારણ અને જૂથવાદ પણ સામે આવ્યું હતું.
કડક શબ્દોમાં સાફવાત કરાઇ,મેયર મીટીંગો બંધ કરો..કામગીરી કરો..!!
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે આજે વડોદરા ના મેયર કેયૂર રોકડિયાની નબળી કામગીરી સામે જાહેરમાં ટકોર કરી હતી અને મેયરને સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે મીટીંગો બંધ કરી કામગીરી પર ધ્યાન આપો ખાસ કરીને રખડતા ઢોરો મુદ્દે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે વડોદરાને રખડતા ઢોરો થી મુક્ત કરવા જણાવ્યું હતું અને મીટીંગો નહીં પણ કામગીરી બતાવો તેવો નિર્દેશ કર્યો હોય તેમ આવનાર ૧૦ દિવસ ની અંદર સુરત જેવી કામગીરી કરવા ટકોર કરી હતી
વડોદરાના મેયર યુવા પણ કામગીરી નબળી…!!
વડોદરાની મુલાકાતે આવેલ સીઆર પાટીલે વડોદરાના મેયર ની કામગીરી સામે જાહેરમાં અનેક સવાલો ઉઠાવ્યા હતા પાટીલે મેયર કેયુરભાઈ તમે યુવા મેયર છો એટલે સારી અને ઝડપથી કામગીરી કરશો તેવી અપેક્ષાઓ છે પરંતુ તમારી કામગીરી નબળી છે એવા ઉલ્લેખ સાથે કડક ભાષામાં ટિપ્પણી કરી હતી