વલસાડ: (Valsad) કપરાડા તાલુકાના પીપલસેત ગામના વિદ્યાર્થીનું (Studant) નાંધઇ ભૈરવી ગુપ્તેશ્વર હાઈસ્કૂલમાં (High School) થયેલા શંકાસ્પદ મૃત્યુ અંગે આદિવાસી આગેવાનો (Tribal leaders) અને સંગઠન દ્વારા ગત અઠવાડિયે કપરાડા મામલતદારને આવેદનપત્ર પાઠવી 7 દિવસમાં પીએમ રિપોર્ટ આપવાની અને કાર્યવાહીની માંગ કરી હતી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કપરાડા બંધનું એલાન આપ્યું હતું. જે બાદ સોમવારે તાલુકા મથક કપરાડા સંપૂર્ણ બંધ રહ્યું હતું. મેડિકલ શોપને છોડીને તમામ દુકાનો, હોટલો, શો રૂમો, વ્યાપારિક સંસ્થાઓ પણ બંધમાં જોડાયા હતા. ઉપરાંત સુથારપાડા સહિત અંતરિયાળ વિસ્તારના ગામોએ પણ બંધને સમર્થન આપ્યું હતું. જોકે આશ્રયજનક રીતે નાનાપોંઢા અને મોટાપોંઢા બંધમાં જોડાયા ન હતા.
- સુથારપડા સહિતના ગામડાઓમાં પણ સજ્જડ બંધ પળાયો: મેડિકલ શોપને છોડીને તમામ દુકાનો, હોટલો, શો રૂમો, વ્યાપારિક સંસ્થાઓ પણ બંધમાં જોડાયા
- પીપલસેત ગામના વિદ્યાર્થીનું નાંધઇ ભૈરવી ગુપ્તેશ્વર હાઈસ્કૂલમાં શંકાસ્પદ મોત થયું હતું, આદિવાસી સંગઠને ન્યાયિક તપાસ કરવા અને જવાબદારો સામે પગલા ભરવા માંગ કરી હતી
- કપરાડા મામલતદારને આવેદનપત્ર પાઠવી 7 દિવસમાં પીએમ રિપોર્ટ આપવાની અને કાર્યવાહીની માંગ કરી હતી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે કપરાડા બંધનું એલાન આપ્યું હતું
સૂત્રોના જણાવ્યા મુજબ ખેરગામના નાંધઇ ભૈરવીની ગુપ્તેશ્વર હાઈસ્કૂલમાં આદિવાસી વિદ્યાર્થી અને પીપલસેત તા.કપરાડાના વતની વિજય ગણેશ ભડાંગીનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. જેની ન્યાયિક તપાસ કરવા અને જવાબદારો સામે પગલાં ભરવાની માંગ સાથે આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપી અગાઉ કપરાડા મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. જે સંદર્ભે સોમવારે કપરાડા બંધનું એલાન આપ્યું હતું. જે મુજબ વહેલી સવારથી સાંજ સુધી કપરાડા, સુથારપડા સહિત ગ્રામ્ય વિસ્તારો પણ બંધમાં જોડાયા હતા. જોકે નાનાપોંઢા અને મોટાપોંઢાના બજારો ખુલ્લા રહ્યા હતા. મુખ્ય મથક કપરાડાના બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા. કપરાડા પોલીસે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.
મારા દીકરાના મોતની તપાસ આવશ્યક છે: પિતાની વેદના
કપરાડા ખાતે ઉપસ્થિત મૃતક વિદ્યાર્થીના પિતા ગણેશભાઈ ભદાગીએ જણાવ્યું કે મારા દીકરાના મોતની તપાસ આવશ્યક છે. તમામ આદિવાસી સંગઠનોએ દીકરાને ન્યાય અપાવવા આગળ આવ્યા છે. જો સાચું કારણ બહાર ન આવશે અને જવાબદારો સામે કાર્યવાહી ન થશે તો અન્ય કાર્યક્રમો પણ કરીશું.