સામાન્ય રીતે સપ્ટેમ્બરના (September) અંત સુધીમાં ચોમાસું (Monsoon) વિદાય લેતું હોય છે અને ઓક્ટોબર (October) મહિનાથી શિયાળો (Winter) શરૂ થતો હોય છે, પરંત આ વર્ષે ઓક્ટોબર સમાપ્ત થવા આવ્યો હોવા છતાં હજુ સુધી દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. દેશના ઉત્તરીય રાજ્ય ઉત્તરાખંડમાં (Uttarakhand Flood) તો છેલ્લાં 3 દિવસથી આકાશી આફતે તારાજી સર્જી છે.હાલમાં દેશના કેરળ, દિલ્હી, મધ્યપ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તરાખંડમાં ભારે નુકસાન થયું છે. અહીં 3 દિવસમાં 47 લોકોના મોત થયા છે, જ્યારે 11 ગૂમ થયા છે. આ જ હાલત દક્ષિણના રાજ્ય કેરળની (Keral) પણ છે. ઓક્ટોબરમાં ભારે વરસાદ પાછળ શું છે કારણ, ચાલો જાણીએ.
શા માટે ઓક્ટોબર મહિનામાં વરસાદ વરસી રહ્યો છે, તે સવાલનો જવાબ આપતા વૈજ્ઞાનિકો કહે છે કે ઉત્તરથી માંડીને દક્ષિણ સુધી દેશમાં પડતા વરસાદ માટે લો પ્રેશર જવાબદાર છે. આ વર્ષે ચોમાસામાં વરસાદ મોડો પડ્યો છે, જેના લીધે અનેક ઠેકાણે લો પ્રેશર સર્જાયા છે. આ લો પ્રેશરના કારણે હજુ પણ દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે.
વૈજ્ઞાનિકો દ્વારા બીજું એક એવું કારણ રજૂ કરવામાં આવી રહ્યું છે કે, બંગાળની ખાડી અને અરબ સાગરમાં એક સાથે બે લો પ્રેશર ઉભા થયા છે, જેના લીધે વરસાદ વધુ પડી રહ્યો છે. IMD ના જણાવ્યા અનુસાર દક્ષિણી પશ્ચિમ મોનસૂનના આવવામાં મોડું થવાના કારણે ઓરિસ્સા, ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. આ વર્ષે ઉત્તર પૂર્વીય મોનસૂન પરત થવાની શરૂઆત 25 ઓક્ટોબરથી થશે. ત્યાર બાદ જ વરસાદ શાંત પડશે અને ઠંડા પવનો ફૂંકાવા માંડશે.
લો પ્રેશરના લીધે કેરળમાં ભારે વરસાદની સ્થિતિ નબળી પડી રહી છે. ઉત્તર ભારતમાં હજુ વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર પશ્ચિમી ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલમાં સારો વરસાદ વરસી શકે છે. આ તમામ વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
નોંધનીય છે કે, ભારતમાં સામાન્ય રીતે ઓક્ટોબરમાં ચોમાસું વિદાય લે છે. આ સમયે દક્ષિણ પશ્ચિમી વરસાદ પડે છે. ઉત્તરના કેટલાંક વિસ્તારોમાં બરફવર્ષા થાય છે. આ મહિનામાં ઉત્તર તરફથી હિમાલયના ઠંડા પવનો દેશભરમાં ફૂંકાવા માંડે છે. આ સાથે જ શિયાળો બેસી જાય છે.