હાલમાં જ એક નાના પણ ગુજરાતને આનંદ અને ગૌરવ અપાવે તેવા સમાચાર વાંચવા મળ્યા. રાજકરણ વિશે લોકોની વર્ષો જૂની માન્યતાઓ અને ધારણાઓનો છેદ ઉડાવનારા સમાચાર વ્યક્તિ વિશેષ નહિ પણ ગુણવિશેષ! અને તે છે ગુજરાતના ભોળા સી. એમ. અંગેના. ગુજરાતનું આખું મંત્રીમંડળ બદલાયુ ત્યારે નવા સી. એમ. અંગે અનેક અટકળો, અફવાઓ અને નામો મિડિયામાં ચર્ચાતા હતા, ત્યારે આ બધાની પેલે પાર સૌને આંચકો આપનારું નામ જાહેર થયું અને ઈજારાશાહીની ચેઈન તૂટી. એક નામની પસંદગી થઈ જે ભોળા , પ્રમાણિક, પાર્ટીના સાયલન્ટ વર્કર , ગ્રાસરૂટ લેવલથી કામ કરતા કર્મનિષ્ઠની. છેદ ઉડ્યો પૈસાનો, વગનો, લોબિંગ નો, કાવાદાવા, પ્રપંચ અને પ્રસિદ્ધિનો. સંસ્કારી, સેવાભાવી, ટેકનોલોજીના જાણકાર ‘દાદા ‘નાં ગુણોનો મા. વડાપ્રધાનશ્રીએ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો છે .
મા. શ્રી પાટીલે એમને ભોળાનું બિરૂદ આપ્યું. કાજલ ઓઝા વૈદ્યએ એમના વકતવ્યમાં કહ્યું છે કે “ બેડમિન્ટન ને પણ ગુડમિન્ટન કહે એટલા ભલા વ્યકિત છે. “ સૌને વહાલા, સૌની વાત અને લાગણીઓ સમજતાં ‘દાદા’-શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાતનાં સી. એમ તરીકે પસંદ થયાં એ તમામ ગુજરાતીઓ માટે ગૌરવવાન પ્રસંગ છે. તેઓ મુખ્ય મંત્રી બન્યા છે તેમના પ્રચંડ પુરુષાર્થથી, નેતૃત્વ કળાની પારંગતતાથી , હકારાત્મક અભિગમ અને કર્તવ્ય નિષ્ઠાથી. હવે રાજકીય ઈજારો ધરાવતાં પાર્ટી કાર્યકરો સમજી જ શકશે કે નીતિ બદલાઈ છે. પાવર, પૈસા અને પ્રસિધ્ધિથી ટીકીટ મેળવી નહિ શકાય! કેટલાક “ સાયલન્ટ કીલરો સમસમી ગયા હશે કે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં “સાયલન્ટ વર્કર “, કાર્યશીલ અને પ્રજાના સાચા નેતાઓની બોલબાલા રહેશે .હવે ઈજારાશાહીને રામ રામ જ સમજો !
સુરત – અરૂણ પંડયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.