Madhya Gujarat

બોરસદમાંથી દાણમાં છુપાવેલો 3.99 લાખનો વિદેશી દારૂ ઝબ્બે

આણંદ : આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ શનિવારની મોડી રાત્રે પેટ્રોલીંગ દરમિયાન બોરસદના બોદાલ ગામે બસ સ્ટેન્ડ પાસે એક આયસર રોકી હતી. આ આયસરમાં દાણ અને ચણાના ફોતરાની ગુણ નીચે છુપાવેલો વિદેશી દારૂનો મસમોટો જથ્થો પકડી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં જ આશરે એક હજાર વિદેશી દારૂ અને બિયરની બોટલ મળી આવી હતી. આથી, પોલીસે ચાલકની અટક કરી કુલ 10.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ શનિવારની રાત્રે પેટ્રોલીંગ પર હતી. આ દરમિયાન બોરસદ પાસે પહોંચતા બાતમી મળી હતી કે એક આયસરમાં વિદેશી દારૂ ભરીને જઇ રહ્યો હતો. આથી, બોરસદના બોદાલ પાસે વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી હતી.

આ દરમિયાન વ્હેલી સવારના સુમારે શંકાસ્પદ આયસર આવતા તેને રોકી હતી. જેમાં તપાસ કરતાં પ્રથમ દાણ અને ચણાના ફોતરા ભરેલી ગુણ મળી આવી હતી. જોકે, શંકા આધારે આયસરના પાછળના ભાગે દોરડાથી બાંધેલી તાડપત્રી હટાવી કોથળા ખસેડી જોતા વિદેશી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો. આથી, પોલીસે તુરંત આયસરના ચાલક સંગરામ રતનભાઈ ભાભોર (ઉ.વ.25, રહે. મોટી ખરજ, તા. જિ. દાહોદ)ની અટક કરી પુછપરછ હાથ ધરી હતી.

પ્રાથમિક પુછપરછમાં આયસરમાં ભરેલો વિદેશી દારૂ મનીષ નામના શખસે આપ્યો હોવાનું કબુલ્યું હતું. આથી, પોલીસે આયસરને બોરસદ પોલીસ મથકે લઇ જઇ તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ અને બિયરની બોટલ કિંમત રૂ.3.30 લાખ, આયસર કિંમત રૂ.6 લાખ ઉપરાંત મોબાઇલ, રોકડ મળી કુલ રૂ.10.13 લાખનો મુદ્દામાલ કબજે કરી સંગરામ રતન ભાભોર અને મનીષ નામના શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ દારૂ કોને આપવાનો હતો ? ક્યાં પહોંચાડવાનો હતો ? વિગેરે બાબતે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top