યુસુફ પટેલ, હાજી મસ્તાન, સુકર નારાયણ બખિયા અને વર્દરાજન મુદલિયાર જેવા દાણચોરોનો મુખ્ય ધંધો સોનાની દાણચોરીનો હતો. દાઉદ ઇબ્રાહિમે પણ પોતાની કારકિર્દીનો પ્રારંભ સોનાની દાણચોરીથી કર્યો હતો. કેન્દ્ર સરકારે સોના ઉપરની કસ્ટમ ડ્યૂટી નહિવત્ કરી નાંખી તેને કારણે સોનાની દાણચોરી એકદમ ઘટી ગઇ એટલે દાઉદ વગેરે દાણચોરો ડ્રગ્સ, હવાલા અને ખંડણીના ધંધામાં પડ્યા હતા. હવે કેન્દ્ર સરકારે કરન્ટ એકાઉન્ટ ડિફિસીટ ઘટાડવા માટે સોનાની આયાત ઉપર આકરા નિયંત્રણો લાદ્યા છે અને કસ્ટમ ડ્યૂટી વધારીને આઠ ટકા કરી નાંખી છે ત્યારે દાણચોરોને સોનામાં ફરીથી સ્વર્ગના દર્શન થઇ રહ્યા છે અને તેઓ અવનવા તરીકાઓ શોધી રહ્યા છે. મુંબઈના એર પોર્ટ પર દાણચોરીનું સોનું પકડાવાનું પ્રમાણ વધી ગયેલું જોવા મળે છે.
જૂના જમાનાના દાણચોરો અને તેમના કેરિયરો બૂટની બખોલમાં કે ચોરખિસ્સાંમાં સોનાની લગડીઓ છૂપાવીને લાવતા હતા. મેંગલોર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહેરો ભરી રહેલા ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સના ઓફિસરોએ તાજેતરમાં દુબઇથી આવેલાં એક મુસ્લિમ યુગલની ઉલટતપાસ કરી તો સ્ત્રીના બ્રા અને નિકરમાં છૂપાવવામાં આવેલું બે કિલોગ્રામ સોનું પકડી પાડ્યું હતું. આ સોનું બિસ્કિટ અને ચેઇનના રૂપમાં લાવવામાં આવ્યું હતું.
કોલકાત્તાના નેતાજી સુભાષચન્દ્ર બોઝ એરપોર્ટ ઉપરથી એક ઇસમના શરીરની જડતી લેવામાં આવી તો તેણે પોતાના પેટમાં છૂપાવેલી સોનાની લગડીઓ મળી આવી હતી. દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી જપ્ત કરવામાં આવેલા પાર્સલમાં સોનાની પીનો લગાવીને તેને સ્ટીલનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. મુંબઇના છત્રપતિ શિવાજી એરપોર્ટ ઉપરથી પકડાયેલા સોનાના દાણચોર અબ્દુલ રહેમાને કબૂલ કર્યું હતું કે આ તેની ૧૩મી ટ્રીપ હતી. દરેક ટ્રિપમાં પોતાના શરીરમાં સોનું છૂપાડીને લાવવા માટે તેને ૫૦૦ ડોલર (આશરે ૩૬,૦૦૦ રૂપિયા) નું મહેનતાણું મળતું હતું.
કેન્દ્ર સરકારે સોના ઉપરની આયાત જકાત વધારી તે પછી સત્તાવાર રીતે સોનાની આયાતમાં ૮૦ ટકાનું જબરદસ્ત ગાબડું પડી ગયું હતું. ઇ.સ.૨૦૨૧ ના મે મહિનામાં દેશમાં ૧૬૦ ટન સોનાની આયાત થઇ હતી. જૂન મહિનામાં સત્તાવાર આયાત ઘટીને ૩૧ ટનની થઇ ગઇ હતી. તેનો અર્થ એવો કરી શકાય કે બાકીના ૧૨૯ ટન સોનાની દાણચોરી કરવામાં આવી હતી. આ પૈકી કસ્ટમ ઓફિસરો દ્વારા છેલ્લા બે મહિનામાં જુદા જુદા એરપોર્ટ અને બંદરો ઉપરથી ૫૦૦ કિલોગ્રામ સોનાના ૧૫૦ પાર્સલો જપ્ત કરવામાં આવ્યા છે. હકીકતમાં દેશમાં જેટલું સોનું દાણચોરીથી ઘૂસાડવામાં આવે છે તેમાંનું માંડ એક ટકા જ પકડાય છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ પ્રમાણે ગયાં વર્ષે આપણા દેશમાં ૧૦૨ ટન અથવા ૧૦ ટકા સોનું દાણચોરીથી ઘૂસાડવામાં આવ્યું હતું. પીળી ધાતુ પરની આયાત જકાત વધવાને કારણે આ વર્ષે કદાચ ૫૦૦ ટન સોનું દેશમાં દાણચોરીથી ઘૂસાડવામાં આવશે.
ભારતમાં દાણચોરીથી જેટલું સોનું આવે છે તેમાંનું મોટા ભાગનું દુબઇના રસ્તે આવે છે. મુંબઇ અને દુબઇમાં એક કિલોગ્રામ સોનાના ભાવ વચ્ચે આશરે એક લાખ રૂપિયાનો ફરક છે. જો કોઇ વ્યક્તિ દુબઇથી એક કિલોગ્રામ સોનું લાવીને સ્મગલરના એજન્ટને સોંપી દે તો તેને ૫૦,૦૦૦ રૂપિયા રોકડા મળી જાય છે. જો આ કેરિયર મુંબઇથી રોકડા રૂપિયા લઇને દુબઇ જાય તો તેની કમાણી બમણી થઇ જાય છે. મુંબઇ, દુબઇ અને કરાચીમાં બેઠેલા દાણચોરોએ ભારતમાં ગેરકાયદે સોનું ઘૂસાડવા માટે અનેક ભાડૂતી કેરિયરોને કામે લગાવ્યા છે. સોનાની દાણચોરી કરતાં માફિયાઓના ધંધાનો હિસાબ પણ સમજવા જેવો છે.
હાલના ભાવે દુબઇમાં પાંચ કિલોગ્રામ સોનું ૨.૪૪ કરોડ રૂપિયામાં પડે છે. આ સોનું ભારતમાં ઘૂસાડવાનો ખર્ચ આશરે બે લાખ રૂપિયા આવે છે. તેમાં કેરિયરની ફી, વિમાનની ટિકિટ, હોટેલનો ખર્ચ અને હવાલા દ્વારા રૂપિયા દુબઇ મોકલવાના ખર્ચનો પણ સમાવેશ થઇ જાય છે. આ સોનું મુંબઇમાં ૨.૫૧ કરોડ રૂપિયામાં વેચાઇ જાય છે. આ રીતે માફિયા સરદારને એક ટ્રિપના પાંચ લાખ રૂપિયા મળે છે. આ રીતે એક ટ્રિપ પાછળ આશરે ચાર દિવસનો સમય લાગે છે. મહિનામાં સાત અને વર્ષમાં ૮૪ ટ્રિપ મારી શકાય છે. આ હિસાબે ૨.૫૦ કરોડના રોકાણ ઉપર વર્ષે ૪.૨ કરોડ રૂપિયાનો નફો થાય છે. આ ધંધામાં રહેલી અઢળક કમાણી જોતાં આગામી વર્ષોમાં સોનાની દાણચોરી વધ્યા જ કરવાની છે. સોનાની આયાત ઉપર નિયંત્રણો મૂકવા પાછળ સરકારની સારી ભાવના છતાં તેનો લાભ દાણચોરોને જ થવાનો છે. સોનાની દાણચોરી જેમ વધશે તેમ માફિયા ડોનની તાકાત પણ વધવાની છે.
ભારતમાં દાણચોરીથી સોનાની આયાત કરવા માટે નેપાળ અને બાંગ્લા દેશના રસ્તાઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચીનથી દરરોજનું ૪૦ કિલોગ્રામ સોનું નેપાળ મોકલવામાં આવે છે, જેમાંનું મોટા ભાગનું સોનું દાણચોરીથી ભારતમાં ઘૂસાડવામાં આવે છે. બાંગ્લા દેશમાં સોનાનો નહિવત્ વપરાશ છે. તો પણ બાંગ્લા દેશમાં ચીનથી મોટા પાયે સોનાની આયાત કરવામાં આવે છે. તેમાંનું મોટા ભાગનું સોનું ભારતમાં ઘૂસાડવામાં આવે છે. તાજેતરમાં ઢાકાની પોલીસે સિંગાપોરથી આવેલી ફ્લાઇટમાં આવેલા એક ઉતારુ પાસેથી ૨૫.૩ કિલોગ્રામ સોનાનાં બિસ્કિટ પકડી પાડ્યા હતા. આ બિસ્કિટ ભારતમાં ઘૂસાડવા માટે મંગાવવામાં આવ્યા હતા. નેપાળની પોલીસે ચીનની સરહદ ઉપરથી ૩૫ કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું, જે ભારતમાં ઘૂસાડવાનું હતું.
દાણચોરો દ્વારા અગાઉ સોનું લાવવા માટે ભારતના નાગરિકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે તેઓ આ કામ માટે વિદેશી નાગરિકોને કામે લગાવે છે. એપ્રિલ મહિનામાં મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસ ઉપર કેરોની યુનિવર્સિટીમાં ભણતા ૨૨ વર્ષના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીએ તેના જીન્સ પેન્ટનાં વિવિધ ખાનાંઓમાં ૩.૫ કરોડ રૂપિયાનું સોનું છૂપાવ્યું હતું. બીજા એક કિસ્સામાં શ્રીલંકાના એક નાગરિકની ૧૫ લાખ રૂપિયાના સોનાના બિસ્કિટ સાથે ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લાં એક વર્ષમાં ભારતના વિવિધ એર પોર્ટ ઉપરથી નવ વિદેશી નાગરિકોની ધરપકડ સોનાની દાણચોરીના ગુના માટે કરવામાં આવી હતી. છેલ્લા એક દાયકામાં સોનાના ભાવોમાં જે ઉછાળો આવ્યો તે ખરેખરા વપરાશકારોને કારણે નહોતો, પણ સટોડિયાઓને કારણે હતો.
દુનિયાભરના શેરબજારોમાં મંદી આવતા સટોડિયાઓએ શેરોમાંથી પૈસા કાઢીને સોનામાં અને ખનિજ તેલમાં લગાવ્યા હતા. ઇ.સ.૨૦૧૦ અને ૨૦૧૧ દરમિયાન રોકાણકારોએ સોના સાથે જોડાયેલી સિક્યોરિટીઝમાં ૨૬ અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. તેમની ધારણા એવી હતી કે યુરોઝોનની કટોકટી ઘેરી બનશે તો સોનાના ભાવો આસમાનમાં ઉડવા લાગશે. આવું કોઇ ન બન્યું એટલે સટોડિયાઓ સોનામાંથી બહાર નીકળવા લાગ્યા હતા. તાજેતરમાં શેર બજારમાં ભભૂકતી તેજીને કારણે રોકાણકારો સોનું વેચીને શેરો ખરીદી રહ્યા છે, માટે સોનાના ભાવો ઘટતા દેખાય છે. જો શેર બજારના ફુગ્ગામાંથી હવા નીકળી જશે તો રોકાણકારો પાછા સોના તરફ વળશે. સોનામાં કરેલું રોકાણ લાંબા ગાળે ફાયદાકારક રહેવાની સંભાવના છે.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે