National

બુલેટ ટ્રેનને લઈને આવ્યા મોટા સમાચાર, હવે આ રૂટ પર પણ દોડાવવા જાહેરાત: ગુજરાતીઓને થશે મોટો ફાયદો

બુલેટ ટ્રેનને (Bullet Train) લઈને મોટા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે એક મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાનના આ ડ્રીમ પ્રોજેક્ટ માટે નવા રૂટની ઘોષણા કરવામાં આવી છે. અમદાવાદ-મુંબઈ બાદ હવે અમદાવાદ-દિલ્હી (Ahmedabad-Delhi Route Announce) વચ્ચે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.

અમદાવાદ અને દિલ્હી વચ્ચે બુલેટ ટ્રેન માટે 886 કિલોમીટર રેલવે લાઈન નાંખવાનું આયોજન છે. આ લાઈન આગામી 4 વર્ષમાં નાંખી દેવાની તૈયારીઓ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. અમદાવાદ-દિલ્હી વચ્ચે 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. અમદાવાદ અને દિલ્હી વચ્ચે આ બુલેટ ટ્રેન માત્ર 15 સ્ટેશન પર જ ઉભી રહેશે. જેમાં ગુજરાતમાં 3 સ્ટેશનો હશે.

હાલમાં બુલેટ ટ્રેન માટે સરકારી એજન્સીઓ દ્વારા સરવેની કામગીરી કરવામાં આવી રહી છે. આ સરવે અત્યાધુનિક પદ્ધતિથી કરવામાં આવી રહ્યો છે. હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી સરકારી એજન્સીઓ સરવે કરી રહી છે. અમદાવાદથી દિલ્હી વચ્ચેની બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થશે. આ ચારેય જિલ્લામાં જમીન સંપાદન માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી કંપનીઓને સરવેની કામગીરી સોંપવામાં આવી છે.

અરવલ્લીના ભિલોડા સહિતના વિસ્તારોમાં હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા સરવેની કામગીરી શરૂ પણ કરી દેવાઈ છે. આ ઉપરાંત ચાર જિલ્લાના 70 ગામમાંથી બુલેટ ટ્રેનની લાઈન નીકળશે. ચારેય જિલ્લામાં 132.68 કિલોમીટરની રેલવે લાઈન નાંખવામાં આવશે. જોકે, બુલેટ ટ્રેન માટે સરવે શરૂ થાય તે પહેલાં જ જમીનના મામલે ખેડૂતોમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે. આગામી દિવસોમાં આ મુદ્દે સરકાર અને ખેડૂતો આમનેસામને થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.

નોંધનીય છે કે, હાલમાં અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરતથી બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનની પહેલો ટ્રાયલ રન કરવાની જાહેરાત પણ સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. અમદાવાદ મુંબઈ બાદ જો અમદાવાદ દિલ્હી વચ્ચે બુલેટ ટ્રેનનો રૂટ સાકાર થશે તો દિલ્હીથી મુંબઈ વચ્ચેની મુસાફરીના કલાકોમાં ઘટાડો થશે. દેશની રાજધાની અને આર્થિક રાજધાની વચ્ચેનું અંતર ઘટશે. બંને રૂટ પરની બુલેટ ટ્રેન માટે અમદાવાદ એપીસેન્ટર બની જશે. જેથી ગુજરાતને મોટો ફાયદો થશે.

Most Popular

To Top