વડોદરા : દોઢ વર્ષ સુધી કોરોના લોકડાઉનનો માર ત્યારબાદ પેટ્રોલ-ડીઝલ અને હવે સીએનજી ગેસના ભાવમાં વધારો કરતા રોજે રોજ કમાઈને પેટિયું રળતા વ્યવસાયકારોની કફોડી હાલત થવા પામી છે.ત્યારે વડોદરાના શ્રમજીવી રિક્ષાચાલકોને ગુજરાન ચલાવવું મુશ્કેલરૂપ બનતા વડોદરા ઓટોરિક્ષા પ્રગતિ ઇન્ડિયન દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી સીએનજી ગેસનો ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી.
આઈટુક સંચાલિત વડોદરા ઓટો રીક્ષા પ્રગતિ યુનિયન દ્વારા સીએનજી ગેસમાં થયેલ ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી સાથે વડોદરા શહેરના હોદ્દેદારો તેમજ રિક્ષાચાલકોએ એકત્ર થઈ જિલ્લા કલેકટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.રજુઆત કરતા તેઓએ જણાવ્યું હતું કે સરકાર કહે છે કે ગરીબોની સરકાર છે.પરંતુ તાજેતરની અંદર સીએનજી ગેસનો ભાવ વધારો તેમજ રાંધણગેસ એલપીજીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.
આ મોંઘવારીમાં ભાવ વધારો પોસાય તેમ નથી.જેથી રિક્ષાચાલકો માટેના ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા આશરે પાંચ વર્ષ પહેલા રેટ રીવાઈઝ કરવામાં આવ્યા હતા.ત્યાર પછી પેટ્રોલ અને સીએનજી તથા એલપીજીમાં મોટો ભાવ વધારો અત્યાર સુધી થઇ ગયો છે.તેથી વહેલામાં વહેલી તકે રિક્ષાચાલકો માટેના ભાડાના રેટ યોગ્ય રીતે રિવાઇઝ કરી રાહત આપવા અમારી માંગ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી વડોદરા શહેરની અંદર કોરોનાની મહામારી દરમિયાન લોકડાઉન નાખી અને કર્ફ્યુનો અમલ શરૂ કરાયો હતો.જેથી શહેરના શ્રમજીવી રિક્ષાચાલકોની રોજીરોટી બિલકુલ બંધ થઇ ગઇ હતી.જ્યારે તેઓને કોઈ પણ જાતની આવક મળતી ન હોવાથી પોતાનું ગુજરાત કેવી રીતે ચલાવવું તેવી ભીતિ સેવાઇ રહી હતી.
વડોદરા કલેકટરને અગાઉ રિક્ષાચાલકોને સહાય મળે તે માટે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.પરંતુ આજદિન સુધી રિક્ષાચાલકોને સરકાર તરફથી કોઈપણ પ્રકારની સહાય આપવામાં આવી નથી. તેવામાં માંડ માંડ શહેરનું જનજીવન શરૂ થયું છે.શ્રમજીવી રિક્ષાચાલકો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.અને તેમાં પડતામાં પાટુ મારી તાજેતરની સરકારે સીએનજી ગેસ નો ભાવ વધારો કર્યો છે.જેની સામે અમારો સખત વિરોધ છે તેમ જણાવ્યું હતું.