Charchapatra

ગાયન, વાદન અને નૃત્ય

વિવિધ કળાઓમાંની મુખ્ય ત્રણ વધારે પ્રચલિત કળાઓ ગાયન, વાદન અને નર્તન (અથવા નૃત્ય) છે અને સામાન્ય રીતે આ કળાઓનાં કલાકારોનું માન અથવા કહો કે પ્રભાવ પણ ઉપર લખવામાં આવેલા ક્રમાનુસાર જ કળાજગત અને સમાજમાં રહેતો આવ્યો છે. પણ જો વિચારીએ કે આ બધામાં કઈ કળા સ્વતંત્ર રીતે વ્યક્ત થઈ શકે અને કઈ કળાની અભિવ્યક્તિ માટે બીજી કળાનો સાથ લેવો અનિવાર્ય છે. તો જરૂર કહેવું જોઈએ, કે ગાયન વાદક કળાકારોના સાથ વગર મંચ પર અથવા શ્રાવ્ય માધ્યમ પરથી વ્યક્ત થવું અશક્ય છે.

કંઈ નહીં તો તાનપૂરો (અથવા હાલના ચલણ મુજબ વિજાણુ તાનપુરો) અને વાદનમાં પણ તાલ વાદ્યોનો ઉપયોગ અનિવાર્ય છે, પછી તે ભારતીય શાસ્ત્રીય કંઠ્ય ગાન હોય કે પાશ્ચાત્ય ગાન હોય કે પછી ફિલ્મી ગાનમાં વાદ્ય સંગીતથી તૈયાર થયેલો કરાઓકે ટ્રેક હોય. વાદ્ય સંગીતમાં પણ સામાન્ય રીતે તાલ વાદ્યો અને વાદકો અન્ય વાદ્યોની સરખામણીમાં થોડા ઉતરતા ક્રમે ગણવાનું પ્રચલન છે કારણ કે તાલ વાદ્યો સ્વતંત્ર આઇટમ લગભગ નથી આપી શકતા.

હા પ્રસિદ્ધ તબલાવાદક અલ્લારખા, જેમણે એ આર કુરેશી નામથી કેટલીક ફિલ્મોમાં સંગીત પણ આપ્યું છે, તેમની જાણીતી ગ્રામોફોન કંપનીએ ઇન્ડિયન ડ્રમ્સ નામની લોંગ પ્લે રેકોર્ડ બહાર પડી હતી અને તાલ વાદ્યો સિવાયનાં વાદ્યોનાં કળાકારો તાલવાદકોના અનિવાર્ય સાથ વડે જ પોતાની રચના રજૂ કરતા હોય છે  પછી તે ગીતની ધૂન હોય કે સ્વતંત્ર ધૂન હોય. હવે નર્તન કળાની વાત કરીએ તો તેમાં ખાસ કરીને દક્ષિણ ભારતીય નૃત્ય શૈલીમાં ગાયનનો સાથ અનિવાર્ય મનાયો છે પણ સાથે કોઈ પણ નૃત્યમાં તાલ વાદ્યો સહિત અન્ય ઓછામાં ઓછું એક મુખ્ય વાદ્યની અનિવાર્યતા હોય જ છે. આકાશવાણીની વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા અને તેના સુરત સહિત સ્થાનીય કેન્દ્રો શાસ્ત્રીય અને ફિલ્મ સંગીતનાં વાદક કલાકારોનાં પ્રદાનને તેમનાં વિષે પોતાનાં પ્રવક્તાઓ દ્વારા અને આવા કલાકારોની રેડિયો મુલાકાતો દ્વારા સુંદર માહિતી પીરસતા રહ્યા છે.
સુરત     – પિયુષ મહેતા     – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top