યુપીમાં ભાજપની સરકાર બની અને તેના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની વરણી થયા બાદ યોગી આદિત્યનાથ દ્વારા પ્રદેશમાં ભારે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. યોગીના રાજમાં અનેક એન્કાઉન્ટર થયા અને સાથે સાથે જોહુકમી પણ કરવામાં આવી. યોગીના આવા વલણને કારણે તેનો ભારે વિરોધ પણ થઈ રહ્યો હતો. યોગી દ્વારા કોમવાદી વલણ અપનાવવામાં આવતું હોવાના આક્ષેપો પણ થયા હતા પરંતુ દરેક વખતે યોગી આ આક્ષેપોમાંથી બહાર આવી જતાં હતા પરંતુ આ વખતે લખીમપુરમાં થયેલી ખેડૂતોની હિંસાના મામલે યોગી સરકાર ભેરવાઈ ગઈ છે. રવિવારે થયેલી હિંસાની ઘટનામાં યોગી સરકાર પર વિપક્ષો દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ યોગી સરકારની ઝાટકણી કાઢી હતી અને છેક એવું કહી દીધું હતું કે હત્યાના આરોપી (કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર)ની ધરપકડ નહીં કરીને તમે શું સંદેશો આપવા માંગો છો?
દેશમાં રાજકીય રીતે ભારે ગરમાટો લાવી દેનારી યુપીના લખીમપૂરની ઘટનામાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્રએ નિર્દોષ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર બેફામ કાર હંકારી દીધી હતી. ખેડૂતો દ્વારા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના જૂના વિવાદી નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને તેના માટે કાળા ઝંડા બતાવવામાં આવી રહ્યા હતા. આ સમયે તેમની પર જીપ ચડાવી દેવામાં આવી હતી. અને તેમાં ચાર ખેડૂતોના મોત થયા હતા. આ ઘટના બાદ ફાટી નીકળેલી હિંસામાં ખેડૂતોએ એક ડ્રાઈવર સહિત ચાર લોકોને ઢોર માર મારીને મારી નાંખ્યા હતા.
હિંસામાં એક પત્રકાર પણ માર્યો ગયો હતો. આ ઘટનામાં ચાર-ચાર ખેડૂતોના મોત થવાને કારણે આખો મામલો રાજકીય બની ગયો હતો. કોંગ્રેસ સહિતના વિપક્ષોને યોગી સરકારને ભીંસમાં લેવાનો મોટો મુદ્દો મળી ગયો હતો અને યોગી સરકારે પણ શરૂઆતમાં કેન્દ્રીય મંત્રીના પુત્રને છાવરવાના પ્રયાસમાં વિપક્ષોને મુદ્દો સળગાવવાની તક આપી દીધી. યોગી સરકારે ઘટના બાબતે કેન્દ્રીય મંત્રીના પુત્ર સહિત 15 સામે હત્યા અને ફોજદારી ષડયંત્રનો ગુનો નોંધ્યો પરંતુ કેન્દ્રીય મંત્રીના પુત્રની ધરપકડ થઈ નહી હોવાથી વિપક્ષો દ્વારા યોગી સરકારના માથે માછલા ધોવામાં આવી રહ્યા છે.
યોગી સરકારે શરૂઆતમાં આખી ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસ અગ્રણી પ્રિયંકા ગાંધીને લખીમપૂર જતાં અટકાવવામાં આવ્યા. આને કારણે મુદ્દાને વધારે તૂલ મળ્યું. ઘટનાને પાંચ દિવસ પુરા થઈ જવા છતાં પણ યોગી સરકાર કેન્દ્રીય મંત્રીના પુત્રને પકડી શકી નથી અને તેને કારણે હવે તેણે સુપ્રીમ કોર્ટની ફટકાર પણ ખાવી પડી છે. સુપ્રીમ કોર્ટએ યુપી સરકારના વકીલ હરિશ સાલ્વેને એવું પુછી લીધું હતું કે. હત્યાનો કેસ નોંધાયા પછી પણ આરોપી (કેન્દ્રીય મંત્રીના પુત્ર આશિષ મિશ્રા)ની ધરપકડ કેમ કરવામાં આવી નથી? આવું કરીને તમે શું સંદેશ આપવા માંગો છો.
સુપ્રીમ કોર્ટએ ત્યાં સુધી પુછ્યું હતું કે, શું તમે દેશમાં કોઈ પણ અન્ય મર્ડર કેસના આરોપીને આ પ્રમાણેની ટ્રીટમેન્ટ આપો છો? સુપ્રીમ કોર્ટએ ત્યાં સુધી કહ્યું હતું કે, યુપી સરકારે લખીમપુર ખીરી કેસમાં જે પગલા લીધા છે તેનાથી તેમને સંતોષ નથી. યુપી સરકાર એ જણાવે કે કઈ એજન્સી દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટએ યુપીના ડીજીપીને પણ આદેશ આપ્યા હતા કે, નવી એજન્સીને તપાસ સોંપવામાં આવે ત્યાં સુધી પુરાવા સાથે ચેડાં ના થાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું. સુપ્રીમ કોર્ટએ જે ફટકાર યુપી સરકારને મારી છે તેમાં યુપી સરકારને એવું પણ પુછ્યું છે કે આ ઘટનામાં કેટલા ખેડૂત મરી ગયા છે? કેટલા રાજકિય લોકો અને પત્રકારના મોત થયા છે? કેટલા લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે અને કયા લોકોની ધરપકડ કરવામાં આવી છે? યુપી સરકારે આ સવાલોના જવાબ આપવાના છે,
ત્યાર પછી આ કેસની વધુ સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટની ફટકારને પગલે હવે યુપી સરકારના પગ નીચે રેલો આવી ગયા છે. યુપી સરકારે હવે કેન્દ્રીય મંત્રીના પુત્રને શોધવાની ફરજ પડી રહી છે. શરૂઆતના તબક્કામાં યુપી સરકારે કેન્દ્રીય મંત્રીના પુત્રને બચાવવાનો કરેલો પ્રયાસ હવે યોગી સરકારને ભારે પડી રહ્યો છે. રાહુલ અને પ્રિયંકા ગાંધીની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી બાદ હવે પંજાબના નવજોતસિંહ સિદ્ધુએ પણ યુપીમાં ખેડૂતોનો મોરચો લઈ જવાની જાહેરાત કરી છે. જેને કારણે આ મામલો આગામી દિવસોમાં મોટું સ્વરૂપ પકડશે તે નક્કી છે. યોગી સરકારના નામે અગાઉ અનેક વિવાદો થઈ ચૂક્યા છે ત્યારે હવે લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યાનો વિવાદ યુપી સરકારને આગામી ચૂંટણીમાં ભારે પડશે તેમાં કોઈ બેમત નથી.