કેટલાંકને કયારેક નિવૃત્તિ નથી હોતી, અમિતાભ બચ્ચન એમાનાં એક છે. તેના નિવૃત્ત ન થવાનું કારણ તેમની હજુ પણ ન થાકતી ટેલેન્ટ છે અને કામ કરતા રહેવાની જબરદસ્ત ઉર્જા છે. જયા, અભિષેક, ઐશ્વર્યા, આરાધ્યા સહિતના કુટુંબમાં કોઇ જેટલું એકટીવ ન હોય તેટલા અમિતાભ છે. અત્યારે ‘કૌન બનેગા કરોડપતિ’ની 13મી સીઝનમા તે લાંબા લાંબા ડગલા ભરતાં પ્રવેશે છે ને દરેકે દરેક કન્ટેસ્ટન્ટ જ નહીં, ત્યાં હાજર દરેકમાં નવી ઉર્જા ભરે છે. હોટસીટ પર હોય તેની સાથે પૂરા રસથી જીવનની વાતો કરે છે ને એક ગમે શોને ફેમિલી શોમાં ફેરવી નાંખે છે. ઇન્ડિયન ટી.વી. પર આટલી સીઝન ચાલેલો શો કોઇ નથી અને તેને જે લોકપ્રિયતા મળી છે તે કયારેય ઓછી નથી થઇ.
આ વખતની આખી સીઝન માટે તેને રૂા.350 કરોડ મળશે. 2021ના વર્ષની અમિતાભની નેટ વર્થ રૂા.2950 કરોડ છે. અભિનેતા તરીકે અમિતાભ જેટલી કમાણી આજ સુધીના કોઇ ભારતીય અભિનેતાએ નથી કરી. એક સમયે તે ફિલ્મ નિર્માણમાં જરૂર પડેલાપણ તે તો જૂની વાત થઇ ગઇ. સલમાન, આમીર, શાહરૂખ, અક્ષયકુમાર, અજય દેવગણ વગેરે સ્વયં ફિલ્મ નિર્માતાપણ છે. અમિતાભ પાસે અભિનય જ છે. અભિનેતા તરીકેની લોકપ્રિયતા જ છે જે તેમને ફિલ્મોથી માંડી ટી.વી. એડ અને પ્રિન્ટ એડમાં વ્યસ્ત રાખે છે. અમિતાભની આ સફળતા મેનેજમેન્ટનું પણ કારણ છે.
પોતાનો સમય કયાં આપવો તેનું આયોજન કરવામાં તે માસ્ટર છે. મુંબઇમાં અમિતાભ પાસે જલસા, જનક, પ્રતિક્ષા, વત્સ સહિતના પાંચ વૈભવી, વિશાળ બંગલા છે. લેકસસ, રોલ્સ રોયસ, બી.એમ. ડબલ્યુ, મર્સિડિસ સહિતની 11 લકઝરી કાર છે. અમિતાભનું રિયલ એસ્ટેટ બિઝનેસમાં મોટું રોકાણ છે અને અમેરિકાની ટેકનોલોજી કંપનીમાન મોટું રોકાણ તે જૂદું. અમિતાભ પાસે અઢળક નામ અને દામ છે. આરામ નથી પણ તે આરામ કરે તેમ નથી ને કોઇ આપે એમ નથી.
અમિતાભ 79માં વર્ષમાં પ્રવેશે છે. અમિતાભ સાથેના અનેક અભિનેતા કયારના નિવૃત્ત થઇ ચુકયા છે. ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, શત્રુઘ્ન સિંહા. કેટલાકે વિદાય લીધી- વિનોદ ખન્ના, વિનોદ મહેરા, રિશી કપૂર વગેરે હવે નથી. અમિતાભની હીરોઇનો નિવૃત્ત થઇ ચુકી છે. રાખી, રેખા, હેમા માલિની, જયા ભાદુડી, જયા પ્રદા. કેટલીકે વિદાય લઇ લીધી. પરવીન બાબી, શ્રીદેવી. અમિતાભ પછી કારકિર્દી શરૂ કરનારા સલમાન, શાહરૂખ, આમીર, ઋતિની કારકિર્દી કયારની ધીમી પડી ચુકી છે ને અમિતાભની ‘ઝૂંડ’, ‘તાલિસ્માન’, ‘ગુડબાય’, ‘ઝમાનત’ ફિલ્મ રિલીઝ થવા રેડી છે. ‘મેડે’, ‘બ્રહ્માસ્ત્ર’, ‘ધ ગ્રેટ મેન’ના શૂટિંગ પૂરા થવામાં છે.
તેમની 7 ફિલ્મો પ્રિ-પ્રોડકશન સ્તરે છે- ‘આંખે-૨’, ‘વિઝડમ ફોર હીરોઝ’, ‘ધ ઇન્ટર્ન’, ‘કરિશ્મા’, ‘ઉંચાઇ’ ઉપરાંત નાગ અશ્વિન પ્રભાસ સોની એક ફિલ્મ અને ‘પોન્નિયન સેલવન’ અમિતાભ જેટલી ફિલ્મો અત્યારે કોઇ પાસે નથી. અમિતાભ અત્યારે પણ 18 થી 20 કલાક કામ કરે છે. ફિલ્મના સેટ પર નિયમિત સમયે પહોંચે છે. તેમના કારણે કયારેય કોઇ શૂટિંગ અટકાવવું નથી પડયું. અમિતાભ અત્યારે એવો ભારતીય અભિનેતાછે જેની લોકપ્રિયતા આફ્રિકા, મધ્ય પૂર્વ, કેરેબીયન દેશો ઉપરાંત અમેરિકા, યુરોપમાં છે. તેમની નિષ્ફળ ફિલ્મો પણ કમાણી કરે છે. અમિતાભ હોલીવુડની ફિલ્મોમાં કામ કરવા કયારેય ઉત્સુક નથી રહયો. તેની પાસે એવી ફૂરસદ પણ નહતી. તેણે મનમોહન દેસાઇ, પ્રકાશ મહેરા, ઋષિકેશ મુખરજી, યશ ચોપરા જેવા ફિલ્મ સર્જકો સાથે કાયમ સંબંધ રાખ્યો. તે બંગાળી બોલી શકે છે પણ સત્યજીત રે કે મૃણાલ સેનની ફિલ્મોમાં કામ કરવું પસંદ નથી કર્યું. મનોરંજકસિનેમામાં જ કામ કર્યું અને તેમાં ઉમદા વિષયોની રાહ પણ જોઇ.
અમિતાભમાં હવે જે ડહાપણ આવ્યું છે તે પણ શીખવા જેવું છે. કોઇ વિશે ટીકા ન કરવી. રાજનેતાઓ વિશે તો બિલકુલ નહીં અને છતાં સતત જાહેરમાં રહેવું. લોક જાગૃતિના આયોજનોમાં પણ સતત પ્રવૃત્ત રહે છે. પોતાના કુટુંબ વિશે જરૂર પડે ત્યારે જ વાત કરે છે. લોકો રેખા સાથેના પ્રેમને યાદ કરે છે પણ કોઇ પૂછતું નથી. અમિતાભના વ્યકિતત્વને અનેક દૃષ્ટિથી તપાસવા જેવું છે. જાહેર જીવનમાં 4-5 દાયકા રહેવું કોઇ ખાવાના ખેલ નથી અને તેમની ફિટનેસ તો નમૂનેદાર છે. રોગો છે તે પોતાની પાસે રાખ્યા છે. અમિતાભ જેવા થવું માત્ર અમિતાભથી જ શકય છે એટલું નક્કી.