દેશમાં સૌથી વધુ શિક્ષીત મનાતા કેરળમાં કોલ્લામ જિલ્લામાં વિસ્મય નામની એક ડૉક્ટર વિદ્યાર્થીના દહેજ પ્રશ્ને સાસરીમાં થયેલ રહસ્યમય મૃત્યુ બાદ રાજ્યમાં રાજ્યપાલશ્રી દ્વારા, રાજ્ય શાસન દ્વારા અને રાજ્ય વિપક્ષ દ્વારા ત્રિસ્તરીય દહેજ વિરોધી કાર્યક્રમો થયા અને જરૂરી પગલાઓ લેવાયા જે દેશના અન્ય રાજ્યો માટે અનુકરણીય હોઈ અભિનંદનને પાત્ર છે. કેરળના રાજ્યપાલ શ્રી આરિફ ખાને વિષ્યમના પરિવારજનની મુલાકાત લીધી હતી અને દહેજના આ સામાજીક દૂષણ સામે જાગૃતિ નિર્માણ કરવા અને મહિલાઓ પરના અત્યાચાર નિવારવા માટેના પ્રયાસ રૂપે એક દિવસના ઉપવાસ કર્યા હતા.
કોઈ રાજ્યપાલ આવા સામાજીક કારણોસર ઉપવાસ કર્યા હોય એવું કેરળના ઈતિહાસમાં આ પ્રથમવાર બનેલ છે. કેરળની આ ઘટનાના પ્રતિભાવ રૂપે કેરળ સરકારે પણ દહેજ વિરૂધ્ધ કડક વલણ અપનાવીને આદેશ કરેલ છે કે જે પુરૂષ કર્મચારીના લગ્ન થઈ રહ્યા હોય તેમણે એક મહીનામાં એફીડેવીટ આપવી પડશે કે તેણે દહેજ લીધુ નથી. આ એફીડેવીટ પર કર્મચારીની પત્ની, પિતા, સસરા અને જમાઈના હસ્તાક્ષર કરવાના રહેશે. રાજ્ય સરકારે તમામ જિલ્લામાં દહેજ નિયંત્રક અધિકારી નિમવાની પણ જાહેરાત કરેલ છે.
કેરળના રાજ્યપાલ અને રાજ્ય શાસને દહેજના પ્રશ્ને જેવી રીતે જાગૃતિ બતાવી તે જ રીતે કેરળના બંને વિપક્ષો કોંગ્રેસ અને ભાજપે રાજ્યપાલના આ પગલાને ટેકો આપેલ છે. કેરલમા વિપક્ષે દહેજ વિરોધી હેલ્પ ડેસ્ક શરૂ કર્યુ જેમાં દહેજ પીડીત મહિલાઓ ટોલ ફ્રી નંબર પર કોલ કરીને હેલ્પ ડેસ્ક પાસેથી વિના મૂલ્યે કાનૂની સહાય લઈ શકશે. રાજ્યની વિવિધ કોર્ટોના 86 વકીલોનું નેટવર્ક દહેજ પીડીતાઓને કાનૂની સહાય પૂરી પાડશે. આપણા રાજ્યમાં પણ દહેજના સામાજીક દૂષણ સામે કેરાલા જેવા ત્રિસ્તરીય પગલાઓ (રાજ્યપાલ, શાસન પક્ષ અને વિપક્ષ જેવા) લેવાની જરૂર હોય એમ લાગે છે. મહિલા સંગઠનો પણ આ માટે ઉપકારક બની શકે.
સુરત – પ્રવીણ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.