કોંગ્રેસના મહાસચિવ (Congress) પ્રિયંકા ગાંધી વાડ્રાની પોલીસે ધરપકડ (Priyanka Gandhi Wadra Arrest) કરી છે. હાલ પ્રિયંકા ગાંધીને સીતાપુરના પીએસી ગેસ્ટ હાઉસમાં નજરકેદ રાખવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના લખમીપુર ખીરીમાં (Lakhmipur Khiri Case) ખેડૂતોને કાર નીચે કચડી હત્યાની ઘટના બાદ થયેલી હિંસા દરમિયાન પ્રિયંકા અસરગ્રસ્તોને મળવા ગયા હતા. ત્યાર બાદ પ્રિયંકા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. શાંતિભંગની આશંકા બાદ ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને ધરપકડ બાદ સીતાપુરમાં અસ્થાયી જેલમાં રાખવામાં આવ્યા છે. હવે રાહુલ ગાંધી બુધવારે લખીમપુર ખીરી જશે. મંગળવારે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રવિવારે ઉત્તરપ્રદેશના લખમીપુર ખીરીમાં હિંસા ભડકી હતી. તે જ રાત્રે પ્રિયંકા ગાંધી લખનઉ પહોંચ્યા હતા. રાત્રે જ લખનઉથી લખમીપુર જવા તેઓ રવાના થયા હતા. સોમવારે સવારે હરગાંવ પાસે પોલીસે પ્રિયંકા ગાંધીને અટકાવી દીધા હતા. ત્યારે એવી વાત ચર્ચાતી હતી કે, પ્રિયંકાને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. જોકે હવે એવી વિગત બહાર આવી છે કે સોમવારે પ્રિયંકા સામે કેસ દાખલ કરાયો હતો અને આજે ધરપકડ કરાઈ છે.
મળતી માહિતી અનુસાર પ્રિયંકા ગાંધીની વિરુદ્ધ ધારા 151, 107 હેઠળ ગુનો નોંધી કેસ દાખલ કરવામાં આવ્યો છે. CRPC ની કલમ 116 હેઠળ SDM કેસની સુનાવણી કરી રહ્યાં છે. પ્રિયંકા સોમવારે સવારથી જ પીએસસી ગેસ્ટ હાઉસમાં હતા. આ ગેસ્ટ હાઉસને હાલ હંગામી ધોરણે જેલમાં પરિવર્તિત કરી દઈ પ્રિયંકાને નજરકેદ કરવામાં આવી છે.હરગાંવના SHO એ આ કેસમાં રિપોર્ટ મેજિસ્ટ્રેટને મોકલી આપ્યો છે. SDM જાતે જ ગેસ્ટ હાઉસ પર જઈને આ મામલાની સુનાવણી કરશે. હરગાંવના SHO એ કહ્યું કે, પ્રિયંકા ગાંધી, દીપેન્દ્ર હુડ્ડા અને અજયકુમાર લલ્લૂ સહિત 11 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
હત્યારો આરોપી હજુ કેમ પકડાયો નથી, પ્રિયંકાએ વડાપ્રધાનને પૂછ્યા સવાલ
પીએસસી ગેસ્ટ હાઉસથી આજે સવારે પ્રિયંકાએ એક વીડિયો મેસેજ પણ વાયરલ કર્યો હતો, જેમાં પ્રિયંકાએ લખમીપુર હિંસામાં કાર નીચે કચડી નાંખનારો વીડિયો બતાવતા PM મોદીને સવાલ કર્યો કે આ આરોપીઓને ક્યારેય પકડશો? પ્રિયંકાએ કહ્યું કે, આ વીડિયોને જુઓ અને દેશને કહો કે આ મંત્રીને ક્યારેય સસ્પેન્ડ કરો છો? અને આ આરોપી યુવાનને હજુ સુધી પકડયો કેમ નથી? મારા જેવા વિપક્ષના નેતાઓને તો કોઈ પણ ઓર્ડર, નોટીસ કે ફરિયાદ વિના પકડી રાખ્યા છે. હું જાણવા માંગું છું કે આ માણસ આઝાદ કેમ છે?
ગેસ્ટ હાઉસની બહાર મોટી સંખ્યામાં સમર્થકો ભેગા થયા, દેશભરમાં પ્રદર્શન
પ્રિયંકા ગાંધી વાડ્રાને ગેસ્ટ હાઉસમાં જ નજરકેદ કરી લેવામાં આવતા આજે સવારથી જ કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ગેસ્ટ હાઉસની બહાર ભેગા થયા છે. પ્રિયંકા ગાંધીના ધરપકડના સમાચાર બહાર આવતા કાર્યકર્તાઓ ગુસ્સે થયા હતા અને પ્રિયંકા ગાંધી જિંદાબાદના નારા લગાવી રોષ વ્યક્ત કર્યો હતો. પ્રિયંકાની ધરપકડના ન્યૂઝ બહાર આવતા દેશમાં કેટલાંક ઠેકાણા પર કોંગ્રેસી કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવાયા છે. જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું હતું.
પી. ચિદમ્બરમે કહ્યું, પ્રિયંકાની ધરપકડ શરમજનક છે
પ્રિયંકાની ધરપકડને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે શરમજનક બતાવતા કહ્યું કે આ સંપૂર્ણ રીતે ગેરકાયદેસર અને શરમજનક છે. પ્રિયંકાને સવારે 4.30 કલાકે એક પુરુષ પોલીસ અધિકારીએ સૂર્યોદયથી પહેલાં જ અરેસ્ટ કર્યા છે. તેમને હજુ સુધી મેજિસ્ટ્રેટ પાસે લઈ જવામાં આવ્યા નથી. ચિંદમ્બરે વધુમાં કહ્યું કે, કાયદાની અનેક કલમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશમાં કાનૂન વ્યવસ્થાનો મતલબ અલગ છે. ત્યાં કાયદા વ્યવસ્થાનો અર્થ છે આદિત્યનાથની વ્યવસ્થા. આ પ્રિયંકાના સંવૈધાનિક અધિકારોનું ઉલ્લંઘન છે. કોંગ્રેસી નેતા નવજોતસિંહ સિદ્ધુએ ટ્વીટ કર્યું છે કે જ્યારે ડાઉટ હોય, સચ્ચાઈના રસ્તા પર ચાલો. આપણા આદર્શો સાથે ક્યારેય સમાધાન કરો નહીં અને મોરલ ઓથોરિટીનું નામ જ પ્રિયંકા ગાંધી છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે લખમીપુર હિંસાએ દેશને હચમચાવી દીધું છે. પ્રિયંકા ગાંધીને યુપી સરકારે ગિરફતાર કરી છે. યુપીમાં સરકારના દમન વિરુદ્ધ સંયુક્ત વિપક્ષ કાર્યવાહી કરે તે આવશ્યક છે.