નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ધરમપુર તાલુકાની સરહદ પર હર્યાભર્યાં જંગલોની વચ્ચે નદી કિનારે આવેલું ચોંઢા ગામ 100% આદિવાસી વિસ્તાર ધરાવે છે. ચોંઢા ગામ વાંસદાથી 35 કિલોમીટર અને ધરમપુરથી 15 કિલોમીટર દૂર આવેલું છે. ચોંઢા ગામ કુલ ૯૫૯ હેક્ટરમાં ફેલાયેલું છે અને ગામની કુલ વસતી ૩૧૪૯ છે. જેમાં મહિલાની સંખ્યા ૧૫૮૫ અને પુરુષની સંખ્યા ૧૫૬૫ છે. આમ ગામમાં મહિલાઓની વસતીની દૃષ્ટિએ બહુમતી છે.
આ ગામમાં ૧૯૮૫ મતદાર છે. જેમાં પુરુષ મતદાર ૯૭૮ અને સ્ત્રી મતદાર ૧૦૦૭ છે. ચોંઢા તેમજ તેની આજુબાજુનાં ગામોમાં વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ થકી યુવાનોને ઉત્તરોત્તર નિયમિતપણે ઘરઆંગણે રોજગારી ઉપલબ્ધ થાય, જીવનધોરણમાં સુધારો થાય તેમજ શૈક્ષણિક સુવિધાઓ ઊભી થાય વગેરે ઉમદા હેતુઓ માટે સને-1992ના વર્ષમાં બાયફ સંસ્થાના માર્ગદર્શન અને મણીકાકાની પ્રેરણાથી ગ્રામજનો દ્વારા નવચેતન માનવ વિકાસ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
હાલ ચોંઢા ગામના સરપંચ મીરાબેન એમ. કાંહડોળીયા અને ગ્રામ પંચાયતના દરેક સભ્યોના પ્રયત્નથી ગામના વિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ગામમાં પીવાનું શુદ્ધ પાણી, પાકા ડામર રસ્તા, નાળાં વગેરે જરૂરિયાત મુજબ બની રહ્યાં છે. તેમજ ગામના મુખ્ય રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સરકારની મનરેગા યોજના હેઠળ તળાવ ઊંડાં કરવાનાં કામો, જમીન સમતલ તેમજ નાણાપંચની યોજના થકી વિવિધ વિકાસનાં કામો થઇ રહ્યાં છે.
જો કે, ગામમાં આવેલી ગ્રામ પંચાયતનું મકાન આજે વર્ષો જૂનું હોવાથી કામગીરી કરવાની જરૂર છે. ત્યારે ગામમાં હાલ એક નવા ગ્રામ પંચાયત મકાનનું પણ નિર્માણ થાય એ જરૂરી છે. તમે અહીં આવો એટલે ગામના પ્રવેશદ્વાર પાસે આકર્ષક મોટા પથ્થરો દ્વારા ગામનાં દરેક સ્થળોનું સુંદર લખાણ જોવા મળી રહે છે. આથી બહારથી આવતી અજાણી વ્યક્તિઓએ કોઇપણ સ્થળે જવા માટે કોઈને પૂછવું પડતું નથી. ગ્રામ પંચાયત ચોંઢા અને રિદ્ધિસિદ્ધિ આદર્શ વિકાસમંડળના સહયોગથી આજે વાંસદા તાલુકાનું છેવાડાનું ચોંઢા ગામ ખૂબ જ પ્રગતિશીલ બન્યું છે, જેની તાલુકા અને જિલ્લા લેવલે પણ નોંધ લેવાઈ છે.
તેમજ આવનાર દિવસોમાં ચોંઢા ગામ ખૂબજ પ્રગતિ કરી ગામનું નામ રોશન કરશે એમ ગામના સરપંચે અભિલાષા વ્યક્ત કરી છે. ચોંઢા ગામમાં મુખ્યત્વે કુંકણા, વારલી તેમજ આદિમ જૂથના લોકો વસે છે અને તુવેર, ડાંગર, અળદ, જુવાર, શેરડી વગેરે પાકોની ખેતી કરતા હોય છે. અહીંના લોકો ખોરાકમાં ચોખાના રોટલાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હોવાથી તેઓ મુખ્ય પાક તરીકે ડાંગરની ખેતી જ કરે છે. અને આ ડાંગરમાંથી ઉપજતું અનાજ તેઓ ઘરોના કોઢારમાં ભરી આખા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરે છે. ચોંઢા ગામમાં પાણી પૂરવઠા યોજના હેઠળ સરકાર દ્વારા ૬ જેટલી પીવાના પાણીની ટાંકી બનાવવામાં આવી છે. જેના દ્વારા ગામમાં મોટા ભાગના વિસ્તારમાં ગ્રામજનોને પીવાના શુદ્ધ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
ચોંઢા દૂધ મંડળીમાં દૈનિક 4500 લીટર દૂધની આવક
ચોંઢા ગામે આવેલ દૂધ ઉત્પાદન સહકારી મંડળી લિ. જેની સ્થાપના 1989 થઈ હતી. આ દૂધ ડેરી મારફતે ગામના મોટા ભાગના ખેડૂતો પશુપાલકો સારી એવી આવક મેળવી રહ્યા છે. આ ડેરીના કુલ સભાસદોની સંખ્યા 350 જેટલી છે. આ ડેરી દ્વારા દૈનિક 4500 લીટર અને વાર્ષિક 12,14,000 લીટર જેટલું દૂધ અહીંથી આલીપોર ડેરી ચીખલી ખાતે મોકલવામાં આવે છે. જેનાથી સારી એવી આવક આ ડેરી મેળવે છે તેમજ ગામના 60થી 70 ટકા લોકો આ ડેરી મારફતે સારી એવી રોજગારી મેળવી રહ્યા છે.
સ્મશાનગૃહ ચોંઢા
ચોંઢા ગામમાં મૃત્યુ બાદ અંતિમસંસ્કારની ક્રિયા માટે નીચલા ફળિયા, ઉપલા ફળિયા અને પાતળી ફળિયા એમ 3 સ્મશાનગૃહની સુવિધા ઉપલબ્ધ છે. આ સ્મશાનગૃહ અલગ અલગ જરૂરિયાત મુજબના વિસ્તારમાં બનાવવામાં આવ્યા હોવાથી અહીંના લોકોને બારેમાસ કોઈપણ સમયે અંતિમસંસ્કાર કરવાની ફરજ ઊભી થતાં પણ લોકોને કોઈ જ તકલીફ પડતી નથી.
- ગ્રામ પં.ના હોદ્દેદારો
- # સરપંચ : મીરાબેન મહેશભાઈ કાંહડોળિયા
- # તલાટી કમ મંત્રી: અંકિતાબેન સુરેશભાઈ પટેલ
- # તરુણભાઈ ડી. ગામીત (પૂર્વ ડે.સરપંચ) : હાલ વાંસદા તાલુકા પંચાયતના સદસ્ય)
- ગ્રામ પં.ના સભ્યો
- (1) સરલાબેન કે. ભોયા
- (2) દીપકભાઈ જે. ચવધરી
- (3) વેલજીભાઈ એલ. ગાવીત
- (4) જમનાબેન જી. ધનગરિયા
- (5) ગીતાબેન એમ. ચવધરી
- (6) રણછોડભાઈ યુ. પાંસારિયા
- (7) રમીલાબેન યુ. કુરુબડા
- (8) રૂસંતીબેન એ. ભોયા
મનની આંખોથી દુનિયા જોતાં અંધજન શાળાનાં બાળકોમાં આત્મવિશ્વાસ છલોછલ
શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. પરંતુ આજેય ઘણાં બાળકોને પૂરતું શિક્ષણ મળતું નથી. સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં શિક્ષણ મજબૂત કરવાના પ્રયાસ આવે છે, છતાં પણ અંતરિયાળ વિસ્તારોની સ્થિતિમાં એટલો સુધારો થયો નથી. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં બાળકો શિક્ષણ થકી આજે દુનિયા સાથે કદમ મિલાવવા થનગની રહ્યા છે. અને આવી જ જરૂરિયાતને ધ્યાને લઈ ચોંઢા ગામ એ દિશામાં પગલું આગળ વધારી રહ્યું છે. જો કે, સૌથી મોટી સમસ્યા અંધજન બાળકોની છે. જેમનામાં કુદરતે હુનર તો ભર્યું છે પરંતુ તેમને પણ અવસરની જરૂર છે. જેને ધ્યાને લઈ ચોંઢા ગામે અંધજન શાળાની સ્થાપના વર્ષ-2001માં કરવામાં આવી હતી. શહેરોમાં શિક્ષણની સારી સુવિધા મળે છે. અને બાળકો રેન્કર બને એ વાતનો આપણે ગર્વ લેતા હોઈએ છે.
પરંતુ જેમનું જીવન અંધકારમય હોય એના માટે આપણી પણ જવાબદારી તો ખરીને. આવાં બાળકોની દેખરેખ માટે દાતાઓ દેવદૂત બની આગળ આવી રહ્યા છે. આ અંધજન શાળામાં ધરમપુર, કપરાડા, વાંસદા તેમજ અંતરિયાળ વિસ્તારનાં ગામોના ખૂબ જ ગરીબ આદિવાસી પરિવારમાંથી આવતાં વિકલાંગ બાળકોને ભણાવવામાં આવે છે. આ સંસ્થા નોન ગ્રાન્ટેડ હોવાથી સરકાર તરફથી કોઈપણ પ્રકારની સહાય કે ફંડ મળતું નથી. અહીં તમામ બાળકોનો જમવા-રહેવાની સગવડ અંધજન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચોંઢા દ્વારા કરવામાં આવે છે. જે દાતાઓના સહકારથી હાલ ચાલી રહી છે.
તેમજ 2019થી ટ્રસ્ટમાં નવી કમિટીની રચના કરવામાં આવી છે. તેનું સંચાલન પ્રમુખ મહેશભાઈ આર. કાહડોળીયા, મંત્રી સુરેશભાઈ એસ. ગાંવીત અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે મનોજભાઈ આર. પવાર તેમજ તમામ ટ્રસ્ટીઓના સહકારથી થઇ રહ્યું છે. આ શાળામાં ૧થી ૭ ધોરણ સુધીનાં બાળકોને ભણાવવામાં આવે છે તેમજ વધુ વયનાં બાળકોને સ્વરોજગારી મળે એ હેતુસર હાલ નર્સરી અને અને ખુરશી ભરવાનું કામ તેમજ પગલૂછણીયા બનાવવાની તાલીમ આપવામાં આવે છે. આ અંધજન શાળામાં સંસ્થા દ્વારા બાળકોને બનતી બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી હોય, પરંતુ હાલ શાળામાં પાણી અને ટોઇલેટ બાથરૂમની જરૂરિયાત છે.
નવા પી.એચ.સી. સેન્ટરની જરૂરિયાત
ચોંઢા ગામ ૩૧૪૯ જેટલી વસતી ધરાવતું ગામ છે. જેમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, આશ્રમશાળા, આંગણવાડી, દૂધડેરી, પાકા રસ્તા, પાણીની ટાંકીઓ આવી અનેક પ્રકારની સુવિધાઓનો સમાવેશ થાય છે. પરંતુ વધતી વસતીને કારણે આરોગ્યની સુવિધા માટે ચિંતનની જરૂર છે. ગામમાં અતિ આવશ્યક એવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખૂબ જ જૂનું હોવાથી એક નવા પીએચસી સેન્ટરની જરૂરિયાત ઊભી થઈ છે. સરકાર દ્વારા આજે ગામેગામ નવા સુવિધાયુક્ત પી.એચ.સી. સેન્ટર બનાવવામાં આવ્યાં છે, ત્યારે વાંસદા તાલુકાના છેવાડે આવેલું ૩૧૪૯ જેટલી વસતી ધરાવતા ચોંઢા ગામમાં લોકોના આરોગ્યની ચિંતા કરતા આ ગામમાં પણ એક નવા પી.એચ.સી. સેન્ટરની જરૂરિયાત છે. જેથી વાંસદાથી ૩૦ કિમીના અંતરે આવેલા ચોંઢા ગામમાં કોઈ પણ આકસ્મિક, અકસ્માત કે મહિલાઓને પ્રેગ્નેન્સી દરમિયાન ઇમરજન્સી સમયે દૂર સુધી ન લઈ જતા ગામમાં જ સારવાર મળી રહે.
શિક્ષણ ક્ષેત્રે પણ ચોંઢા ગામની પાપા પગલી
સને-2000ના વર્ષ સુધી ચોંઢા ગામમાં માત્ર સાતમા ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણની સુવિધા હોવાને કારણે વિદ્યાર્થીઓ વધુ અભ્યાસ કરી શકતા નહોતા. ગામના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે વાંસદા, ધરમપુર, પીપલખેડ વગેરે દૂરના સ્થળે ભણવા જવા માટે વાહન વ્યવહારની નહીંવત સગવડ હોવાને કારણે મોટા ભાગના વિદ્યાર્થીઓ ખાસ કરીને બહેનો શિક્ષણથી વંચિત રહી જતી હતી. ત્યારબાદ મંડળ દ્વારા ગ્રામજનો, સ્થાનિક આગેવાનો, બાયફ ધ્રુવા સંસ્થાના માર્ગદર્શન અને આર્થિક સહયોગ વડે તેમજ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની પરવાનગીથી ચોંઢા ગામમાં ડો.મણિભાઈ દેસાઈ નવચેતન માધ્યમિક શાળા તા.11 જૂન-2001થી શરૂ કરવામાં આવી હતી. સરકારના અનુદાન વગર ચાલતી આ નોન ગ્રાન્ટેડ શાળામાં ચોંઢા અને તેની આજુબાજુનાં ગામો તેમજ ડાંગ, ધરમપુર, કપરાડા સહિત તાલુકાનાં વિવિધ ગામડાંમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.
વધુમાં L&T કંપનીના CSR પ્રોજેક્ટ હેઠળ ચોંઢા ગામમાં પટેલ ફળિયા, મહાલ ફળિયા, ઉપલા ફળિયા અને પાતળી ફળિયા એમ કુલ 4 આંગણવાડી બનાવાઈ છે. આ આંગણવાડીમાં બાળકોને સમયસર શિક્ષણ સાથે સારું એવું ભોજન પણ આપવામાં આવે છે. આ 4 આંગણવાડીમાં ગામના આશરે 100થી 110 જેટલાં નાનાં બાળકોને શિક્ષા આપવામાં આવી રહી છે. આ આંગણવાડીમાં ગામના 170 જેટલાં બાળકોને ભણાવવાની સાથે પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે. તેમજ રમતગમતનાં તમામ સાધનોની જરૂરિયાત પણ પૂરી પાડવામાં આવે છે. એલએન્ડટી કંપનીએ અહીંના ખેડૂતો માટે શાકભાજી મંડપ અને જર્જરિત થઈ ગયેલા ચેકડેમો પણ રિપેર કરવામાં ખૂબ જ મદદ કરી છે. તેમજ અહીં છાત્રાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ધીમે ધીમે વધારો થતાં તેમની રહેવાની સુવિધા માટે હાલ 120 બેડની અદ્યતન સુવિધાવાળી એક નવી કન્યા છાત્રાલયનું કામ ચાલી રહ્યું છે.
આનંદ આશ્રમશાળા ચોંઢા અને અંજની કન્યા છાત્રાલય શૈક્ષણિક ક્ષેત્રે જાણીતું નામ
સહ્યાદ્રી ગિરિજન મહિલા વિકાસ મંડળ-કામળઝરી સંચાલિત આનંદ આશ્રમશાળા ચોંઢાની સ્થાપના વર્ષ-1997માં કરવામાં આવી ત્યારે શરૂઆતમાં 45 જેટલાં બાળકોને પ્રવેશ આપી આશ્રમશાળા ચાલુ કરવામાં આવી હતી. જેમાં હાલ 1થી 8 ધોરણમાં 153 જેટલાં આદિવાસી બાળકો નિવાસ સાથે શિક્ષણ મેળવી રહ્યાં છે. બાળકોએ શૈક્ષણિક, સંસ્કાર, રમત-ગમત, કલા તથા અન્ય બાહ્ય પ્રવૃત્તિઓમાં ખૂબ જ સારું પ્રભુત્વ મેળવી નવસારી જિલ્લામાંથી આ આશ્રમશાળાએ ‘A’ગ્રેડ મેળવી મોખરાનું સ્થાન પણ પ્રાપ્ત કરેલ છે. જે થકી આ આશ્રમશાળાને સરકાર તરફથી ધોરણ-9ના વર્ગની પણ મંજૂરી મળી છે.
જ્યારે માધ્યમિક શાળા શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ પરિપૂર્ણ થયા પછી કન્યા કેળવણીને પ્રોત્સાહન મળી રહે અને ચોંઢા તેમજ આજુબાજુનાં ગામોની દીકરીઓ પણ માધ્યમિક શિક્ષણ મેળવી શકે એ માટે મંડળે ટ્રાયબલ ડેવલપમેન્ટ બોર્ડ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ગાંધીનગરની પરવાનગીથી નવેમ્બર-2003માં અંજની કન્યા છાત્રાલયની શરૂઆત કરી હતી. જેમાં ચોંઢા ગામથી દૂરના અંતરિયાળ વિસ્તારના ગામોની વિદ્યાર્થીનીઓ વિનામૂલ્યે આ છાત્રાલયમાં રહી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવી રહી છે. જેનાથી કન્યા સાક્ષરતાનું પ્રમાણ વધ્યું છે અને ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. આ છાત્રાલયમાં રહી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને આજે વિવિધ શહેરોમાં ઉચ્ચ શિક્ષણ પણ મેળવી રહે છે. અહીં શૈક્ષણિક જાગૃતતા અભિયાન, તાલીમ કાર્યક્રમ, અંગ્રેજી શિક્ષણનો વ્યાય વધારવો, કમ્પ્યૂટર શિક્ષણ, લાઇબ્રેરી, યોગ શિક્ષણ, સંગીત શિક્ષણ, સ્કાઉટ ગાઈડ, એન.સી.સી. વગેરે બાબતો પર પૂરતું ધ્યાન આપવામાં આવે છે.
અમેરિકા રહેતા પ્રકાશભાઈ નાયકનો ગામના વિકાસમાં સિંહફાળો
પ્રકાશભાઈ નાયક નવસારી જિલ્લાના ઇચ્છાપોર ગામના મૂળ વતની છે. ચોંઢા ગામ આદર્શ ગામ બને એ પ્રકાશભાઈ નાયકનું સપનું રહ્યું છે. એ માટે તેમણે 2016માં ચોંઢા ગામને આદર્શ ગામ બનાવવાની નેમ લીધી હતી. અને રિદ્ધિસિદ્ધિ આદર્શ ગામ વિકાસમંડળની રચના કરી હતી. ત્યારબાદ આ મંડળ દ્વારા ગામમાં અનેક બાબતે વિકાસનાં કામો કરી ગામને હમેશાં પ્રગતિના પંથે આગળ વધાવ્યો છે. તેમજ પ્રકાશભાઈ નાયક છેલ્લા કેટલાય સમયથી અમેરિકામાં રહીને પણ ચોંઢા ગામને આજદિન સુધી કરોડો રૂપિયાના કામ અપાવ્યા છે.
જેનાથી ગામના વિકાસની સાથે લોકોને રોજગારી પણ મળી છે. તેમજ તેમણે કોરોનાના કપરા સમયમાં વાંસદા તાલુકામાં પણ ખૂબ સારી સેવા આપી સાથે જરૂરિયાતમંદ લોકો માટે સેવાનાં ઉમદાં કાર્યો કર્યાં છે. પ્રકાશભાઈ નાયક હાલ અમેરિકા સ્થિત હોવાછતાં આવનાર દિવસોમાં ચોંઢા આદર્શ ગામ બને તે માટે રાત-દિવસ એક કરી રહ્યા છે. ચોંઢા ગામમાં રિદ્ધિસિદ્ધિ આદર્શ ગામ વિકાસમંડળ છેલ્લાં ચાર વર્ષથી ચોંઢા ગામ સહિત આજુબાજુનાં ગામનો વિકાસ થાય એ માટે સતત કાર્યરત છે. અહીં મંડળમાં ૧૧ જેટલી કમિટી બનાવવામાં આવી છે, જેમાં દરેક વિભાગમાં સ્વચ્છતા સમિતિ, વનસમિતિ, શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ, ન્યાય સમિતિ વગેરે અન્ય સમિતિની રચના કરવામાં આવી છે.
ગામમાં નાનાં-મોટાં કામો આ મંડળ દ્વારા જ કરવામાં આવે છે. મંડળ દ્વારા ચાર આંગણવાડી, યુવાધન વિકાસ સંકુલ, તળાવો, ટાવર, માંડવધામનો વિકાસ, કમ્પ્યૂટર લેબ, શિબિરો અને પ્રવાસ વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ આવનાર દિવસોમાં આ મંડળ ગામને આદર્શ બનાવવા માટે સરકારની યોજનાઓ, બાયફ સંસ્થાની યોજનાઓ અને અન્ય દાતાઓના સહકારથી કામ સફળ બનાવવા તમામ પ્રયત્નો કરશે. આ કામ માટે મંડળના પ્રમુખ સીતારામ એમ. ગાવીત અને મંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ મેનેજિંગ ડિરેક્ટર મહેશભાઈ કાંહડોળીયાએ ખૂબ જ પ્રયત્નો કર્યા છે.
માંડવ દેવ
પ્રાચીન સમયમાં માંડવદેવ પાસે દેવોનાં લગ્નપ્રસંગ માટે આ સ્થળ ઉપર લગ્નમંડપ બનાવવામાં આવ્યો હતો અને આ સ્થળ ઉપર દેવોનાં લગ્ન થયાં હતાં. જેથી આ સ્થળને માંડવદેવ તરીકે ઓળખાય છે એવી સ્થાનિકોની માન્યતા અને શ્રદ્ધા રહેલી છે.
પ્રો.શંકરભાઈ બીરારી વેડછી બી.આર.એસ. કોલેજના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે
પ્રો.શંકરભાઈ ડી.બીરારી મૂળ ચોંઢા ગામના જ વતની છે, પરંતુ છેલ્લાં 40 વર્ષથી વેડછી બી.આર.એસ. કોલેજના પ્રાધ્યાપક રહી સેવા બજાવી ચૂક્યા છે. તેઓએ હરહંમેશ ગામના વિકાસમાં માર્ગદર્શન સાથે સહકાર આપ્યો છે, અને હાલ નિવૃત્ત થઈ ચોંઢા ગામમાં વિકાસનાં કામોમાં ગ્રામજનોને મદદ કરી રહ્યા છે, તેમજ તેમના વહુ ડૉ.હેતલબેન નીતિનભાઈ બિરારીએ હાલ પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી ચોંઢા ગામનું નામ રોશન કર્યું છે.
કાર્યસિદ્ધ હનુમાનજી મંદિર
ચોંઢા ગામની વચ્ચોવચ સ્થિત કાર્યસિધ્ધ હનુમાનજી મંદિરની સ્થાપના આશરે પચાસ વર્ષ પહેલાં ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી, ત્યારથી અહીં વાર-તહેવારે ગ્રામજનો દ્વારા ભજન-કિર્તન અને પૂજા-અર્ચના કરવામાં આવે છે. તેમજ ગામમાં કોઈપણ શુભ પ્રસંગ હોય કે લગ્નપ્રસંગ હોય તેની શરૂઆત સૌથી પહેલાં આ કાર્યસિદ્ધ હનુમાનજીનાં દર્શન કર્યા પછી જ કરવામાં આવે છે. ચોંઢા ગ્રામજનોની આ મંદિર સાથે ઘણી આસ્થા જોડાયેલી છે.