તાજેતરમાં જ અમેરિકા( ન્યૂયોર્ક )ખાતે ભરાયેલ સંયુક્ત રાષ્ટ્રસભાના 76 માં( યુનોમાં) સત્રમાં ભાગ લેવા માટે બધા દેશોનાં રાષ્ટ્રીય વડાઓ અમેરિકા પહોંચ્યા હતા . એમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો પણ તેમની ટીમ સાથે અમેરિકા પહોંચ્યા હતા . પરંતુ તેમણે કોરોનાની રસી મૂકાવી નહોતી, તેથી અમેરિકન હોટલો કે રેસ્ટોરામાં તેમની ટીમ સાથે પ્રવેશ ન મળતાં તેઓએ ફૂટપાથ પર ઊભા રહીને પીત્ઝાનો નાસ્તો કર્યો હતો. અમેરિકા તેમજ સમગ્ર યુરોપનાં દેશો અતિ કડક શિસ્ત માટે તેનું સખ્ત રીતે પાલન કરવા માટે ગમે તેવા સત્તાધીશો કે ચમરબંધોની સાડાબારી રાખતા નથી. ત્યાંની પ્રજા પણ સ્વયં શિસ્તનું સ્વૈચ્છિક પાલન કરે છે. પરિણામે ત્યાંની સ્વચ્છતા, સ્વયં શિસ્તતા, સખ્ત કાયદા પાલનને કારણે સત્તાવાળાઓની, પોલીસોની, આરોગ્ય કર્મચારીઓની કામગીરી અત્યંત સરળ બની જાય છે. તેમજ પ્રજાના આરોગ્યનો ગ્રાફ અત્યંત ઊંચો રહે છે.
ઊંચુ આરોગ્ય ધરાવતી હોવાથી તેમની કાર્યશક્તિ , ચપળતા , ચુસ્ત શિસ્ત હોવાને કારણે તેમની ઉત્પાદક ક્ષમતા, ઊંચી ગુણવત્તા પણ આપો આપ આવી જાય છે. સ્વયં શિસ્તને કારણે જ ત્યાંના નાગરિકોની ઊંચી દેશભક્તિ, આત્મગૌરવ, ફરજ નિષ્ઠા જેવા ગુણો આપોઆપ પેદા થાય છે. બીજા વિશ્વયુદ્ધમાં વિનાશના આરે પહોંચેલું જપાનની આજે દુનિયાના અતિ વિકસિત દેશોમાં ગણના થાય છે . જપાનીઓ કદી હડતાલ પાડતા નથી . જો સંઘર્ષની પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો વધુ કામ કરી, વધુ ઉત્પાદન કરી પોઝિટિવ લડત આપે છે. કદી હક્ક રજા પણ પૂરી ભોગવતા નથી. તેમને માલિકોએ ફોર્સ કરવો પડે છે . બસ એક જ ધ્યેય ! બીજા વિશ્વયુદ્ધમાં ખતમ થઈ ગયેલ દેશને દુનિયામાં પ્રથમ ક્રમે લાવવો, દેશને એટલો શક્તિશાળી બનાવવો કે દુશ્મન દેશો તેમની સામે આંખ ઊઠાવીને જોઇ પણ ન શકે.
શું ભારત દેશમાં આ શક્ય છે ? શું આ દેશ આવું અતિ કડક શિસ્ત ધરાવતું માળખું ઊભું કરી શકશે ? શું સત્તાવાળાઓ તટસ્થતાથી નિર્ણય કરી શકશે ? શું કાયદાઓનું પાલન કરનારાઓ , કાયદાઓનો અમલ કરાવનારી ઓથોરિટીઓ દેશના વિકાસની પારાશીશી સમાન શૈક્ષણિક સંસ્થાઓ પોતાની શિક્ષણ નીતિનો સ્વયં અમલ કરાવવાનો છૂટો દોર મળશે ? મહાભારતના આ સાત કોઠા પાર કરવાની આશા દૂર દૂર સુધી તો હાલમાં દેખાતી નથી. કારણ કે દેશને સ્વતંત્રતા મળ્યાને પણ 75 વર્ષ પૂર્ણ થવા છતાં પણ શિક્ષણનું પ્રમાણ વધારી શકાયું નથી, ધર્મના વાડાઓની ફેન્સીંગ ઓર મજબુત થતી જાય છે. જ્ઞાતિના વાડાઓ મજબુત થતા જાય છે. દેશ હિત કરતાં ધાર્મિક માન્યતાઓ ઓર મજબુત થતી જાય છે. આશા રાખીએ કે કોઈ વીરલો એવો પાકે કે જે આ સાત કોઠાના અવરોધોનો સાગર પાર કરી જાય.
ભેસ્તાન – બી. એમ. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.