‘એડવાન્સ ટેકનોલોજી’ અને ‘સ્કીલ બેઇઝ્ડ લર્નિંગ’ આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત બનાવશે, તેવું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરની પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટી – પીડીઈયુ ખાતે લેસર થ્રી-ડી મેટલ પ્રિન્ટરનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે પીડીઈયુમાં યોજાયેલા ‘એડિટિવ મેન્યુફેકચરીંગ એન્ડ એડવાન્સ્ડ મટીરિયલ્સ-2021’ વિષયક ત્રિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના શુભારંભ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે ટેકનોલૉજી અને પર્યાવરણ ક્ષેત્રના જે પડાકારોના આપણે સામનો કરી રહ્યાં છીએ તેના ઉકેલ માટે તમામ સંબંધિત વર્ગોએ સામૂહિક પ્રયાસો કરવા પડશે. ટેક્નોલૉજી ક્ષેત્રે થતાં નવાં-નવાં આવિષ્કારો આર્થિક પરિવર્તન માટેના મહત્વનાં પરિબળો સાબિત થાય છે, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી અનેકવિધ નવીનતમ ટેક્નોલૉજીના કારણે માનવબળના ઉપયોગને સીમિત કરી મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ થ્રી-ડી પ્રિન્ટિંગને આજના સમયની આવશ્યકતા ગણાવી જણાવ્યું હતું કે, ‘ટેકનોલોજીકલી એડવાન્સ’ થઈને યુવાનો આત્મનિર્ભર ભારતના નિર્માણને નવી દિશા આપશે. તેમણે ઔદ્યોગિક ક્ષેત્રે ઇનોવેશનને આશીર્વાદરૂપ ગણાવ્યું હતું